Mahisagar BJP Ranjitsinh Bariya Resignation: મહીસાગર જિલ્લાના રાજકારણમાં હાલ ગરમાવો જોવા મળી રહ્યો છે. ભાજપ દ્વારા જાહેર કરવામાં આવેલી ઉમેદવારોની યાદી બાદ પક્ષમાં આંતરિક વિખવાદ સામે આવ્યો છે. જિલ્લા ભાજપ બક્ષીપંચ મોરચાના ઉપપ્રમુખ રણજીતસિંહ બારીયાએ પક્ષની કાર્યશૈલી અને ટિકિટ વહેંચણીમાં થયેલા અન્યાયનો આક્ષેપ કરી પોતાના તમામ હોદ્દા અને પ્રાથમિક સભ્યપદેથી રાજીનામું ધરી દેતા ખળભળાટ મચી ગયો છે.
ટિકિટ વહેંચણીમાં સિદ્ધાંતો નેવે મૂકાયા હોવાનો આક્ષેપ
રણજીતસિંહ બારીયાએ સોશિયલ મીડિયાના માધ્યમથી પોતાનો આક્રોશ વ્યક્ત કરતા ગંભીર આક્ષેપો કર્યા છે. તેમણે જણાવ્યું હતું કે, "ભાજપ એક તરફ સિદ્ધાંતોની વાતો કરે છે, પરંતુ જ્યારે ટિકિટ વહેંચણીનો સમય આવે છે ત્યારે એ જ સિદ્ધાંતોને નેવે મૂકવામાં આવે છે." તેમણે વધુમાં આક્ષેપ કર્યો હતો કે, પક્ષમાં શિક્ષિત અને લાયક કાર્યકરોને સાઈડલાઇન કરીને જેઓ શિક્ષિત નથી અથવા જેઓ યોગ્ય નથી, તેમને ટિકિટ આપવામાં આવી રહી છે.
પિતાના સમયથી જોડાયેલા હતા પરિવારના તાર
રણજીતસિંહ બારીયાનો ભાજપ સાથેનો નાતો ઘણો જૂનો છે. વર્ષ 1992થી તેમના પિતાના સમયથી તેઓ ભાજપ સાથે જોડાયેલા હતા. આટલા વર્ષો સુધી પક્ષની નિષ્ઠાપૂર્વક સેવા કર્યા બાદ, હવે જ્યારે પક્ષના મૂળ સિદ્ધાંતો જળવાતા નથી, ત્યારે તેમણે પક્ષ છોડવાનો આકરો નિર્ણય લીધો છે. નોંધનીય છે કે, તેઓ અગાઉ ત્રણ વર્ષ સુધી જિલ્લા મંત્રી તરીકે પણ પોતાની જવાબદારી નિભાવી ચૂક્યા છે.
રાજકીય ગરમાવો
જૂના અને અનુભવી કાર્યકર રણજીતસિંહ બારીયાના રાજીનામાને કારણે મહીસાગર જિલ્લા ભાજપમાં સન્નાટો છવાઈ ગયો છે. ચૂંટણીના ટાણે જ પક્ષના હોદ્દેદારનું રાજીનામું આગામી દિવસોમાં પક્ષ માટે મુશ્કેલીઓ ઊભી કરી શકે છે તેવી ચર્ચાઓ રાજકીય ગલીઓમાં તેજ બની છે. રણજીતસિંહના આ પગલા બાદ જિલ્લા ભાજપના મોવડી મંડળ દ્વારા કેવા પ્રકારના પગલાં લેવામાં આવશે અને શું તેમને મનાવી લેવામાં આવશે કે કેમ, તે જોવું હવે ખૂબ જ મહત્વનું બની રહેશે.
આ પણ વાંચો: ચાવાળા બાદ હવે પટાવાળાને ટિકિટ: મહેસાણા ભાજપનો મોટો નિર્ણય : 28 વર્ષથી ફરજ બજાવતા રમેશ ભીલને ભાજપની ટિકિટ






