Kasturba Gandhiji : ગુજરાત વિધાનસભા ખાતે પૂજ્ય કસ્તૂરબા ગાંધીજીની 157મી જન્મજયંતિ નિમિત્તે એક હૃદયસ્પર્શી કાર્યક્રમ યોજાયો હતો. વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ કસ્તૂરબા ગાંધીજીના તૈલચિત્રને પુષ્પાંજલિ અર્પણ કરી તેમને શ્રદ્ધાંજલિ આપી હતી. આ પ્રસંગે અધ્યક્ષએ જણાવ્યું હતું કે, કસ્તૂરબા ગાંધીજી માત્ર મહાત્મા ગાંધીજીના જીવનસાથી તરીકે જ નહીં, પરંતુ રાષ્ટ્રસેવામાં તેમના અવિરત સહયોગી તરીકે પણ નોંધપાત્ર યોગદાન આપ્યું હતું.
મહાત્મા ગાંધીજી જ્યારે દેશસેવામાં સંપૂર્ણ સમર્પિત હતા, ત્યારે કસ્તૂરબા તેમની સાથે પડછાયા સમા રહીને અથાગ સહયોગ આપતા રહ્યા હતા. અધ્યક્ષે વિદ્યાર્થીઓને સંબોધતા કહ્યું હતું કે, સ્વાતંત્ર્ય સંગ્રામના વીર શહીદોએ દેશ માટે પોતાના પ્રાણોનું બલિદાન આપ્યું છે. આજના યુવાનોની ફરજ છે કે તેઓ પણ દેશના વિકાસ માટે સમર્પિત બનીને કાર્ય કરે અને રાષ્ટ્રને પ્રગતિના માર્ગે આગળ ધપાવે.
કસ્તૂરબા ગાંધીજીને શ્રદ્ધાંજલિ
આ અવસરે દિલ્હી પબ્લિક સ્કૂલ, કોબાના ધોરણ 10ના વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. વિદ્યાર્થીઓએ વિધાનસભાની શૈક્ષણિક મુલાકાત પણ લીધી હતી. કાર્યક્રમમાં વિધાનસભાના અધિકારીઓ તથા કર્મચારીઓએ પણ ઉપસ્થિત રહીને પૂજ્ય કસ્તૂરબા ગાંધીજીને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. સેવા અને સમર્પણના અમર પ્રતીકને યાદ કરતો ગુજરાત વિધાનસભાનો આ કાર્યક્રમ યુવા પેઢીને પ્રેરણા આપનારો બન્યો હતો.
આ પણ વાંચો: ગાંધીનગરમાં વિશ્વકર્મા બિઝનેસ એક્સપો-2026 નો ભવ્ય આરંભ : 119 થી વધુ સ્ટોલ સાથે ઉદ્યોગોને મળ્યો નવો મંચ
કસ્તૂરબા વિશે
કસ્તૂરબા 22 ફેબ્રુઆરી 1944માં આગા ખાન પેલેસ (પુણે)માં જેલમાં જ અવસાન પામ્યા, જ્યાં તેમનું સ્વાસ્થ્ય ખરાબ હતું. ગાંધીજીએ તેમને "પોતાના જીવનનું અમૂલ્ય રત્ન" કહ્યું હતું અને કહ્યું હતું કે "તેઓ મારાથી પણ આગળ છે."
અક્ષરજ્ઞાન ન હોવા છતાં તેઓ મહિલાઓને શિક્ષણ, સ્વચ્છતા, આરોગ્ય અને અધિકારો વિશે જાગૃત કરતા.
ગામડાઓમાં ફરીને મહિલાઓને સ્વાતંત્ર્ય સંગ્રામમાં જોડાવા પ્રેરિત કરતા અને તેમને આત્મનિર્ભર બનાવવા માટે ખાદી વણવાનું અને હસ્તકલા શીખવાડતા.
અસ્પૃશ્યતા વિરુદ્ધ, બાળલગ્ન વિરુદ્ધ અને વિધવા પુનર્લગ્નના સમર્થક હતા.
આશ્રમોમાં "બા" (માતા) તરીકે ઓળખાતા અને દરેકને માતૃસ્નેહ આપતા.






