Home Gujarat Vadodara Vmc Election 2026 Bjp Ward 1 Candidate Name Missing From Voter List Change Face Last Minute

વડોદરા ભાજપનો મોટો ફિયાસ્કો : વોર્ડ-1 ના ઉમેદવારનું નામ જ વોટર લિસ્ટમાં નથી! જાણો કેમ છેલ્લી ઘડીએ બદલવો પડ્યો ચહેરો

VMC election 2026
Published by: Nirali Gohil
Last Updated: Apr 11, 2026, 07:33 AM IST

વડોદરા: ગુજરાતના રાજકારણમાં શિસ્ત અને સંગઠન માટે જાણીતી ભારતીય જનતા પાર્ટીએ વડોદરા મહાનગરપાલિકાની ચૂંટણી પહેલા ભારે ફિયાસ્કાનો સામનો કરવો પડ્યો છે. ભાજપ દ્વારા ઉમેદવારોની યાદી જાહેર કરવામાં આવ્યા બાદ એક એવી વિગત સામે આવી કે જેનાથી પ્રદેશ નેતૃત્વ સુધી દોડધામ મચી ગઈ હતી. શહેરના વોર્ડ નંબર 1 માં જે ઉમેદવારના નામ પર મહોર મારવામાં આવી હતી, તેમનું નામ જ સ્થાનિક મતદાર યાદીમાં ન હોવાનું બહાર આવતા પક્ષની ભારે ફજેતી થઈ છે. આ ઘટનાએ ભાજપની 'હાઈટેક' પસંદગી પ્રક્રિયા અને સ્થાનિક નેતાઓની કામગીરી સામે ગંભીર સવાલો ઉભા કર્યા છે. નિયમ મુજબ મતદાર યાદીમાં નામ વગર ઉમેદવારી પત્ર માન્ય ગણાતું નથી, જેના કારણે ભાજપે ક્ષોભજનક સ્થિતિમાં મુકાઈને ગણતરીના કલાકોમાં જ પોતાના સત્તાવાર ઉમેદવારને બદલવાની નોબત આવી છે.

લલિત માછરનું નામ જાહેર થયું અને પછી થયો મોટો ધડાકો

સમગ્ર ઘટનાની વિગત એવી છે કે, શહેર ભાજપ પ્રમુખ ડો. જયપ્રકાશ સોની દ્વારા ગત રોજ વોર્ડ નંબર 1 ની ST અનામત બેઠક માટે લલિત માછરના નામની સત્તાવાર જાહેરાત કરવામાં આવી હતી. પક્ષ તરફથી લીલી ઝંડી મળતા જ લલિત માછર અને તેમના સમર્થકોમાં ખુશીની લહેર જોવા મળી હતી. જોકે, આ ખુશી લાંબો સમય ટકી શકી નહીં. જ્યારે ફોર્મ ભરવાની તૈયારીઓ શરૂ થઈ અને દસ્તાવેજોની ચકાસણી કરવામાં આવી, ત્યારે ધ્યાને આવ્યું કે લલિત માછરનું નામ વડોદરાની સ્થાનિક મતદાર યાદીમાં નોંધાયેલું જ નથી.

ભૂરસિંગ રાઠવાની છેલ્લી ઘડીએ એન્ટ્રી

આ ગંભીર ટેકનિકલ ભૂલની જાણ થતા જ ભાજપના મોવડી મંડળના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી. જો લલિત માછર ફોર્મ ભરે તો પણ તે રદ થવાનું નિશ્ચિત હતું. આથી, પક્ષે તાત્કાલિક ડેમેજ કંટ્રોલ કરતા લલિત માછરની ટિકિટ કાપી નાખી છે અને તેમના સ્થાને ભૂરસિંગ રાઠવાને નવા ઉમેદવાર તરીકે જાહેર કર્યા છે. પક્ષના આ નિર્ણયથી રાજકીય વર્તુળોમાં તરેહ-તરેહની ચર્ચાઓ શરૂ થઈ છે.

આ પણ વાંચો: અમદાવાદ મનપામાં ભાજપનું મોટું ઓપરેશન : મેયર સહિત કોના-કોના પત્તા કપાયા? જાણો કયા ચહેરા છે અમદાવાદ ભાજપના ત્રણ એક્કા

સંગઠનની ચકાસણી પ્રક્રિયા પર ઉઠ્યા સવાલો

વડોદરા ભાજપમાં સર્જાયેલા આ અભૂતપૂર્વ છબરડા બાદ પક્ષની આંતરિક સંગઠન પ્રક્રિયા અને સ્થાનિક નેતૃત્વની કાર્યશૈલી સામે ગંભીર સવાલો ઉઠી રહ્યા છે. શિસ્ત અને હાઈટેક સિસ્ટમનો દાવો કરતી પાર્ટીમાં જ્યારે ઉમેદવારની પસંદગી થતી હોય, ત્યારે પાયાની વિગતો જેવી કે મતદાર યાદીમાં નામની ચકાસણી કરવામાં જે નિષ્ફળતા મળી છે તેનાથી કાર્યકરોમાં ભારે નારાજગી અને આશ્ચર્ય જોવા મળી રહ્યું છે. રાજકીય વર્તુળોમાં અત્યારે એ ચર્ચાએ જોર પકડ્યું છે કે ટિકિટ ફાળવણી પૂર્વે મંગાવવામાં આવતા હજારો 'બાયોડેટા'ની સ્ક્રુટિની કરનાર સ્થાનિક નિરીક્ષકો અને સંગઠનના હોદ્દેદારો આટલી મોટી ચૂક કેવી રીતે કરી ગયા? શું સ્થાનિક ધારાસભ્યો અને વોર્ડના પ્રભારીઓ પોતાના સંભવિત ઉમેદવારની પ્રોફાઈલ તપાસવામાં થાપ ખાઈ ગયા કે પછી ઉતાવળમાં પાયાના નિયમોને નેવે મૂકીને નિર્ણય લેવામાં આવ્યો? આ ઘટનાએ ભાજપના 'માઈક્રો-પ્લાનિંગ' પર સવાલો ઉભા કર્યા છે અને પક્ષના પાયાના કાર્યકરોમાં એવી ચર્ચા છે કે આટલો મોટો છબરડો જવાબદાર નેતાઓની ગંભીર બેદરકારીનું જ પરિણામ છે.

વિપક્ષને મળ્યું ભાથું: ભાજપ બેકફૂટ પર

શહેર ભાજપ પ્રમુખે ઉમેદવાર બદલવાની પુષ્ટિ કરી છે, પરંતુ આ છબરડાએ વિપક્ષને બેઠું ભાથું પૂરું પાડ્યું છે. કોંગ્રેસ અને અન્ય વિરોધ પક્ષો હવે ભાજપની આંતરિક પસંદગી પ્રક્રિયાની મજાક ઉડાવી રહ્યા છે. એક તરફ ભાજપ તમામ બેઠકો જીતવાનો દાવો કરી રહી છે, ત્યારે બીજી તરફ ઉમેદવારનું નામ મતદાર યાદીમાં છે કે નહીં તેની પણ ખબર ન હોવી તે પક્ષ માટે મોટી નબળાઈ સાબિત થઈ રહી છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now