Mehsana News: સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈ ભાજપે પોતાના ઉમેદવારોના નામ જાહેર કર્યા છે, જેમાં મહેસાણામાં એક ખૂબ જ રસપ્રદ અને ચર્ચાનો વિષય બને તેવો નિર્ણય સામે આવ્યો છે. ભાજપે વર્ષોથી પક્ષની સેવા કરતા પાયાના કાર્યકરને ટિકિટ આપીને સૌને ચોંકાવી દીધા છે.
28 વર્ષની નિષ્ઠાવાન સેવાને મળી ફળ
મહેસાણા જિલ્લા ભાજપ કાર્યાલયમાં છેલ્લા 28 વર્ષથી પટાવાળા તરીકે ફરજ બજાવતા રમેશભાઈ પોપટલાલ ભીલને પક્ષે ચૂંટણીમાં મેદાનમાં ઉતાર્યા છે. રમેશભાઈની વર્ષોની નિષ્ઠા અને પક્ષ પ્રત્યેની સમર્પિત ભાવનાને ધ્યાનમાં રાખીને ભાજપે તેમને વોર્ડ નંબર 13 માંથી ઉમેદવાર તરીકે પસંદ કર્યા છે. સામાન્ય રીતે કાર્યાલયમાં સેવા આપતા કર્મચારીને જ્યારે મોટા સ્તરે ટિકિટ મળે છે, ત્યારે તે રાજકીય વર્તુળોમાં પણ કુતૂહલનો વિષય બને છે.
કાર્યાલય મંત્રીના પત્નીને પણ ટિકિટ
આ સાથે જ મહેસાણા ભાજપ દ્વારા અન્ય એક મહત્વપૂર્ણ જાહેરાત કરવામાં આવી છે. જિલ્લા ભાજપ કાર્યાલય મંત્રી જયેશ પ્રજાપતિના પત્ની નયના પ્રજાપતિને પણ પક્ષ દ્વારા ટિકિટ આપવામાં આવી છે.
આ પણ વાંચો: અમદાવાદ કોંગ્રેસનું 'સસ્પેન્સ' ખતમ : છેલ્લી ઘડીએ 132 ઉમેદવારોની યાદી જાહેર કરી, જાણો કોનું પત્તું કપાયું?
રાજકીય ગરમાવો
ભાજપના આ નિર્ણયો બાદ મહેસાણાના રાજકીય વાતાવરણમાં ગરમાવો જોવા મળી રહ્યો છે. જ્યાં એક તરફ પાયાના કાર્યકર રમેશભાઈ ભીલને ટિકિટ આપીને પક્ષે 'સામાન્ય કાર્યકરને મહત્વ' આપવાનો સંદેશ આપ્યો છે, તો બીજી તરફ પક્ષના હોદ્દેદારોના પરિવારજનોને પણ સ્થાન આપીને સંતુલન જાળવવાનો પ્રયાસ કર્યો છે. હવે જોવાનું એ રહેશે કે સ્થાનિક મતદારો આ ઉમેદવારોના નિર્ણયને કેવી રીતે સ્વીકારે છે.






