Home Gujarat Ahmedabad Ahmedabad Local Body Election Nomination Last Day 2026

સ્થાનિક સ્વરાજની ચૂંટણી: ફોર્મ ભરવાનો આજે અંતિમ દિવસ : ઢોલ-નગારા સાથે રેલી કાઢી ઉમેદવારો ફોર્મ ભરવા પહોંચ્યા, ગુજરાતના મુખ્ય શહેરોમાં રાજકીય ગરમાવો

ઉમેદવારો ચૂંટણી કચેરીમાં ફોર્મ ભરતી વખતેનો દૃશ્ય
Play Video
Published by: Viral Patel
Last Updated: Apr 11, 2026, 06:50 AM IST

Local Body Election Nomination Deadline Today: ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો માહોલ અત્યારે ચરમસીમા પર છે. આજે, 11 એપ્રિલના રોજ ઉમેદવારી ફોર્મ ભરવાનો અંતિમ દિવસ હોવાથી રાજ્યના મુખ્ય શહેરો એવા અમદાવાદ, વડોદરા અને સુરતમાં રાજકીય ધમધમાટ જોવા મળી રહ્યો છે. સવારથી જ ઉમેદવારો પોતાના સમર્થકો સાથે ઢોલ-નગારા અને ભવ્ય રેલીઓ કાઢી ઉમેદવારી પત્રો ભરવા પહોંચ્યા છે.

કોંગ્રેસની રણનીતિ: છેલ્લી ઘડીએ 'મેન્ડેટ'નો દાવ

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણી માટે કોંગ્રેસે અંતિમ દિવસે ઉમેદવારોના નામ જાહેર કરવાની પ્રક્રિયા હાથ ધરી છે. પક્ષ દ્વારા અત્યાર સુધીમાં 48 માંથી 34 વોર્ડ માટે જ યાદી જાહેર કરાઈ છે. બાકીના 14 વિવાદિત વોર્ડ (જેમાં દરિયાપુર, નિકોલ, જમાલપુર, મણિનગર, ગોમતીપુર વગેરેનો સમાવેશ થાય છે) માટે ધારાસભ્યોનું લોબિંગ અને આંતરિક વિરોધના કારણે નામ જાહેર કરવામાં આવ્યા ન હતા. હવે આ બેઠકો પર કોંગ્રેસ દ્વારા ઉમેદવારોને સીધા 'મેન્ડેટ' આપવામાં આવશે..

આ પણ વાંચો: નર્મદા નદીમાં 11,000 લીટર દૂધ કેમ ચઢાવવામાં આવ્યું? : જાણો તેની પાછળ શું રહેલી છે ધાર્મિક માન્યતા

ભાજપની તૈયારીઓ: ચકાસણી પર ભાર

બીજી તરફ, અમદાવાદ શહેર ભાજપ કાર્યાલય ખાતે ઉમેદવારો અને તેમના ડમી ઉમેદવારોના ફોર્મની ઝીણવટભરી ચકાસણી કરવામાં આવી રહી છે. બપોરે ૩ વાગ્યા સુધી તમામ ઉમેદવારોના ફોર્મ ભૂલરહિત ભરાઈ જાય તે માટે ભાજપના નેતાઓ સતત મોનિટરિંગ કરી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે, ઉમેદવારી પત્ર ભરવા જતા પહેલાં ભાજપના બોડકદેવ વોર્ડના ઉમેદવાર દેવાંગ દાણી અને ધરમશી દેસાઈએ વસ્ત્રાપુરના ગણપતિ મંદિરે દર્શન કરીને આશીર્વાદ લીધા હતા.

રેકોર્ડબ્રેક ફોર્મ ભરાવાની શક્યતા

આજે સવારે 10 વાગ્યાથી જ ઉમેદવારી નોંધાવવાની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. અમદાવાદમાં સુભાષબ્રિજ કલેકટર કચેરી, લાલ દરવાજા જિલ્લા પંચાયત, નવાવાડજ મોજણી ભવન અને વસ્ત્રાપુર બહુમાળી ભવન સહિતની કચેરીઓ ઉમેદવારોથી ઉભરાઈ ગઈ છે.

આ પણ વાંચો: રાજકોટ મનપા ચૂંટણીમાં કોંગ્રેસે ખેલ્યો માસ્ટરસ્ટ્રોક : જાણીતા RJ આભાને આપી ટિકિટ

ભાજપ, કોંગ્રેસ, આમ આદમી પાર્ટી (AAP) અને AIMIM સહિતની વિવિધ પાર્ટીઓના 1000થી વધુ ઉમેદવારો આજે પોતાનું નસીબ અજમાવવા મેદાનમાં ઉતરશે. ફોર્મ ભરવાનો સમય બપોરે 3 વાગ્યે પૂર્ણ થતો હોવાથી કચેરીઓ બહાર ભારે ભીડ અને અફરાતફરીની સ્થિતિ સર્જાવાની પૂરેપૂરી સંભાવના છે. આ ચૂંટણી જંગમાં કયો પક્ષ બાજી મારશે અને મતદારો કોને આશીર્વાદ આપશે, તે તો આવનારો સમય જ બતાવશે.*

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now