Rajal Barot And Neha Suthar Politics: ગુજરાતના લોકસંગીત જગતમાં લોકપ્રિય અવાજ ધરાવતી બે ગાયિકા રાજલ બારોટ અને નેહા સુથાર હવે એક નવા ક્ષેત્રમાં પગ મૂકી રહી છે. સંગીતથી લોકપ્રિયતા મેળવી ચૂકેલી આ કલાકારો હવે રાજકારણમાં પ્રવેશ કરી રહ્યા છે, જે માત્ર તેમના કારકિર્દી માટે નહીં પરંતુ ગુજરાતની રાજકીય ગતિવિધિઓ માટે પણ મહત્વપૂર્ણ ઘટના માનવામાં આવી રહી છે. ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓનો માહોલ જામ્યો છે. આ ચૂંટણીમાં રાજકીય પક્ષો દ્વારા નવા અને યુવા ચહેરાઓને મેદાનમાં ઉતારવાની તૈયારીઓ તેજ બની છે. આ જ ક્રમમાં હવે ભારતીય જનતા પાર્ટી (BJP) એ બે સુપ્રસિદ્ધ ગુજરાતી મહિલા ગાયિકાઓને ચૂંટણીની ટિકિટ આપીને રાજકીય વર્તુળોમાં ભારે ચર્ચા જગાવી છે.
ભાજપે રમ્યો નવો દાવ
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં ભાજપે પ્રજા વચ્ચે લોકપ્રિયતા ધરાવતા અને લાખો ફોલોઅર્સ ધરાવતા કલાકારો પર વિશ્વાસ મૂક્યો છે. ભાજપ દ્વારા આ નિર્ણયને નવા અને યુવા ચહેરાઓને રાજકારણમાં લાવવાના પ્રયાસ તરીકે જોવામાં આવી રહ્યો છે.
રાજલ બારોટ: ઉના નગરપાલિકામાં ઉમેદવારી
ગુજરાતના જાણીતા લોકગાયક સ્વ. મણિરાજ બારોટની પુત્રી અને પોતે પણ એક સફળ લોકગાયિકા રાજલ બારોટ હવે જાહેર જીવનમાં નવી ઇનિંગ શરૂ કરવા જઈ રહી છે. રાજલ બારોટ ગીર સોમનાથ જિલ્લાની ઉના નગરપાલિકાની ચૂંટણીમાં વોર્ડ નંબર 7 માંથી ભાજપના ઉમેદવાર તરીકે ચૂંટણી લડશે. સંગીતના મંચ પર પોતાની આગવી ઓળખ બનાવનાર રાજલ બારોટ હવે રાજકીય ક્ષેત્રે પોતાની સેવા આપવા માટે તૈયાર છે.

નેહા સુથાર: વિજાપુરમાંથી ચૂંટણી લડશે
બીજી તરફ, સોશિયલ મીડિયા પર કરોડો લોકોના દિલ જીતનાર જાણીતી ગાયિકા નેહા સુથારને ભાજપે મહેસાણા જિલ્લામાં તક આપી છે. નેહા સુથાર વિજાપુર તાલુકા પંચાયતની કુદેડા બેઠક પરથી ઉમેદવાર તરીકે ચૂંટણી મેદાનમાં ઉતરશે. નેહાની સોશિયલ મીડિયા પરની મજબૂત પકડ અને જનસંપર્ક તેમની ઉમેદવારીને વધુ ચર્ચિત બનાવી રહ્યા છે.

જનસંપર્ક પર ભાજપનો મદાર
રાજકીય નિષ્ણાતોના મતે, ગાયિકાઓને ટિકિટ આપીને ભાજપે એક રણનીતિ અપનાવી છે. આ કલાકારો પોતાની કળા અને લોકપ્રિયતાને કારણે મતદારો સાથે સીધો સંપર્ક સાધવામાં નિષ્ણાત હોય છે. આથી, ભાજપ આ યુવા ચહેરાઓના માધ્યમથી મતદારો સુધી પોતાની વાત વધુ અસરકારક રીતે પહોંચાડવા માંગે છે. હવે જોવાનું એ રહેશે કે સંગીતની દુનિયામાં સફળતા મેળવ્યા બાદ, રાજલ બારોટ અને નેહા સુથાર રાજકારણના મેદાનમાં કેટલા સફળ રહે છે અને મતદારોનો તેમને કેટલો સાથ મળે છે.





