Lion Attack: અમરેલી જિલ્લાના લીલીયા તાલુકાના અંટાળીયા ગામ નજીક વીડી વિસ્તારમાં સિંહ દર્શન કરવા ગયેલા યુવાનો પર સિંહે જીવલેણ હુમલો કર્યો છે, જેમાં સોહિલ રફીકભાઈ નામના યુવકનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું છે. પ્રાથમિક માહિતી અનુસાર, 8 થી 10 યુવાનોનું ગ્રૂપ અનઅધિકૃત રીતે પ્રતિબંધિત જંગલ વિસ્તારમાં સિંહ દર્શન માટે ગયું હતું. અચાનક આ ગ્રૂપ મેટિંગ કરી રહેલી સિંહ બેલડીની નજીક પહોંચી ગયું અને ત્યાં વીડિયો-રીલ બનાવવા પ્રયાસ કર્યો. સિંહ અને સિંહણના મેટિંગ પીરિયડમાં ખલેલ પહોંચતા સિંહ અચાનક આક્રમક બન્યો હતો. હુમલો થતાં અન્ય યુવાનો જીવ બચાવી ભાગી છૂટ્યા હતા, પરંતુ સોહિલ ભોગ બન્યો હતો. મેટિંગ પીરિયડમાં છંડેડાયેલાં સિંહ અને સિંહણ એટલા હિંસક અને આક્રમક બન્યા હતા કે સોહિલનો મૃતદેહ છોડવા પણ તૈયાર નહોતા. વન વિભાગની ટીમોએ ભારે જહેમત બાદ સિંહના સકંજામાંથી મૃતદેહ મુક્ત કરાવી સમગ્ર મામલાની વધુ તપાસ હાથ ધરી છે.
આ ઘટના બાદ સૌથી મોટો સવાલ એ થાય છેકે, ભાવલનગરના પાણિતાણામાં અડધો કલાક સુધી સિંહ માલધારી કાળુભાઈ પર આંટીમારીને દબોચીને બેસી રહ્યો હતો. તેમ છતાં તેમ સિંહે માલધારીને છોડી દીધા અને તેનો જીવ બચી ગયો? જ્યારે અમરેલીના અંટાળીયા ગામમાં કેમ માત્ર 5 જ મિનિટમાં સિંહે સોહિલનો જીવ લઇ લીધો? આ સવાલનો જવાબ જાણવા માટે તમારે સિંહની પ્રકૃતિ અને તેના હુમલા પાછળનું વિજ્ઞાન જાણવું પડશે...શું કહે છે નિષ્ણાતોનો મત જાણો...

લગભગ છેલ્લાં બે મહિનામાં ગુજરાતમાં સિંહોના હુમલાની કુલ 7 ઘટનાઓ બની છે. જેમાં અત્યાર સુધી 5 લોકોના મોત થઇ ચુક્યા છે. જોકે, ભાવનગરના પાલિતાણામાં સિંહના સકંજામાંથી માલધારીની જીવત છૂટવાની ઘટનાએ દેશભરમાં ચર્ચા જગાવી છે. એવામાં અમરેલીમાં સિંહ હુમલાની બીજી એક ઘટનાએ સૌ કોઈને વિચારવા પર મજબૂર કરી દીધી છે. અમરેલીના અંટાળીયા અને ભાવનગરના મોટા ગરાજિયાની સિંહ હુમલાની ઘટના એકબીજાથી તદ્દન અલગ છે. બંનેમાં હુમલો સિંહે કર્યો, પરંતુ એક ઘટનામાં માણસ બચી ગયો અને બીજી ઘટનામાં યુવકનું મોત થયું. શું મેટિંગ દરમિયાન થયેલી ખલેલ તેનું કારણ હોઈ શકે? વન્યજીવ નિષ્ણાતોના અભ્યાસ, એશિયાટિક સિંહના સ્વભાવ અને તાજેતરની ઘટનાઓના આધારે સમજીએ આખું ચિત્ર.

ગીરના જંગલમાં રહેતો એશિયાટિક સિંહ સામાન્ય રીતે માણસનો શિકાર કરતો પ્રાણી માનવામાં આવતો નથી. વિશ્વભરના મોટા માંસાહારી પ્રાણીઓમાં એશિયાટિક સિંહનું વર્તન પ્રમાણમાં શાંત ગણાય છે. છતાં છેલ્લા કેટલાક મહિનામાં ગુજરાતમાં બનેલી જીવલેણ ઘટનાઓએ લોકોમાં ભય પણ વધાર્યો છે અને અનેક સવાલો પણ ઉભા કર્યા છે. શું સિંહનું વર્તન બદલાઈ રહ્યું છે? શું માનવ દખલ વધી રહી છે? કે પછી બંને વચ્ચેનું અંતર સતત ઘટી રહ્યું છે?
અમરેલી જિલ્લાના લીલીયા તાલુકાના અંટાળીયા ગામે 21 વર્ષીય સોહિલ મેમણના મોત અને ભાવનગર જિલ્લાના મોટા ગરાજિયા ગામે માલધારી કાળુભાઈ પરમાર પર થયેલા હુમલાએ આ ચર્ચાને વધુ વેગ આપ્યો છે. સૌથી મોટો પ્રશ્ન એ છે કે એક ઘટનામાં સિંહે જીવ લઈ લીધો જ્યારે બીજી ઘટનામાં અડધો કલાક સુધી દબોચી રાખ્યા બાદ પણ સિંહે માણસને કેમ જીવતો છોડી દીધો? આની પાછળનું વિજ્ઞાન શું છે?
મેટિંગ દરમિયાન સિંહનું વર્તન સામાન્ય દિવસોથી અલગ હોય છે
વન્યજીવ સંરક્ષણ ક્ષેત્રમાં થયેલા અભ્યાસો દર્શાવે છે કે સિંહ અને સિંહણનો મેટિંગ પિરિયડ અત્યંત સંવેદનશીલ સમય ગણાય છે. તે સમયે સિંહ પોતાની સાથી સિંહણ સાથે અંગતપળો માણતો હોય છે. જેમાં તે કોઈપણ પ્રકારની ખલેલ સહન કરતો નથી. સામાન્ય રીતે ત્રણથી પાંચ દિવસ સુધી ચાલતા આ સમયગાળા દરમિયાન બંને દિવસમાં અનેક વખત સંભોગ કરે છે. આ દરમિયાન તેઓ ભાગ્યે જ આરામ કરે છે અને સતત એકબીજાની નજીક રહે છે. આ સમય દરમિયાન નર સિંહ પોતાના સાથી અને વિસ્તાર પ્રત્યે વધુ રક્ષણાત્મક બને છે. કોઈ અજાણ્યો સિંહ, માણસ કે અન્ય પ્રાણી નજીક આવે તો તેને સંભવિત જોખમ તરીકે જોવાની શક્યતા વધી જાય છે. વાઇલ્ડલાઇફ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ઇન્ડિયા (WII) સહિતના વન્યજીવ અભ્યાસોમાં પણ મોટા બિલાડીવર્ગના પ્રાણીઓ પ્રજનન દરમિયાન વધુ સતર્ક રહેતા હોવાનું નોંધાયું છે. આનો અર્થ એવો નથી કે મેટિંગમાં રહેલો દરેક સિંહ માણસ પર હુમલો જ કરશે. પરંતુ જો ખૂબ નજીક જઈને તેને પરેશાન કરવામાં આવે, વાહન લઈને પીછો કરવામાં આવે અથવા ફોટા-વિડિયો લેવા માટે તેની સુરક્ષિત સીમા ભંગ કરવામાં આવે તો હુમલાની શક્યતા ચોક્કસ વધી શકે છે.
મેટિંગ દરમિયાન સિંહનું વર્તન કેમ બદલાય છે?
વન્યજીવ જીવવિજ્ઞાનીઓના જણાવ્યા અનુસાર સિંહ માટે મેટિંગ માત્ર પ્રજનનની પ્રક્રિયા નથી, પરંતુ તે પોતાના વિસ્તાર અને સાથીની સુરક્ષા સાથે પણ જોડાયેલો સમય હોય છે. આ સમયગાળા દરમિયાન સિંહ અને સિંહણ સતત સાથે રહે છે અને કોઈપણ અજાણી હલચલ પ્રત્યે અત્યંત સંવેદનશીલ બને છે. સામાન્ય રીતે ત્રણથી પાંચ દિવસ ચાલતા મેટિંગ પિરિયડ દરમિયાન બંને દિવસમાં અનેક વખત સંભોગ કરે છે. આ સમય દરમિયાન તેઓ ઓછો આરામ કરે છે, ઓછું ભોજન લે છે અને વારંવાર આસપાસની સ્થિતિનું નિરીક્ષણ કરે છે. જો કોઈ માણસ ખૂબ નજીક પહોંચી જાય, વાહન લઈને પાછળ પડે, ફોટોગ્રાફી માટે ઘેરી લે કે અવાજ કરીને ધ્યાન ખેંચે તો સિંહ તેને સીધો ખતરો માની શકે છે. વન્યજીવ નિષ્ણાતો સ્પષ્ટ કહે છે કે આવા હુમલાનો હેતુ હંમેશા શિકાર કરવો હોય એવું નથી. ઘણી વખત તે પોતાના વિસ્તાર અને સાથીને બચાવવા માટેની રક્ષણાત્મક પ્રતિક્રિયા હોય છે. પરંતુ એકવાર હુમલો શરૂ થઈ જાય પછી તેનું પરિણામ કેટલું ગંભીર બનશે તે સંપૂર્ણપણે પરિસ્થિતિ પર આધાર રાખે છે.
અંટાળીયા ઘટનામાં શું બન્યું હોવાની સંભાવના છે?
પ્રાથમિક માહિતી મુજબ કેટલાક યુવકો લાઈટ અને કેમેરા લઈને સિંહ દર્શન કરવા માટે જંગલ વિસ્તારમાં ગયા હતા. એવી ચર્ચા પણ સામે આવી છે કે તે સમયે સિંહ અને સિંહણ મેટિંગમાં હતા. જો તપાસમાં આ વાત સાચી સાબિત થાય તો હુમલાનું એક મહત્વનું કારણ બની શકે છે. વન્યજીવ નિષ્ણાતોના જણાવ્યા પ્રમાણે જ્યારે મેટિંગ પેરને લાગે કે કોઈ વ્યક્તિ ખૂબ નજીક આવી ગઈ છે ત્યારે તેઓ પહેલાં ચેતવણી આપે છે. પરંતુ જો જોખમ યથાવત રહે તો હુમલો પણ કરી શકે છે. કેટલાક કિસ્સાઓમાં હુમલો માત્ર ઘૂસણખોરને દૂર ભગાડવા માટે હોય છે, જ્યારે કેટલીક પરિસ્થિતિમાં તે જીવલેણ પણ બની શકે છે. સોહિલના કેસમાં સિંહ-સિંહણે યુવકને ઢસડીને દૂર લઈ ગયા હોવાની માહિતી સામે આવી છે. હુમલા બાદ વન વિભાગને મૃતદેહ મેળવવા માટે પણ ભારે જહેમત ઉઠાવવી પડી હતી. જોકે આ ઘટના અંગેનો અંતિમ અભિપ્રાય વન વિભાગની તપાસ બાદ જ સ્પષ્ટ થશે.
સિંહે કેમ માલધારી કાળુભાઈને મારી ન નાખ્યા?
ભાવનગર જિલ્લાના પાલિતાણા તાલુકાના મોટા ગરાજિયા ગામની ઘટના એટલી જ અસાધારણ હતી. સિંહે પાછળથી હુમલો કરીને માલધારી કાળુભાઈ પરમારને પછાડી દીધા. તેમના બંને પગ દબાવી દીધા અને હાથ મોઢામાં પકડી રાખ્યો. લગભગ 30 મિનિટ સુધી આ સ્થિતિ રહી, છતાં અંતે સિંહ ચાલ્યો ગયો. વન્યજીવ નિષ્ણાતો આ માટે અનેક સંભવિત કારણો દર્શાવે છે. જે અહિં દર્શાવવામાં આવ્યાં છે.
1) સૌપ્રથમ, શક્ય છે કે સિંહ ભૂખ્યો ન હોય. મોટા માંસાહારી પ્રાણીઓ અનાવશ્યક ઊર્જા ખર્ચવાનું ટાળે છે. જો હુમલાનો હેતુ માત્ર જોખમ દૂર કરવાનો હોય તો તે માણસને મારીને ખાય જ એવું જરૂરી નથી.
2) બીજું, કાળુભાઈએ ગભરાટમાં ભાગવાનો પ્રયાસ કર્યો નહોતો. ઉલ્ટા કાળુભાઈએ સિંહના માથે અને પીઠ પર હાથ ફેરવીને તેને વ્હાલ કરીને તેની પાસે પોતાને છોડવાની આજીજી કરી હતી. વન્યજીવો પણ માણસના સ્પર્શ અને કેટલીક સંવેદનશીલતાઓને ધ્યાને લેતા હોય છે. વન્યજીવ નિષ્ણાતોના મતે ઘણી વખત ભાગતી વ્યક્તિ શિકારી પ્રાણીમાં પીછો કરવાની વૃત્તિ વધારે છે.
3) ત્રીજું, આસપાસ ભેગા થયેલા લોકો, વાહનોના અવાજ અથવા અન્ય દખલને કારણે પણ સિંહે સ્થળ છોડ્યું હોઈ શકે છે.
4) ચોથું, કેટલાક કિસ્સામાં સિંહ માણસને શિકાર તરીકે નહીં પરંતુ માત્ર ઘૂસણખોર તરીકે પકડી રાખે છે. જોખમ ટળી જાય પછી તે હુમલો આગળ વધારતો નથી.
આ પણ વાંચોઃ 30 મિનિટ સુધી માથા પર બેઠું હતું મોત! : માલધારીનો હાથ દાંતમાં દબાવી પગ પર આંટી મારીને બેઠો હતો સિંહ, જુઓ કેવી રીતે કાઢી એક-એક મિનિટ
દરેક હુમલાનું કારણ એકસરખું હોતું નથી
તાજેતરના સમયમાં બનેલી ઘટનાઓ પર નજર કરીએ તો દરેક ઘટનાનું કારણ અલગ હોઈ શકે છે. જાફરાબાદમાં યુવક પર હુમલો અલગ સંજોગોમાં થયો હતો. રાજુલામાં અંધારામાં ચાલતા વ્યક્તિ પર હુમલો થયો હતો. મહુવા પાસે બાઈક બંધ પડતાં યુવાન પર હુમલો થયો હતો. ખાંભામાં પાંચ વર્ષના બાળક પર થયેલા હુમલા અંગે કેટલાક નિષ્ણાતોએ 'મિસ્ટેકન આઇડેન્ટિટી' એટલે કે અન્ય શિકાર સમજી લેવાની સંભાવના વ્યક્ત કરી હતી. તે જ રીતે અંટાળીયા અને મોટા ગરાજિયાની ઘટનાઓ પણ અલગ પરિસ્થિતિમાં બની છે. તેથી તમામ હુમલાને એક જ કારણ સાથે જોડવું યોગ્ય નથી.
શું સિંહ હવે માણસને શિકાર તરીકે જોવા લાગ્યો છે?
વન્યજીવ નિષ્ણાતો આ દાવા સાથે સહમત નથી. તેઓ કહે છે કે ગીરના એશિયાટિક સિંહનો મુખ્ય ખોરાક નીલગાય, ચિતલ, સાંબર, જંગલી ભૂંડ અને પશુધન છે. માણસ હજુ પણ તેનો કુદરતી શિકાર નથી. પરંતુ જ્યારે માણસ વારંવાર તેના વિસ્તારમાં ઘૂસે, ખાસ કરીને રાત્રિના સમયે, મેટિંગ દરમિયાન અથવા બચ્ચાં નજીક હોય ત્યારે અથડામણની શક્યતા વધી જાય છે.
સોશિયલ મીડિયાનો પણ છે એક ખતરનાક ટ્રેન્ડ
છેલ્લાં વર્ષોમાં સિંહ સાથે સેલ્ફી, નજીકથી વીડિયો અને સોશિયલ મીડિયા માટે રીલ્સ બનાવવાનો ટ્રેન્ડ ઝડપથી વધ્યો છે. સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ કેટલાક લોકો માત્ર સિંહને નજીકથી જોવા માટે જોખમ ઉઠાવે છે. વન્યજીવ નિષ્ણાતો વારંવાર ચેતવણી આપે છે કે જંગલી પ્રાણીનું વર્તન સેકન્ડોમાં બદલાઈ શકે છે. શાંત દેખાતો સિંહ પણ જો પોતાને જોખમમાં અનુભવે તો અચાનક હુમલો કરી શકે છે.
વન વિભાગ સામે પણ મહત્વના પ્રશ્નો
અંટાળીયા જેવી ઘટનાએ વન વિભાગની કામગીરી અંગે પણ ચર્ચા ઊભી કરી છે. જો વિસ્તારમાં સિંહોની નિયમિત અવરજવર હતી તો શું જોખમી સ્થળોએ પૂરતી ચેતવણી હતી? શું પેટ્રોલિંગ વધારવામાં આવ્યું હતું? શું અનધિકૃત પ્રવેશ રોકવા માટે અસરકારક વ્યવસ્થા હતી? આ પ્રશ્નોના જવાબ તપાસ બાદ જ સ્પષ્ટ થશે, પરંતુ એટલું નિશ્ચિત છે કે માત્ર વન વિભાગના પ્રયાસોથી સમસ્યા હલ થવાની નથી. સ્થાનિક લોકો, પ્રવાસીઓ અને સોશિયલ મીડિયા માટે જોખમ લેતા યુવાનોની જવાબદારી પણ એટલી જ મહત્વપૂર્ણ છે.
કાળુભાઈ પરમાર અને સોહિલ મેમણની ઘટનાઓ એક જ વાત સ્પષ્ટ કરે છે- સિંહના દરેક હુમલા પાછળનું કારણ સરખું હોતું નથી. ક્યાંક તે રક્ષણાત્મક પ્રતિક્રિયા હોય છે, ક્યાંક પરિસ્થિતિ બેકાબૂ બનતાં જીવલેણ પરિણામ આવે છે. જો અંટાળીયા કેસમાં મેટિંગ દરમિયાન ખલેલ પહોંચી હોવાની વાત તપાસમાં સાચી ઠરે તો તે હુમલાનું એક મહત્વપૂર્ણ કારણ બની શકે છે, પરંતુ હાલ તેને અંતિમ સત્ય તરીકે રજૂ કરવું યોગ્ય નથી. ગીરના સિંહો આજે પણ ગુજરાતની ઓળખ છે. તેમને સમજવાની જરૂર છે, પડકારવાની નહીં. જંગલમાં રોમાંચ શોધવાની એક ક્ષણિક ઇચ્છા ક્યારેક આખું જીવન છીનવી લે છે. તેથી સિંહને તેના કુદરતી વિસ્તારમાં સુરક્ષિત અંતરથી જ જોવો અને વન વિભાગની સૂચનાઓનું પાલન કરવું એ જ સૌથી મોટો બચાવ છે.






