Home Gujarat Hngu Cancels Affiliation 17 Colleges Patan Mehsana 2026

હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીની કડક કાર્યવાહી : પાટણ-મહેસાણાની 17 કોલેજો સાથે છેડો ફાડ્યો, નવા પ્રવેશ પર પ્રતિબંધ

hngu
Published by: Chintan Chavda
Last Updated: Jul 09, 2026, 07:47 AM IST

પાટણ સ્થિત હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીએ શૈક્ષણિક ગુણવત્તા અને નિયમોના પાલનને લઈને મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. યુનિવર્સિટીએ પાટણ અને મહેસાણા જિલ્લાની કુલ 17 કોલેજો તેમજ વિવિધ અભ્યાસક્રમોનું જોડાણ શૈક્ષણિક વર્ષ 2026-27થી ક્રમશઃ અથવા કાયમી ધોરણે પરત ખેંચવાનો નિર્ણય જાહેર કર્યો છે. આ નિર્ણય બાદ સંબંધિત કોલેજોમાં આગામી શૈક્ષણિક વર્ષથી નવા વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવશે નહીં.

યુનિવર્સિટી દ્વારા બહાર પાડવામાં આવેલા સત્તાવાર જાહેરનામા મુજબ, કોલેજોના સંચાલનમાં ગંભીર અનિયમિતતાઓ સામે આવતા ઉચ્ચ કક્ષાની તપાસ સમિતિની ભલામણો, બોર્ડ ઓફ મેનેજમેન્ટના ઠરાવ તેમજ યુનિવર્સિટીના અન્ય સત્તામંડળોની મંજૂરી બાદ આ કાર્યવાહી કરવામાં આવી છે. કુલપતિની મંજૂરી મળ્યા બાદ નિર્ણયને સત્તાવાર સ્વરૂપ આપવામાં આવ્યું છે.

અનેક બી.એડ., એમ.એડ., એમ.એસસી., બી.વોક. સહિતના કોર્સ અસરગ્રસ્ત

યુનિવર્સિટીના નિર્ણયથી પાટણ જિલ્લાના ચાણસ્મા તાલુકાના મીઠાઘરવા સ્થિત ઉમિયા એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત ઉમિયા કોલેજ ઓફ એજ્યુકેશનના બી.એડ. અભ્યાસક્રમનું જોડાણ પરત ખેંચવામાં આવ્યું છે.

મહેસાણા જિલ્લામાં જોટાણા તાલુકાની સંસ્કાર બી.એડ. કોલેજ, કડી તાલુકાના કલ્યાણપુરા સ્થિત એલ. એન. પટેલ ગ્રુપ સંચાલિત બી.એડ., એમ.એડ., બી.બી.એ. અને બી.સી.એ. કોલેજો, શ્રી હરિ એમ.એસસી. અને ડી.એચ.એસ.આઈ. કોલેજ, વિસનગર તાલુકાના વાલમ ખાતે જીવન જ્યોત એજ્યુકેશન સંચાલિત બી.એડ., એમ.એસ.ડબલ્યુ., એમ.એસસી. અને ડી.એચ.એસ.આઈ. કોલેજ તેમજ વિજાપુર તાલુકાના લાડોલ ખાતે ગુરુકૃપા એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત બી.એડ., એમ.એસસી., બી.વોક., એમ.એસ.ડબલ્યુ. અને ડી.એચ.એસ.આઈ. અભ્યાસક્રમો પણ આ નિર્ણયથી પ્રભાવિત થયા છે.

યુનિવર્સિટીએ સ્પષ્ટ કર્યું છે કે વાલમ સ્થિત બી.એડ. કોલેજ અંગેનો નિર્ણય ગુજરાત હાઈકોર્ટમાં ચાલી રહેલી અરજીના અંતિમ ચુકાદાને આધીન રહેશે.

ઉચ્ચ કક્ષાની સમિતિના અહેવાલ બાદ કાર્યવાહી

યુનિવર્સિટી પ્રશાસનના જણાવ્યા મુજબ, સંબંધિત કોલેજોમાં થયેલી અનિયમિતતાઓની તપાસ માટે ઉચ્ચ કક્ષાની સમિતિની રચના કરવામાં આવી હતી. સમિતિના અહેવાલના આધારે યુનિવર્સિટી એક્ટ, સ્ટેચ્યુટ અને ઓર્ડિનન્સ મુજબની સંપૂર્ણ કાનૂની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી.

આ નિર્ણય પહેલાં બોર્ડ ઓફ મેનેજમેન્ટ, એકેડેમિક કાઉન્સિલ અને એક્ઝિક્યુટિવ કાઉન્સિલની મંજૂરી લેવામાં આવી હતી. ઉપરાંત, સંબંધિત સંસ્થાઓને પોતાનો પક્ષ રજૂ કરવાની પૂરતી તક પણ આપવામાં આવી હતી. તમામ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ અંતિમ નિર્ણય જાહેર કરવામાં આવ્યો હોવાનું યુનિવર્સિટીએ જણાવ્યું છે.

આ પણ વાંચો: ગોધરા બાદ હવે સાબરકાંઠામાં ખતરનાક વાયરસની દહેશત : 6 વર્ષના બાળકના મોતથી આરોગ્ય તંત્ર એલર્ટ

હાલના વિદ્યાર્થીઓના અભ્યાસ પર નહીં પડે અસર

હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ કે.સી. પોરિયાએ જણાવ્યું કે કેટલાક કાઉન્સિલ નિયંત્રિત અભ્યાસક્રમોની બેઠકો અન્ય સંસ્થાઓમાં સ્થળાંતર કરવી શક્ય ન હોવાથી આવા કોર્સને આગામી શૈક્ષણિક વર્ષથી તબક્કાવાર બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

તેમણે વધુમાં જણાવ્યું કે હાલમાં જે વિદ્યાર્થીઓ આ કોલેજોમાં અભ્યાસ કરી રહ્યા છે તેમના હિતોનું સંપૂર્ણ રક્ષણ કરવામાં આવશે. યુનિવર્સિટીના નિયમો મુજબ આવા વિદ્યાર્થીઓને નજીકની અન્ય સંલગ્ન કોલેજોમાં વિશેષ અથવા વધારાની બેઠકો પર પ્રવેશ ફાળવવામાં આવ્યો છે, જેથી તેમના અભ્યાસમાં કોઈ વિક્ષેપ ન આવે.

યુનિવર્સિટીએ નવી ફાળવવામાં આવેલી કોલેજો અને બેઠકોની વિગતો પોતાની સત્તાવાર વેબસાઇટ પર જાહેર કરી છે. ઉપરાંત આ અંગેનું જાહેરનામું ઉચ્ચ શિક્ષણ વિભાગ તથા સંબંધિત તમામ સંસ્થાઓને મોકલી આપવામાં આવ્યું છે અને અસરગ્રસ્ત વિદ્યાર્થીઓને તાત્કાલિક નવી ફાળવાયેલી કોલેજોમાં અભ્યાસ ચાલુ રાખવા સૂચના આપવામાં આવી છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now