Home Gujarat Ahmedabad Changodar Plasma Case Ajit Solanki Arrest Ahmedabad Rural Sog

ચાંગોદર પ્લાઝમા કૌભાંડમાં વધુ એક આરોપીની ધરપકડ : ભેળસેળયુક્ત 1,140 યુનિટ પ્લાઝમાનો નાશ

નકલી પ્લાઝમા કેસમાં ઝડપાયેલ આરોપી
Published by: Chintan Chavda
Last Updated: Jul 09, 2026, 09:03 AM IST

અમદાવાદ ગ્રામ્ય સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG)એ ચાંગોદર વિસ્તારમાં સામે આવેલા કથિત બ્લડ પ્લાઝમા કૌભાંડમાં વધુ એક મહત્વપૂર્ણ આરોપીની ધરપકડ કરી છે. પોલીસે જાહેર કરેલી પ્રેસનોટ મુજબ, આ કેસમાં અજીતભાઈ મીઠાભાઈ સોલંકી (ઉંમર 33), રહે. દેવ્યાની સોસાયટી, બાવળા (મૂળ વતન કાદીપુર, તા. ધોળકા)ની ધરપકડ કરવામાં આવી છે. આરોપી પાસેથી પ્લાઝમા પરિવહન માટે ઉપયોગમાં લેવાતું એક પિકઅપ વાહન પણ કબજે લેવામાં આવ્યું છે.

પોલીસના જણાવ્યા અનુસાર, આ સમગ્ર કથિત કૌભાંડનો મુખ્ય આરોપી દિનેશ ચૌધરી હોવાનું તપાસમાં સામે આવ્યું છે. તપાસ મુજબ દિનેશ ચૌધરીએ ફરિયાદી કંપનીમાં ડ્રાઇવર તરીકે કામ કરતા જીતેન્દ્ર સોલંકી અને રફીક ખલીફા સાથે સંપર્ક સાધી અલગ-અલગ બ્લડ બેંકોમાંથી સારા પ્લાઝમાની જગ્યાએ કથિત રીતે ખરાબ અથવા ભેળસેળયુક્ત પ્લાઝમા બદલવાની ગેરરીતિ આચરી હતી.

અન્ય રાજ્યો સુધી પ્લાઝમા સપ્લાય કર્યાનો આરોપ

પ્રેસનોટ મુજબ, તપાસ દરમિયાન સામે આવ્યું છે કે મુખ્ય આરોપી દિનેશ ચૌધરીએ મહારાષ્ટ્રની એક બ્લડ બેંકના સંચાલક પાસેથી કથિત રીતે ખરાબ પ્લાઝમા મેળવ્યું હતું. ત્યારબાદ અન્ય બે આરોપીઓની બ્લડ બેંક મારફતે આ પ્લાઝમા અન્ય એક ફાર્મા કંપની સુધી પહોંચાડવામાં આવ્યું હોવાનો પોલીસનો દાવો છે.

પોલીસના જણાવ્યા પ્રમાણે, માર્ચ અને એપ્રિલ મહિનામાં અજીત સોલંકીએ દિનેશ ચૌધરી પાસેથી કુલ 12 બોક્સ પ્લાઝમા લઈને રાજસ્થાન, છત્તીસગઢ અને મધ્યપ્રદેશમાં આવેલી ફાર્મા કંપનીઓ સુધી પહોંચાડ્યા હોવાનો આરોપ છે. આ મામલે તેની ધરપકડ કરવામાં આવી છે. પોલીસના જણાવ્યા મુજબ અજીત અગાઉ આરોપી જીતેન્દ્ર સોલંકી મારફતે મુખ્ય આરોપીના સંપર્કમાં આવ્યો હતો.

આ પણ વાંચો: રાજકોટના નાના મૌવા વિસ્તારમાં ફાયરિંગ બાદ યુવકની હત્યા : એક ગંભીર રીતે ઘાયલ; ચાર રાઉન્ડ ફાયરિંગથી ચકચાર

પિકઅપ વાહન કબજે, ભેળસેળયુક્ત પ્લાઝમાનો નાશ

અમદાવાદ ગ્રામ્ય SOGએ આરોપી અજીત સોલંકી પાસેથી અંદાજે ₹2.50 લાખ કિંમતનું પિકઅપ વાહન (GJ-38-TA-5505) કબજે કર્યું છે. પોલીસનું કહેવું છે કે આ વાહનનો ઉપયોગ પ્લાઝમાના પરિવહન માટે કરવામાં આવતો હતો.

પ્રેસનોટમાં વધુમાં જણાવાયું છે કે અગાઉ મુખ્ય આરોપી દિનેશ ચૌધરીના ઘરેથી કબજે કરાયેલા 1,140 યુનિટ બ્લડ પ્લાઝમા અંગે બી.જે. મેડિકલ કોલેજના પેથોલોજી વિભાગનો અહેવાલ મળ્યો હતો, જેમાં તે પ્લાઝમા ખરાબ તથા ભેળસેળયુક્ત હોવાનું જણાવાયું છે. ત્યારબાદ સાણંદ કોર્ટની મંજૂરી મળ્યા બાદ પોલીસ, ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ, બી.જે. મેડિકલ કોલેજના અધિકારીઓ તથા અધિકૃત બાયોમેડિકલ વેસ્ટ મેનેજમેન્ટ એજન્સીની હાજરીમાં સમગ્ર મુદ્દામાલનો કાયદેસર નાશ કરવામાં આવ્યો હતો.

પોલીસે જણાવ્યું છે કે કેસમાં વધુ તપાસ ચાલુ છે અને કથિત કૌભાંડમાં સંડોવાયેલા અન્ય વ્યક્તિઓની ભૂમિકા અંગે પણ તપાસ કરવામાં આવી રહી છે. નોંધનીય છે કે પ્રેસનોટમાં દર્શાવાયેલા તમામ આરોપો પોલીસ તપાસના આધારે છે અને કેસ અંગેનો અંતિમ નિર્ણય અદાલતી કાર્યવાહી બાદ જ થશે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now