Home Gujarat Surat Surat Flood Review Rs 500 Crore Khadi Redevelopment Package

સુરત પૂર બાદ સરકારનું મોટું એક્શન : ખાડી રિ-ડેવલપમેન્ટ માટે ₹500 કરોડનું પેકેજ, પૂર માટે જવાબદાર અધિકારી-કોન્ટ્રાક્ટરો સામે લેવાશે પગલાં

cm ભૂપેન્દ્ર પટેલની બેઠકના દ્રશ્યો
Play Video
Published by: Chintan Chavda
Last Updated: Jul 09, 2026, 10:31 AM IST

સુરત શહેરમાં તાજેતરમાં પડેલા અતિભારે વરસાદ અને તેના પરિણામે સર્જાયેલી પૂર જેવી પરિસ્થિતિ બાદ રાજ્ય સરકારે મોટા નિર્ણયો લીધા છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પ્રથમ શહેરની સ્થિતિનો જાતે તાગ મેળવ્યો, ત્યારબાદ સુરત મહાનગરપાલિકાના ઇન્ટિગ્રેટેડ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર (ICCC) ખાતે ઉચ્ચસ્તરીય સમીક્ષા બેઠક યોજી હતી. બેઠક બાદ રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું કે સુરતમાં ભવિષ્યમાં ખાડીના કારણે ફરીથી પૂર જેવી સ્થિતિ સર્જાય નહીં તે માટે રાજ્ય સરકારે ખાડીના રિ-ડેવલપમેન્ટ સહિતના કામો માટે ₹500 કરોડનું વિશેષ પેકેજ મંજૂર કર્યું છે.

મુખ્યમંત્રી સાથે કેન્દ્રીય જળ શક્તિ મંત્રી સી.આર. પાટીલ, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી, મંત્રી કનુભાઈ દેસાઈ સહિત વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. બેઠક પહેલાં મુખ્યમંત્રીએ પાલિકાના કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટરમાંથી શહેરભરના અંદાજે 4 હજાર CCTV કેમેરા મારફતે પૂરગ્રસ્ત વિસ્તારોની સ્થિતિનું નિરીક્ષણ કર્યું હતું. ત્યારબાદ પાલિકાના અધિકારીઓ અને લોકપ્રતિનિધિઓ સાથે વિસ્તૃત સમીક્ષા બેઠક યોજાઈ હતી.

ખાડીના વિકાસ માટે ₹500 કરોડની જાહેરાત

સમીક્ષા બેઠક બાદ હર્ષ સંઘવીએ જણાવ્યું કે મુખ્યમંત્રીએ સુરતની ખાડીઓના રિ-ડેવલપમેન્ટ, ઊંડાણ વધારવાની કામગીરી તથા આસપાસના ગેરકાયદેસર દબાણો દૂર કરવા માટે ₹500 કરોડની વિશેષ ફાળવણી કરવાની જાહેરાત કરી છે. તેમણે કહ્યું કે માત્ર તાત્કાલિક રાહત પૂરતી નહીં, પરંતુ લાંબા ગાળાનો કાયમી ઉકેલ લાવવાના હેતુથી આ નિર્ણય લેવામાં આવ્યો છે.

તેમણે સ્પષ્ટ જણાવ્યું કે ભવિષ્યમાં ભારે વરસાદ દરમિયાન સુરતમાં ફરીથી ખાડી પૂર જેવી સ્થિતિ ન સર્જાય તે માટે મહાનગરપાલિકાને વૈજ્ઞાનિક અભિગમ સાથે સંપૂર્ણ 'ફૂલપ્રૂફ પ્લાન' તૈયાર કરવાની કડક સૂચના આપવામાં આવી છે. જો ભવિષ્યમાં આયોજનમાં કોઈ ખામી અથવા બેદરકારી સામે આવશે તો જવાબદાર અધિકારીઓ સામે કડક વહીવટી કાર્યવાહી ઉપરાંત જરૂરી જણાય તો ફોજદારી કાર્યવાહી પણ કરવામાં આવશે.

આ પણ વાંચો: અમદાવાદના શાહીબાગ પોલીસ હેડક્વાર્ટરની મોકડ્રિલ બની ચર્ચાનો વિષય : ટીયર ગેસનો ધુમાડો ફેલાતા વાહનચાલકોની આંખોમાં બળતરા

માર્ગો, વિકાસકાર્યો અને બેદરકારીની થશે તપાસ

નાયબ મુખ્યમંત્રીએ જણાવ્યું કે શહેરમાં જ્યાં પણ નવા રસ્તા અથવા અન્ય વિકાસકાર્યોમાં ખામી સામે આવશે તેની તકનિકી તપાસ કરવામાં આવશે. જો કોઈ કામમાં ગુણવત્તાનો અભાવ, બેદરકારી અથવા નિયમોનું ઉલ્લંઘન થયું હોવાનું સામે આવશે તો સંબંધિત અધિકારીઓ અને જવાબદાર એજન્સીઓ સામે કડક પગલાં ભરવામાં આવશે. તેમણે ભારપૂર્વક જણાવ્યું કે કુદરતી આફતના નામે બેદરકારીને સ્વીકારવામાં આવશે નહીં અને દરેક વિભાગની કામગીરીની જવાબદારી નક્કી કરવામાં આવશે.

નુકસાનનો સર્વે, કેશ ડોલ અને સહાય અંગે સરકારનો નિર્ણય

હર્ષ સંઘવીએ જણાવ્યું કે પૂરગ્રસ્ત પરિવારો સુધી સહાય ઝડપથી પહોંચે તે માટે માત્ર જિલ્લા વહીવટીતંત્ર નહીં પરંતુ રાજ્યના તમામ વિભાગોને સંકલન સાથે કામગીરી કરવાની સૂચના આપવામાં આવી છે. ઘરો અને દુકાનોમાં થયેલા નુકસાનનો સર્વે તાત્કાલિક પૂર્ણ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. તેમણે જણાવ્યું કે અસરગ્રસ્ત લોકોને કેશ ડોલ અને ઘરવખરી સહિતની સહાય શક્ય તેટલી ઝડપથી પહોંચાડવામાં આવશે. સર્વે પૂર્ણ થયા બાદ મુખ્યમંત્રી રાજ્યકક્ષાની બેઠક બોલાવી નુકસાનગ્રસ્તોને રાજ્ય સરકાર તરફથી કેવી સહાય આપવામાં આવશે તેની સત્તાવાર જાહેરાત આગામી દિવસોમાં કરવામાં આવશે.

આ પણ વાંચો: સુરતમાં બે દિવસના વરસાદે પોદાર માર્કેટને આપ્યો કરોડોનો ફટકો : 200થી વધુ દુકાનોમાં કરોડોનું નુકસાન

સફાઈ અભિયાનને પ્રાથમિકતા

પૂરનું પાણી ઓસર્યા બાદ સમગ્ર શહેરમાં સફાઈ કામગીરીને યુદ્ધના ધોરણે હાથ ધરવામાં આવી છે. મુખ્યમંત્રીએ તમામ વિસ્તારોમાં સાંજ સુધી સફાઈનો પ્રથમ તબક્કો પૂર્ણ કરવાની સૂચના આપી છે. નાયબ મુખ્યમંત્રીએ સફાઈ કર્મચારીઓના કાર્યની પ્રશંસા કરતાં જણાવ્યું કે તેઓ દિવસ-રાત સતત કામગીરી કરી રહ્યા છે. તેમણે સુરતના નાગરિકોનો પણ આભાર વ્યક્ત કરતાં કહ્યું કે જ્યાં સરકારી તંત્ર તાત્કાલિક પહોંચી શક્યું નહોતું ત્યાં સુરતીઓએ એકબીજાની મદદ કરીને માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે.

દક્ષિણ ગુજરાતમાં સૌથી વધુ વરસાદ, સમીક્ષા હજુ ચાલુ

હર્ષ સંઘવીએ જણાવ્યું કે 7 જુલાઈએ દક્ષિણ ગુજરાતમાં સિઝનનો સૌથી વધુ વરસાદ નોંધાયો હતો. ઉપરવાસમાં ભારે વરસાદને કારણે સુરતમાં પાણી ભરાવાની ગંભીર સ્થિતિ સર્જાઈ હતી, જેના કારણે અનેક ઘરો, દુકાનો અને વિસ્તારો અસરગ્રસ્ત બન્યા હતા. તેમણે જણાવ્યું કે સમગ્ર ઘટનાની સમીક્ષા હજુ ચાલુ છે અને તેઓ મોડી રાત સુધી સુરતમાં રહી તમામ કામગીરી પર નજર રાખશે. તપાસ પૂર્ણ થયા બાદ સરકાર દ્વારા વધુ વિગતવાર માહિતી જાહેર કરવામાં આવશે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now