સુરત: સુરતમાં ભારે વરસાદ અને ખાડીઓ ઓવરફ્લો થતાં સર્જાયેલી પૂર જેવી સ્થિતિનો ત્રીજો દિવસ હોવા છતાં અનેક વિસ્તારોમાં લોકોની મુશ્કેલીઓ યથાવત છે. શહેરના મોટા ભાગના વિસ્તારોમાંથી પાણી ધીમે-ધીમે ઓસરવા લાગ્યું છે, પરંતુ પર્વતગામ, લિંબાયત અને આસપાસના નીચાણવાળા વિસ્તારોમાં હજુ પણ બે થી ત્રણ ફૂટ જેટલું પાણી ભરાયેલું હોવાથી રહેવાસીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.
ભારે વરસાદના કારણે ખાડીકાંઠાના વિસ્તારોમાં પાણી ઘૂસી જતાં ઘરો, દુકાનો અને ઘરવખરીને નુકસાન થયું છે. કાદવ, ગંદકી, વીજ પુરવઠાની અનિશ્ચિતતા અને પીવાનું પાણી-આરોગ્ય જેવી તાત્કાલિક જરૂરિયાતો હવે સૌથી મોટો પડકાર બની છે. સુરતમાં 24 કલાકમાં 358 મિમી વરસાદ નોંધાતા અનેક વિસ્તારોમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ હતી અને હજારો લોકોને બચાવ કામગીરી હેઠળ સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા હતા.
રાહત કામગીરી અને નુકસાન મૂલ્યાંકન તેજ
પરિસ્થિતિની ગંભીરતા ધ્યાનમાં રાખીને કેન્દ્રીય જળ શક્તિ મંત્રી સી.આર. પાટીલે અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લઈ સ્થાનિક લોકો સાથે વાતચીત કરી હતી. તેમણે અધિકારીઓને નુકસાનનું ઝડપી મૂલ્યાંકન કરવા, અસરગ્રસ્ત પરિવારો સુધી સરકારી સહાય અને કેશડોલ્સ સમયસર પહોંચે તેની ખાતરી કરવા સૂચના આપી હતી.
આ પણ વાંચો : સુરતમાં ભારે વરસાદ બાદ અસરગ્રસ્ત વિસ્તારોમાં પહોંચ્યા MLA મનુ ફોગવા : અધિકારીઓને આપ્યા કડક નિર્દેશ
પાણી ઉતરી ગયેલા વિસ્તારોમાં સુરત મહાનગરપાલિકા અને સ્થાનિક તંત્ર દ્વારા સફાઈ, કાદવ દૂર કરવાની કામગીરી, જંતુનાશક દવાઓ અને બ્લીચિંગ પાવડરનો છંટકાવ શરૂ કરવામાં આવ્યો છે. પૂર પછી ચેપજન્ય રોગચાળો ન ફેલાય તે માટે આરોગ્ય વિભાગને પણ સતર્ક રાખવામાં આવ્યો છે.
ખાડી વ્યવસ્થાપન ફરી ચર્ચામાં
આ ઘટનાએ સુરતની ડ્રેનેજ વ્યવસ્થા અને ખાડી વ્યવસ્થાપન અંગે ફરી ગંભીર પ્રશ્નો ઊભા કર્યા છે. મીઠી ખાડી સહિત શહેરની ખાડીઓમાં પાણીના વહેણ, દબાણો અને કુદરતી નિકાલ માર્ગો અંગે લાંબા ગાળાનું આયોજન જરૂરી હોવાનું નિષ્ણાતો માને છે. અગાઉ સુરતમાં વારંવાર થતા ખાડી પૂરનો અભ્યાસ કરવા સેન્ટ્રલ વોટર કમિશનની ટીમે પણ વિસ્તારનો સર્વે કર્યો હતો, જેમાં વરસાદની બદલાતી પેટર્ન, ખાડીના પ્રવાહ અને દબાણો જેવા મુદ્દાઓ પર ધ્યાન કેન્દ્રિત કરાયું હતું.
હાલ તંત્ર માટે તાત્કાલિક પ્રાથમિકતા પાણી ઓસરાવવી, ગંદકી દૂર કરવી, આરોગ્ય જોખમો અટકાવવું અને અસરગ્રસ્ત પરિવારોને સહાય પહોંચાડવાની છે. પરંતુ લાંબા ગાળે સુરત માટે મજબૂત વરસાદી પાણી નિકાલ, ખાડી સફાઈ, દબાણો દૂર કરવાની કાર્યવાહી અને આધુનિક વોટર મેનેજમેન્ટ યોજના અનિવાર્ય બની છે.





