Home Gujarat Gujarat Data Center Policy Ai Investment 6 Lakh Crore

'નવી પોલિસીથી ગુજરાત બનશે AI અને ડેટા સેન્ટર ક્ષેત્રે ગ્લોબલ લીડર' : વિકસિત ગુજરાત ડેટા સેન્ટર પોલિસી અંગે બોલ્યા અર્જુન મોઢવાડિયા

અર્જુન મોઢવાડિયા
Published by: Chintan Chavda
Last Updated: Jul 09, 2026, 10:19 AM IST

ગુજરાત સરકારે રાજ્યને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) અને ડેટા સેન્ટર ક્ષેત્રે વૈશ્વિક સ્તરે અગ્રણી બનાવવાના હેતુથી "વિકસિત ગુજરાત ડેટા સેન્ટર પોલિસી" અમલમાં મૂકી છે. વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી મંત્રી અર્જુન મોઢવાડિયાએ જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાતને કુલ 10 ગીગાવોટ ક્ષમતાના ડેટા સેન્ટર માટેના પ્રસ્તાવો પ્રાપ્ત થયા છે. રાજ્ય સરકાર આગામી વર્ષોમાં તેમાંથી અંદાજે 8 ગીગાવોટ ક્ષમતાના ડેટા સેન્ટર વિકસાવવાનું આયોજન કરી રહી છે.

મંત્રીએ જણાવ્યું કે આ પહેલ માત્ર ડેટા સ્ટોરેજ સુધી મર્યાદિત નથી, પરંતુ સમગ્ર દેશ અને વૈશ્વિક બજારને ધ્યાનમાં રાખીને સંપૂર્ણ AI ઇકોસિસ્ટમ ઊભું કરવાનો રાજ્ય સરકારનો વ્યૂહાત્મક પ્રયાસ છે. તેમના જણાવ્યા અનુસાર, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને ક્વોન્ટમ કમ્પ્યુટિંગ આગામી અર્થવ્યવસ્થાના મુખ્ય આધારસ્તંભ બનવાના છે અને ગુજરાતે આ ક્ષેત્રમાં શરૂઆતથી જ અગ્રેસર બનવાનો નિર્ણય લીધો છે.

ભારતમાં હજુ લાંબી સફર, ગુજરાતે લીધો 'પ્રાઇમ મૂવર' બનવાનો નિર્ણય

અર્જુન મોઢવાડિયાએ વૈશ્વિક પરિસ્થિતિનો ઉલ્લેખ કરતાં જણાવ્યું કે હાલમાં અમેરિકામાં અંદાજે 5,500 અને યુનાઇટેડ કિંગડમમાં 500થી વધુ ડેટા સેન્ટર્સ કાર્યરત છે, જ્યારે ભારતમાં તેની સંખ્યા અંદાજે 200 જેટલી છે. ક્ષમતાની દૃષ્ટિએ પણ અમેરિકા આશરે 30 ગીગાવોટ સુધી પહોંચ્યું છે, જ્યારે ભારતની વર્તમાન ક્ષમતા અંદાજે 2થી 3 ગીગાવોટ છે. આગામી પ્રોજેક્ટ્સ પૂર્ણ થયા બાદ પણ દેશની કુલ ક્ષમતા અંદાજે 5 ગીગાવોટ સુધી પહોંચે તેવી સ્થિતિ છે.

તેમણે જણાવ્યું કે આવા સમયમાં ગુજરાત દ્વારા નવી ડેટા સેન્ટર પોલિસી અમલમાં મૂકવી રાજ્યને દેશના ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિકાસમાં મહત્વપૂર્ણ સ્થાન અપાવશે. આગામી દસ વર્ષમાં ગુજરાત AI આધારિત ઉદ્યોગો અને ટેક્નોલોજી ઇકોસિસ્ટમનું મુખ્ય કેન્દ્ર બની શકે છે. તેમણે દેશ-વિદેશના રોકાણકારોને રાજ્યમાં રોકાણ કરવા આમંત્રણ પણ આપ્યું હતું.

આ પણ વાંચો: સુરત પૂર બાદ સરકારનું મોટું એક્શન : ખાડી રિ-ડેવલપમેન્ટ માટે ₹500 કરોડનું પેકેજ, પૂર માટે જવાબદાર અધિકારી-કોન્ટ્રાક્ટરો સામે લેવાશે પગલાં

₹6 લાખ કરોડના રોકાણ અને રોજગારીની અપેક્ષા

ગુજરાતના મુખ્ય સચિવ મનોજકુમાર દાસે આ નવી પોલિસીને ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ક્ષેત્ર માટે ગેમ-ચેન્જર ગણાવી હતી. તેમણે જણાવ્યું કે AI, મશીન લર્નિંગ અને ડિજિટલ અર્થવ્યવસ્થાના યુગમાં મજબૂત ડેટા સેન્ટર નેટવર્કની જરૂરિયાતને ધ્યાનમાં રાખીને આ નીતિ ઘડવામાં આવી છે. તેમણે વધુમાં જણાવ્યું કે ડેટા સેન્ટર માટે જરૂરી વીજળી અને પાણી જેવી સુવિધાઓ પૂરી પાડવા માટે ગુજરાત સક્ષમ છે. રાજ્ય પાસે લાંબો દરિયાકાંઠો, સૌર ઊર્જા અને પવન ઊર્જા જેવા રિન્યુએબલ એનર્જીના સમૃદ્ધ સ્ત્રોત ઉપલબ્ધ હોવાથી મોટા પાયે ડેટા સેન્ટર ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિકસાવવા અનુકૂળ વાતાવરણ છે.

મુખ્ય સચિવના જણાવ્યા અનુસાર, નવી પોલિસીના અમલથી ગુજરાતમાં અંદાજે ₹6 લાખ કરોડનું રોકાણ આકર્ષાવાની અને મોટા પ્રમાણમાં રોજગારીની તકો ઊભી થવાની સંભાવના છે. આ વિકાસ રાજ્યને ઉચ્ચ આવક આધારિત અર્થતંત્ર તરફ આગળ વધારવામાં પણ મદદરૂપ બનશે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now