અમરેલી જિલ્લાના લીલીયા તાલુકામાં ગેરકાયદેસર સિંહદર્શન માટે ગયેલા યુવકો પર સિંહના હુમલાની દુઃખદ ઘટનામાં 21 વર્ષીય સોહિલ મેમણનું મોત નીપજ્યું છે. ઘટના 8 જુલાઈના રોજ અંટાળીયા રેવન્યુ વિસ્તાર અને લુવારિયા રિઝર્વ ફોરેસ્ટની સરહદ નજીક બની હતી. ઘટનાની જાણ થતાં જ શેત્રુંજી ડિવિઝનના ઉપ વન સંરક્ષક (DCF) ચિરાગ અમીન સહિત વન વિભાગની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને સમગ્ર મામલે તપાસ શરૂ કરી છે.
વન વિભાગના જણાવ્યા અનુસાર, પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે ઘટના સમયે સિંહ અને સિંહણ મેટિંગ પિરિયડમાં હતા. આ દરમિયાન ત્યાં પહોંચેલા કેટલાક યુવકો દ્વારા સિંહોને હેરાન કરવામાં આવ્યા હોય અથવા તેમની પજવણી કરવામાં આવી હોય તેવી આશંકા વ્યક્ત કરવામાં આવી છે. જોકે, આ અંગેની ચોક્કસ હકીકત તપાસ પૂર્ણ થયા બાદ જ સ્પષ્ટ થશે.
આ પણ વાંચો: મેટિંગ દરમ્યાન કોઈ છંછેડે તો શું હાલ કરે સિંહ? સૌથી ખતરનાક Video : જાણો 30 મિનિટ સકંજામાં રહ્યા છતાં કેમ બચી ગયા કાળુભાઈ અને સોહિલને કેમ 5 મિનિટમાં જ પતાવી દીધો
હુમલો કરનાર નર સિંહને ટ્રાંક્વિલાઇઝ કરી પાંજરે પૂરાયો
DCF ચિરાગ અમીને જણાવ્યું હતું કે ઘટના સાંજના અંદાજે સાડા સાતથી આઠ વાગ્યાની વચ્ચે બની હતી. મૃતક સોહિલ મેમણ અમરેલી જિલ્લાના રહેવાસી હતા. ઘટના બાદ વન વિભાગે તાત્કાલિક કાર્યવાહી કરીને હુમલામાં સંડોવાયેલા હોવાનું માનવામાં આવતા અંદાજે 9થી 12 વર્ષની ઉંમરના એક નર સિંહને ટ્રાંક્વિલાઇઝ કરીને પાંજરે પૂર્યો છે. વન વિભાગ દ્વારા સમગ્ર ઘટનાની તપાસ ચાલી રહી છે અને સિંહના વર્તન તેમજ ઘટનાના સંજોગો અંગે નિષ્ણાતોની મદદથી વધુ વિગતો એકત્ર કરવામાં આવી રહી છે.
પરિમલ નથવાણીની લોકોને અપીલ
રાજ્યસભાના સાંસદ પરિમલ નથવાણીએ સોશિયલ મીડિયા પર આ ઘટનાને દુઃખદ ગણાવી હતી. તેમણે જણાવ્યું કે ચોમાસાનો સમય સિંહોના મેટિંગ અને આરામનો સમય હોય છે. આ કારણસર જંગલના કેટલાક વિસ્તારોમાં પ્રવેશ અને સફારી પર નિયંત્રણ અથવા પ્રતિબંધ રાખવામાં આવે છે.
તેમણે લોકોને અપીલ કરતાં જણાવ્યું કે ગેરકાયદેસર સિંહદર્શનનો પ્રયાસ કરવો અત્યંત જોખમી સાબિત થઈ શકે છે. વર્ષોથી ગીર અને આસપાસના વિસ્તારોમાં સિંહ અને માનવ વચ્ચેનું સહઅસ્તિત્વ જળવાયું છે અને તેને જાળવી રાખવું સૌની સામૂહિક જવાબદારી છે. તેમણે સિંહોને કનડગત થાય તેવી કોઈપણ પ્રવૃત્તિથી દૂર રહેવાની અપીલ કરી હતી.
આ પણ વાંચો: અમરેલીમાં યુવક પર જીવલેણ હુમલા બાદ સામે આવ્યો સિંહનો ભયાનક Video : તમે ક્યારેય નહીં જોયા હોય વનરાજના આવા દ્રશ્યો!
ગેરકાયદેસર સિંહદર્શન સામે વન વિભાગની ચેતવણી
વન વિભાગ વારંવાર લોકોને જંગલ વિસ્તારમાં ગેરકાયદેસર રીતે પ્રવેશ ન કરવા અને વન્યજીવોને હેરાન ન કરવાની અપીલ કરતું આવ્યું છે. નિષ્ણાતોના જણાવ્યા મુજબ મેટિંગ અથવા બચ્ચાં સાથેના સમયગાળા દરમિયાન સિંહો વધુ સંવેદનશીલ અને આક્રમક બની શકે છે. આવા સમયે સુરક્ષા નિયમોનું પાલન ન કરવાથી માનવજીવન જોખમમાં મુકાઈ શકે છે. વન વિભાગે ફરી એકવાર લોકોને માત્ર અધિકૃત સફારી અને મંજૂર વિસ્તારોમાં જ વન્યજીવોનું નિરીક્ષણ કરવાની અપીલ કરી છે.






