Vadodara News: સંસ્કારી નગરી વડોદરામાં કથિત ‘લવ જેહાદ’ અને અપહરણની એક અત્યંત ચોંકાવનારી અને હૃદયકંપાવનારી ઘટના સામે આવી છે. રાજસ્થાનની એક સગીર વયની દીકરીનું વડોદરાથી અપહરણ કરી, તેને ગોંધી રાખીને તેની પર અનેકવાર દુષ્કર્મ આચરવામાં આવ્યું હોવાની ફરિયાદ પોલીસ ચોપડે નોંધાતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે. આ મામલે પીડિતાની માતાએ વડોદરાના અકોટા પોલીસ સ્ટેશનમાં વિધર્મી યુવાન અને તેની માતા વિરૂદ્ધ ગંભીર કલમો હેઠળ ગુનો નોંધાવ્યો છે.
સગીરાને ગોંધી રાખી આચર્યું દુષ્કર્મ, ઘરેણાં અને મોબાઈલ પણ વેચી માર્યા
પોલીસ ફરિયાદમાં સામે આવેલી વિગતો અનુસાર, અજમેરના રહેવાસી વિધર્મી યુવાન સલીમ ઉર્ફે સૈયદ સૈલાબ નામના શખ્સે વડોદરામાં રહેતી રાજસ્થાનની સગીરાને પ્રેમજાળમાં ફસાવી તેનું અપહરણ કર્યું હતું. અપહરણ કર્યા બાદ આરોપી તેને અજ્ઞાત સ્થળે લઈ ગયો હતો, જ્યાં તેણે સગીરાની મરજી વિરૂદ્ધ તેની સાથે અનેકવાર શારીરિક સંબંધ બાંધી દુષ્કર્મ આચર્યું હતું. આટલું જ નહીં, નરાધમ સલીમે સગીરાની મજબૂરીનો ફાયદો ઉઠાવી તેના સોના-ચાંદીના ઘરેણાં તેમજ કિંમતી મોબાઈલ ફોન પણ બજારમાં વેચી માર્યા હતા અને તે રૂપિયા પોતાના મોજશોખ પાછળ વાપરી નાખ્યા હતા.
સુરતના પાલ વિસ્તારમાં હોટલમાં ચાલતા દેહવ્યાપારનો પર્દાફાશ : પોલીસે રેડ પાડી દલાલ સહિત મહિલાની ધરપકડ
દીકરીના બદલામાં 1 લાખની ખંડણી માંગી, જાનથી મારવાની ધમકી આપી
આ ગુનાહિત કૃત્ય આટલેથી જ અટક્યું ન હતું. આરોપી સલીમે સગીરાની માતાનો સંપર્ક કરીને ક્રૂરતાની તમામ હદો વટાવી દીધી હતી. તેણે પીડિતાની માતા પાસે એવી માંગણી કરી હતી કે, 'જો તારી દીકરી તારે જીવતી અને પરત જોઈતી હોય, તો એક લાખ રૂપિયાની ખંડણી આપવી પડશે.' દીકરીના અપહરણથી આઘાતમાં સરેલી માતા જ્યારે આરોપીઓ સામે આજીજી કરી રહી હતી, ત્યારે આરોપી સલીમની માતાએ પણ આ ગુનામાં સાથ આપતા પીડિતાની માતાને ફોન પર બિભત્સ ગાળો આપી જાનથી મારી નાખવાની ગંભીર ધમકી આપી હતી.
અકોટા પોલીસ એક્શન મોડમાં: સગીરાને મુક્ત કરાવી, આરોપીને પકડવા ચક્રો ગતિમાન કર્યા
આ સમગ્ર મામલે આખરે કાયદાનો આશરો લેતા સગીરાની માતાએ અકોટા પોલીસ સ્ટેશનમાં સલીમ અને તેની માતા વિરૂદ્ધ અપહરણ, દુષ્કર્મ, પોક્સો એક્ટ અને ખંડણી સહિતની વિવિધ કલમો હેઠળ વિધિવત ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદની ગંભીરતાને જોતાં અકોટા પોલીસ તાત્કાલિક એક્શન મોડમાં આવી ગઈ હતી. પોલીસે ટેકનિકલ સોર્સિસ અને બાતમીદારોની મદદથી સગીરાની ભાળ મેળવી તેને વિધર્મીના ચુંગાલમાંથી હેમખેમ મુક્ત કરાવી લીધી છે અને તેને પરિવારને સોંપવાની તજવીજ હાથ ધરી છે.
બીજી તરફ, પોલીસ કેસ થતાં જ મુખ્ય આરોપી સલીમ ઉર્ફે સૈયદ સૈલાબ ફરાર થઈ ગયો છે. વડોદરા પોલીસે આરોપીને ઝડપી પાડવા માટે અલગ-અલગ ટીમો બનાવી છે અને તેના સંભવિત આશ્રયસ્થાનો પર દરોડા પાડી તેને જેલના સળિયા પાછળ ધકેલવા ચક્રો ગતિમાન કર્યા છે.





