Home Gujarat Vadodara Bright Star Food Company Savli Worker Assault Manjusar Gidc

મંજુસર GIDCમાં વિવાદ : સહકર્મચારીના મોત અંગે અવાજ ઉઠાવતાં કામદાર પર મારપીટનો આક્ષેપ

મંજુસર GIDC
Published by: Chintan Chavda
Last Updated: Jul 09, 2026, 06:17 AM IST

વડોદરા જિલ્લાના સાવલી તાલુકાના મંજુસર GIDC વિસ્તારમાં આવેલી બ્રાઈટ સ્ટાર ફૂડ કંપનીમાં એક કર્મચારી પર મારપીટ થઈ હોવાના આક્ષેપોને લઈને વિવાદ સર્જાયો છે. એક મહિના અગાઉ કંપનીમાં થયેલા કર્મચારીના મૃત્યુના મુદ્દે અવાજ ઉઠાવનાર કર્મચારી પર કંપનીના મેનેજરે હુમલો કર્યો હોવાનો આરોપ લગાવવામાં આવ્યો છે. ઇજાગ્રસ્ત કર્મચારીને ગંભીર ઇજાઓ પહોંચતા તેમને સારવાર માટે વડોદરાની સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે. સમગ્ર ઘટનાને પગલે કંપનીના અન્ય કામદારોમાં પણ રોષનો માહોલ જોવા મળી રહ્યો છે.

પ્રાપ્ત માહિતી મુજબ, કંપનીમાં ફરજ બજાવતા નરેન્દ્રસિંહ ભાટીએ આરોપ લગાવ્યો છે કે આશરે એક મહિના પહેલાં કંપનીમાં કાર્યરત રામનિવાસ (રહે. ખાનપુર, જિલ્લો ઝાલાવાડ, રાજસ્થાન) નામના કર્મચારીની તબિયત અચાનક બગડી હતી. તેમના પરિવારજનો અને કેટલાક સહકર્મચારીઓનો આક્ષેપ છે કે સમયસર યોગ્ય સારવાર ન મળતાં તેમનું મૃત્યુ થયું હતું. જોકે, આ મામલે કંપની તરફથી સત્તાવાર સ્પષ્ટતા જાહેર થઈ નથી અને મૃત્યુનું ચોક્કસ કારણ પણ સત્તાવાર રીતે જાહેર કરવામાં આવ્યું નથી.

મૃત્યુના મુદ્દે પ્રશ્નો ઉઠાવ્યા બાદ વિવાદ વધ્યો

નરેન્દ્રસિંહ ભાટીનું કહેવું છે કે તેમણે સહકર્મચારીના મૃત્યુ અંગે નિષ્પક્ષ તપાસ અને જવાબદારો સામે કાર્યવાહી કરવાની માંગણી કરી હતી. આ મુદ્દે તેમની કંપનીના મેનેજર મનીષ સાથે ઉગ્ર બોલાચાલી થઈ હોવાનું જણાવાયું છે. ત્યારબાદ મેનેજરે તેમની સાથે મારપીટ કરી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.

આ પણ વાંચો: ગુજરાતમાં ચોમાસું જામ્યું: છેલ્લા 10 દિવસમાં 143 મિમી સરેરાશ વરસાદ : અનેક જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદ

મારપીટ દરમિયાન નરેન્દ્રસિંહને ગંભીર ઇજાઓ પહોંચી હોવાનું જણાવવામાં આવ્યું છે. ઘટનાની જાણ થતાં અન્ય કર્મચારીઓ સ્થળ પર દોડી આવ્યા હતા અને ઇજાગ્રસ્તને તાત્કાલિક સારવાર માટે વડોદરાની સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. હોસ્પિટલમાં તેમની સારવાર ચાલી રહી હોવાનું જાણવા મળે છે.

કામદારોમાં આક્રોશ, પારદર્શક તપાસની માંગ

આ ઘટનાના પગલે કંપનીના અન્ય કર્મચારીઓમાં ભારે અસંતોષ જોવા મળ્યો છે. કામદારોનું કહેવું છે કે એક કર્મચારીના મૃત્યુ અંગે પહેલાથી જ અનેક પ્રશ્નો ઉભા થયા હતા અને હવે આ મુદ્દે અવાજ ઉઠાવનાર કર્મચારી સાથે મારપીટ થવાના આક્ષેપો સામે આવતા સમગ્ર ઘટનાની નિષ્પક્ષ અને પારદર્શક તપાસ થવી જોઈએ.

કામદારોનું માનવું છે કે ઔદ્યોગિક એકમોમાં કર્મચારીઓની સલામતી, આરોગ્ય અને અધિકારોને લગતા મુદ્દાઓને ગંભીરતાથી લેવામાં આવવા જોઈએ. તેઓએ જવાબદારો સામે કાયદેસરની કાર્યવાહી કરવાની તેમજ ભવિષ્યમાં આવી ઘટનાઓ ન બને તે માટે યોગ્ય પગલાં ભરવાની માંગ કરી છે.

આ પણ વાંચો: દેશભરમાં વરસાદે મચાવી તબાહી! : પૂર, ભૂસ્ખલન અને અકસ્માતોથી હાહાકાર! IMDએ અનેક રાજ્યો માટે જાહેર કર્યું વરસાદનું રેડ એલર્ટ

પોલીસ ફરિયાદ બાદ તપાસ શરૂ

ઇજાગ્રસ્ત નરેન્દ્રસિંહ ભાટી અને અન્ય કામદારોએ પોલીસ સમક્ષ ફરિયાદ નોંધાવી ન્યાયની માંગ કરી છે. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર ફરિયાદના આધારે બંને પક્ષોની રજૂઆતો લેવામાં આવી રહી છે અને સમગ્ર ઘટનાની કાયદેસરની તપાસ શરૂ કરવામાં આવી છે. તપાસ પૂર્ણ થયા બાદ હકીકતોના આધારે આગળની કાર્યવાહી કરવામાં આવશે.

આ ઘટનામાં કંપનીના મેનેજર સામે મારપીટના આક્ષેપ કરવામાં આવ્યા છે, જ્યારે કંપનીનો સત્તાવાર પક્ષ હજુ સુધી જાહેર થયો નથી. કંપની તરફથી પ્રતિસાદ પ્રાપ્ત થશે તો તેને પણ સમાન મહત્વ સાથે રજૂ કરવામાં આવશે. ઉપરાંત, એક મહિના અગાઉ થયેલા કર્મચારીના મૃત્યુ અંગે પણ તપાસમાં જે હકીકતો સામે આવશે તેના આધારે જ આગળની સ્થિતિ સ્પષ્ટ થઈ શકશે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now