Home Gujarat Chaitar Vasava Gujarat High Court Appeal Forest Officer Assault Case

વનકર્મીઓ પર હુમલાના કેસમાં ચૈતર વસાવાની હાઇકોર્ટમાં અપીલ : 7 વર્ષની સજા સ્થગિત રાખવાની માંગ

ચૈતર વસાવા
Play Video
Image Credit: @DeshGujarat
Published by: Chintan Chavda
Last Updated: Jul 09, 2026, 09:39 AM IST

નર્મદા જિલ્લાના ડેડિયાપાડા વિસ્તારમાં વન વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓ પર હુમલાના કેસમાં સાત વર્ષની સજા પામેલા આમ આદમી પાર્ટી (AAP)ના ધારાસભ્ય ચૈતર વસાવા અને તેમની પત્ની શકુંતલા વસાવાએ ગુજરાત હાઇકોર્ટમાં અપીલ દાખલ કરી છે. અપીલમાં ટ્રાયલ કોર્ટ દ્વારા આપવામાં આવેલા દોષિત ઠેરવવાના ચુકાદા અને સજાને પડકારવામાં આવી છે તેમજ અપીલનો અંતિમ નિર્ણય ન આવે ત્યાં સુધી સાત વર્ષની સજા સ્થગિત રાખવાની માંગ કરવામાં આવી છે.

હાઇકોર્ટમાં થયેલી પ્રાથમિક સુનાવણી દરમિયાન ચૈતર વસાવા તરફથી રજૂઆત કરવામાં આવી હતી કે ટ્રાયલ કોર્ટે પુરાવાઓનું યોગ્ય મૂલ્યાંકન કર્યું નથી અને આપવામાં આવેલો ચુકાદો કાનૂની તથા હકીકતની દૃષ્ટિએ ભૂલભરેલો છે. જોકે સુનાવણી દરમિયાન સમય પૂર્ણ થતાં કેસની વધુ સુનાવણી શુક્રવાર સુધી મુલતવી રાખવામાં આવી છે.

રાજપીપળા સેશન્સ કોર્ટે 9 આરોપીઓને ફટકારી હતી સજા

ઉલ્લેખનીય છે કે ડેડિયાપાડા વિસ્તારમાં વન વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓને ફરજ દરમિયાન અપશબ્દો બોલવા તેમજ તેમની સાથે મારપીટ કરવાના કેસમાં રાજપીપળા સેશન્સ કોર્ટે ચૈતર વસાવા, તેમની પત્ની શકુંતલા વસાવા સહિત કુલ નવ આરોપીઓને સાત વર્ષની કેદની સજા ફટકારી હતી.

આ કેસમાં દોષિત ઠરાવવામાં આવેલા રમેશભાઈ ગીગાભાઈ વસાવા સહિત પાંચ આરોપીઓએ અગાઉ જ ગુજરાત હાઇકોર્ટમાં અપીલ દાખલ કરી હતી. તેમની અપીલ પર પણ કાનૂની પ્રક્રિયા ચાલી રહી છે.

આ પણ વાંચો: હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીની કડક કાર્યવાહી : પાટણ-મહેસાણાની 17 કોલેજો સાથે છેડો ફાડ્યો, નવા પ્રવેશ પર પ્રતિબંધ

શકુંતલા વસાવાને અગાઉ મળી હતી વચગાળાની રાહત

આ જ કેસમાં અગાઉ ગુજરાત હાઇકોર્ટે શકુંતલા વસાવાની અરજી પર સુનાવણી દરમિયાન માનવીય અભિગમ અપનાવ્યો હતો. નવજાત, આશરે 18 દિવસના બાળકની માતા હોવાના સંજોગોને ધ્યાનમાં રાખીને હાઇકોર્ટે તેમને જામીન પર મુક્ત કરવાનો આદેશ આપ્યો હતો અને તેમની સજા પર પણ વચગાળે રોક લગાવી રાહત આપી હતી.

હવે ચૈતર વસાવા દ્વારા પણ સજા સ્થગિત રાખવા અને ટ્રાયલ કોર્ટના ચુકાદાને પડકારતી અપીલ કરવામાં આવતા સમગ્ર મામલે હાઇકોર્ટ શું નિર્ણય આપે છે તેના પર સૌની નજર છે. આગામી સુનાવણી દરમિયાન બંને પક્ષોની દલીલો બાદ હાઇકોર્ટ સજા સ્થગિત રાખવાની અરજી અંગે નિર્ણય લઈ શકે છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now