Vadodara News: સંસ્કારી નગરી વડોદરામાં અંધશ્રદ્ધાનો એક ચોંકાવનારો અને કંપારી છૂટી જાય તેવો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. શહેરમાં તાંત્રિક વિધિના બહાને 17 વર્ષની સગીર વિદ્યાર્થીની પર દુષ્કર્મ ગુજારવામાં આવ્યું હોવાની શરમનાક ઘટના સામે આવી છે. આ મામલે સગીરાની માતાની ફરિયાદના આધારે અકોટા પોલીસે ગણતરીના કલાકોમાં જ પાખંડી તાંત્રિકની ધરપકડ કરી તેને જેલના સળિયા પાછળ ધકેલી દીધો છે.
ગુસ્સો શાંત કરવાની વિધિ ભારે પડી
મળતી માહિતી મુજબ, વડોદરાના અકોટા વિસ્તારમાં રહેતી એક 17 વર્ષની વિદ્યાર્થીનીને નાની-નાની વાતોમાં ખૂબ જ ગુસ્સો આવી જતો હતો. દીકરીનો આ ગુસ્સો શાંત કરવા અને તેના ભવિષ્યના કલ્યાણ માટે ચિંતિત માતા-પિતાએ અંધશ્રદ્ધાનો સહારો લીધો હતો. તેઓ ગોત્રી વિસ્તારમાં આવેલા 'જ્ઞાનસુધા ફ્લેટ'માં રહેતા તાંત્રિક નરેન્દ્ર ભટ્ટના સંપર્કમાં આવ્યા હતા. પાખંડી તાંત્રિકે દીકરી પર કોઈ ખરાબ છાયા હોવાનું કહી વિધિ કરવાનું નાટક રચ્યું હતું.
માતા-પિતાને બહાર રાખી આચર્યું નરાધમ કૃત્ય
તાંત્રિક વિધિના બહાને નરાધમ નરેન્દ્ર ભટ્ટે વિદ્યાર્થીનીના માતા-પિતાને રૂમની બહાર બેસાડી દીધા હતા. રૂમનો દરવાજો બંધ કરી, એકાંતનો લાભ ઉઠાવી આ હવસખોર પાખંડીએ ભોગ બનનાર સગીરા પર એક નહીં પરંતુ બે-બે વાર દુષ્કર્મ આચર્યું હતું. વિધિના નામે થયેલા આ અત્યાચારથી સગીરા અંદરથી ધ્રૂજી ઉઠી હતી.
ભોગ બનનારે હિંમત બતાવી વિડિયો શૂટ કર્યો
આ સમગ્ર મામલામાં પીડિત વિદ્યાર્થીનીએ અદભુત હિંમત અને સૂઝબૂઝનો પરિચય આપ્યો હતો. પાખંડી તાંત્રિકની કરતૂતનો પર્દાફાશ કરવા માટે તેણે પોતાના મોબાઈલ ફોનમાં આ સમગ્ર ઘટનાનો વિડિયો ઉતારી લીધો હતો, જે બાદમાં આ ગુનાનો સૌથી મોટો પુરાવો બન્યો હતો.
માનેલા ભાઈની મદદથી મામલો પોલીસ સ્ટેશને પહોંચ્યો
આ ભયાનક આપવીતીમાંથી બહાર આવ્યા બાદ સગીરાએ પોતાની સાથે થયેલા અન્યાયની વાત તેના એક માનેલા ભાઈને કરી હતી. હકીકત જાણીને ચોંકી ઉઠેલા ભાઈએ સગીરાને હિંમત આપી અને પરિવારને વાકેફ કર્યો. આખરે, દીકરી સાથે થયેલા વિશ્વાસઘાત અને અત્યાચારથી વ્યથિત માતાએ અકોટા પોલીસ સ્ટેશનમાં હવસખોર તાંત્રિક સામે વિધિવત ફરિયાદ નોંધાવી હતી.
આ પણ વાંચો: વડોદરામાં નરાધમે 8 વર્ષની બાળકીને પીંખી નાખી! : 55 વર્ષીય હેવાન પર POCSO હેઠળ ગુનો
પાખંડી તાંત્રિકની ધરપકડ
ઘટનાની ગંભીરતાને ધ્યાને લઈને અકોટા પોલીસે તાત્કાલિક પગલાં ભર્યા હતા. પોલીસે ગોત્રીના જ્ઞાનસુધા ફ્લેટમાં દરોડો પાડી આરોપી તાંત્રિક નરેન્દ્ર ભટ્ટની ધરપકડ કરી લીધી છે. પોલીસે કાયદાકીય કાર્યવાહી પૂર્ણ કરી નરાધમને જેલના હવાલે કરી દીધો છે. આ ઘટનાએ સમાજમાં વ્યાપેલી અંધશ્રદ્ધા સામે ફરી એકવાર લાલબત્તી ધરી દીધી છે.






