Leopard Alert: અમદાવાદ શહેરમાં દીપડાની અવરજવર અંગે મળેલી માહિતી બાદ વન વિભાગ સંપૂર્ણ એલર્ટ મોડમાં આવી ગયું છે. સંભવિત રીતે નદીના કોતર અથવા આસપાસના કુદરતી વિસ્તારોમાંથી દીપડો શહેરી વિસ્તાર તરફ આવી પહોંચ્યો હોવાનું પ્રાથમિક અનુમાન વ્યક્ત કરવામાં આવી રહ્યું છે. ઘટનાને ગંભીરતાથી લઈ વન વિભાગે શોધખોળ શરૂ કરી છે અને નાગરિકોને સાવચેતી રાખવા અપીલ કરી છે. વન વિભાગના અધિકારી પ્રવીણ માળીના જણાવ્યા મુજબ, અગાઉ પણ અનેક વખત જંગલ અથવા નદી કિનારાના વિસ્તારોમાંથી દીપડા શહેરની સીમામાં પ્રવેશ્યા હોવાના બનાવો નોંધાયા છે. જોકે મોટા ભાગના કિસ્સાઓમાં દીપડાને કોઈ જાનહાનિ વગર સુરક્ષિત રીતે પકડીને તેના કુદરતી રહેઠાણમાં પરત મોકલવામાં આવ્યો છે. હાલ પણ વન વિભાગનો મુખ્ય પ્રયાસ દીપડાને વહેલી તકે શોધી સુરક્ષિત રીતે રેસ્ક્યૂ કરવાનો છે.
ફૂટપ્રિન્ટના આધારે શરૂ કરાઈ શોધખોળ
પ્રવીણ માળના જણાવ્યાનુસાર, જ્યાં જ્યાં દીપડાના પગલાંના નિશાન (ફૂટપ્રિન્ટ) મળશે ત્યાં વિશેષ સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવશે. દીપડાની હિલચાલનો માર્ગ જાણી તેને ઝડપી લેવા માટે ટ્રેકિંગ ટીમો તૈનાત કરવામાં આવી છે. અધિકારીઓના જણાવ્યા મુજબ, દીપડો સામાન્ય રીતે શાંતિપૂર્ણ અને ઓછા અવરજવરવાળા વિસ્તારોમાં રહેવાનું પસંદ કરે છે. તેથી નદીના કોતર, ઝાડી-ઝાંખરા, અંધારા વિસ્તારો અને સૂમસામ સ્થળોની ખાસ તપાસ કરવામાં આવી રહી છે.
અંધારા અને સૂમસામ વિસ્તારોમાં ન જવા અપીલ
પ્રવીણ માળીએ નાગરિકોને ખાસ અપીલ કરી છે કે જ્યાં પ્રકાશની અછત હોય અથવા ગીચ ઝાડીઓ અને સૂમસામ વિસ્તાર હોય ત્યાં જવાનું ટાળવું જોઈએ. ખાસ કરીને વહેલી સવારે અને મોડી સાંજે એકલા બહાર ન નીકળવાની સલાહ આપવામાં આવી છે. સાથે જ લોકોને પોતાના બાળકો અને પાળતુ પ્રાણીઓ પર પણ ખાસ નજર રાખવા જણાવાયું છે, જેથી કોઈ અનિચ્છનીય ઘટના ન બને.
દીપડાને નુકસાન ન પહોંચાડવાની અપીલ
વધુમાં પ્રવીણ માળીએ સ્પષ્ટ કર્યું છે કે, દીપડો દેખાય તો લોકો ગભરાઈને તેને પથ્થર મારવા, ઘેરવાનો પ્રયાસ કરવા અથવા અન્ય કોઈ રીતે નુકસાન પહોંચાડવાનો પ્રયાસ ન કરે. આવું કરવાથી દીપડો ભયભીત બની વધુ આક્રમક બની શકે છે અને અકસ્માત સર્જાઈ શકે છે. અધિકારીઓએ વિશ્વાસ વ્યક્ત કર્યો છે કે, તાલીમબદ્ધ રેસ્ક્યૂ ટીમો દ્વારા દીપડાને ખૂબ જ ઝડપથી પકડી લેવામાં આવશે. તેથી નાગરિકોએ ધીરજ રાખી માત્ર વન વિભાગને જાણ કરવી જોઈએ.
દિવસ દરમિયાન દીપડો બની શકે વધુ આક્રમક
વન વિભાગના જણાવ્યા મુજબ, દીપડો જો પોતાને જોખમમાં અનુભવે તો દિવસ દરમિયાન પણ આક્રમક વર્તન કરી શકે છે. તેથી જો કોઈ સ્થળે દીપડો જોવા મળે તો તેની નજીક જવાની કે તેની તસવીર અથવા વીડિયો લેવા માટે ભીડ એકત્ર કરવાની ભૂલ ન કરવી. તેના બદલે સુરક્ષિત અંતર જાળવી તરત જ વન વિભાગ અથવા સ્થાનિક પોલીસને જાણ કરવી જોઈએ, જેથી રેસ્ક્યૂ ટીમ સમયસર પહોંચી જરૂરી કાર્યવાહી કરી શકે.
અમરેલી જેવી ઘટના ન બને તે માટે સાવચેતી
વન વિભાગે જણાવ્યું છે કે, તાજેતરમાં અમરેલી જિલ્લામાં સિંહના હુમલાની ઘટના સામે આવી હતી. આવી દુઃખદ ઘટના ફરી ન બને તે માટે દરેક જરૂરી તકેદારી રાખવામાં આવી રહી છે. શહેરમાં દીપડાની હાજરીની માહિતી મળતાં જ સર્ચ ઓપરેશન શરૂ કરી દેવામાં આવ્યું છે અને સંભવિત તમામ સ્થળોએ સતત નજર રાખવામાં આવી રહી છે. વન વિભાગે નાગરિકોને અફવાઓથી દૂર રહેવા, સત્તાવાર માહિતી પર વિશ્વાસ રાખવા અને દીપડો દેખાય તો તાત્કાલિક વન વિભાગનો સંપર્ક કરવાની અપીલ કરી છે. વિભાગનું કહેવું છે કે, લોકોના સહયોગથી દીપડાને સુરક્ષિત રીતે પકડીને તેના કુદરતી વસવાટ વિસ્તારમાં પરત મોકલવાની કામગીરી ઝડપથી પૂર્ણ કરવામાં આવશે.






