Leander Paes Joins BJP: પશ્ચિમ બંગાળમાં વિધાનસભા ચૂંટણીના રણશિંગા ફૂંકાઈ ચૂક્યા છે ત્યારે રાજકીય ગરમાવો ચરમસીમાએ પહોંચ્યો છે. તૃણમૂલ કોંગ્રેસ (TMC) અને ભાજપ વચ્ચેની સીધી ટક્કર વચ્ચે ભારતીય જનતા પાર્ટીએ એક મોટો 'ખેલ' પાડ્યો છે. ભારતીય ટેનિસ જગતના દિગ્ગજ અને ઓલિમ્પિક મેડલ વિજેતા લિએન્ડર પેસે આજે સત્તાવાર રીતે ભાજપનો ખેસ પહેરી લેતા બંગાળના રાજકારણમાં ખળભળાટ મચી ગયો છે. એક સમયે મમતા બેનર્જીના ખાસ ગણાતા પેસે હવે કેસરીયો ધારણ કરીને બંગાળના ચૂંટણી મેદાનમાં ભાજપનો નેજો ફરકાવવા કમર કસી છે.
કિરેન રિજિજુની હાજરીમાં ભાજપમાં પ્રવેશ: 'ઐતિહાસિક દિવસ' ગણાવાયો
નવી દિલ્હી સ્થિત ભાજપના મુખ્ય મથક ખાતે કેન્દ્રીય મંત્રી કિરેન રિજિજુની હાજરીમાં લિએન્ડર પેસ વિધિવત રીતે પાર્ટીમાં જોડાયા હતા. આ પ્રસંગે કિરેન રિજિજુએ આ ઘટનાક્રમને 'ઐતિહાસિક દિવસ' ગણાવતા કહ્યું કે, "જે સમયે ભારત માટે ઓલિમ્પિકમાં મેડલ જીતવા સ્વપ્ન સમાન હતું, તે સમયે પેસે દેશનું નામ રોશન કર્યું હતું. હવે તેઓ ભાજપના માધ્યમથી દેશ અને સમાજની સેવા કરશે." ઉલ્લેખનીય છે કે, છેલ્લા કેટલાક સમયથી પેસ અને ભાજપના રાષ્ટ્રીય નેતા નિતિન નવીન વચ્ચેની મુલાકાતોને પગલે આ જોડાણની અટકળો તેજ બની હતી, જેના પર આજે મહોર લાગી ગઈ છે.
TMC સાથે છેડો ફાડ્યો: 2021માં મમતા બેનર્જી સાથે શરૂ કરી હતી સફર
લિએન્ડર પેસ માટે રાજકારણની પીચ નવી નથી. વર્ષ 2021માં તેઓ પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીની હાજરીમાં તૃણમૂલ કોંગ્રેસમાં જોડાયા હતા. 2022ની ગોવા વિધાનસભા ચૂંટણી દરમિયાન પણ તેમણે TMC માટે જોરશોરથી પ્રચાર કર્યો હતો. જોકે, હવે અચાનક પક્ષ પલટો કરીને તેમણે મમતા બેનર્જીના ગઢમાં ગાબડું પાડવાની તૈયારી કરી લીધી છે. રાજકીય વિશ્લેષકો માને છે કે પેસનો આ નિર્ણય ભાજપ માટે બંગાળમાં 'સ્ટાર પાવર' વધારવામાં અને યુવા મતદારોને આકર્ષવામાં અત્યંત મદદરૂપ સાબિત થઈ શકે છે.
આ પણ વાંચો: પાઈલટે કર્યો 'મેડે કોલ' અને ખુલ્યા ઓક્સિજન માસ્ક : લખનઉમાં એર ઇન્ડિયા એક્સપ્રેસ ફ્લાઇટનું ઇમરજન્સી લેન્ડિંગ
"મારી માતા બંગાળી છે": રમતગમતના વિકાસ માટે કામ કરવાની નેમ
ભાજપમાં જોડાયા બાદ લિએન્ડર પેસે પોતાની બંગાળી પૃષ્ઠભૂમિને યાદ કરતા ભાવુક નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું કે, "મારી માતા બંગાળી છે અને બંગાળ પ્રત્યે મારો વિશેષ લગાવ છે. આજે પણ પશ્ચિમ બંગાળ અને તમિલનાડુ જેવા રાજ્યોમાં રમતગમત માટે આધુનિક ઇન્ફ્રાસ્ટ્રક્ચરની ખૂબ જરૂર છે." પેસે વધુમાં જણાવ્યું કે તેઓ ટેનિસમાં જે રીતે સ્ત્રી-પુરુષ સમાનતા જોવા મળે છે, તે જ રીતે સમાજના બાળકોને સશક્ત બનાવવા અને રમતગમતના માધ્યમથી નવી ઓળખ અપાવવા માટે ભાજપ સાથે મળીને કામ કરશે.





