Cockroach Janta Party Jantar Mantar Protest: દેશભરમાં ચર્ચાનો વિષય બનેલા NEET-UG પેપર લીક વિવાદ અને પરીક્ષા વ્યવસ્થામાં કથિત ગેરરીતિઓ સામે દિલ્હીના જંતર-મંતર પર વિરોધ પ્રદર્શન વધુ ઉગ્ર બનતું જઈ રહ્યું છે. કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની માંગ સાથે કોકરોચ જનતા પાર્ટી (CJP) દ્વારા શરૂ કરાયેલા આંદોલનનો મંગળવારે ચોથો દિવસ હતો. આ દરમિયાન પાર્ટીએ એક અનોખા વિરોધ અભિયાનની જાહેરાત કરી છે, જેને લઈને રાજકીય અને શૈક્ષણિક વર્તુળોમાં ચર્ચા શરૂ થઈ ગઈ છે. CJPએ ‘ડાયપર દાન કરો’ અભિયાન શરૂ કરવાની જાહેરાત કરી છે. ‘ડાયપર અ ડે, કીપ્સ લીક્સ અવે’ નામના આ અભિયાન હેઠળ સમર્થકોને ડાયપર લઈને વિરોધ સ્થળે પહોંચવા અને તેના પર શિક્ષણ મંત્રીના રાજીનામાની માંગ લખીને અભિયાનમાં જોડાવા અપીલ કરવામાં આવી છે. પાર્ટીનું કહેવું છે કે આ પ્રતીકાત્મક વિરોધ દ્વારા પરીક્ષા પેપર લીક જેવી ઘટનાઓ સામે જવાબદારી નક્કી કરવાની માંગ કરવામાં આવી રહી છે.
ડાયપર અભિયાન પાછળ શું છે તર્ક?
પ્રદર્શનકારીઓનું કહેવું છે કે સામાન્ય ડાયપર બનાવતી કંપનીઓ પણ પોતાના ઉત્પાદનમાં લીકેજ નહીં થાય તેવી ખાતરી આપે છે, ત્યારે દેશની સૌથી મોટી અને મહત્વપૂર્ણ પરીક્ષાઓનું આયોજન કરતી સંસ્થાઓ પેપર લીક જેવી ઘટનાઓ કેમ અટકાવી શકતી નથી? આંદોલનકારીઓએ જણાવ્યું કે જો એક સામાન્ય ગ્રાહક ઉત્પાદન માટે જવાબદારી નક્કી થઈ શકે છે, તો લાખો વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે જોડાયેલી પરીક્ષાઓ માટે પણ જવાબદારી નક્કી થવી જોઈએ. આ સંદેશને લોકો સુધી પહોંચાડવા માટે ડાયપરને પ્રતીક તરીકે પસંદ કરવામાં આવ્યું છે.
ચોથા દિવસે પણ જંતર-મંતર પર યથાવત રહ્યો વિરોધ
કોકરોચ જનતા પાર્ટી દ્વારા જંતર-મંતર ખાતે શરૂ કરાયેલા આંદોલનને સતત સમર્થન મળી રહ્યું હોવાનું પાર્ટીનો દાવો છે. પાર્ટીના સ્થાપક અભિજીત દીપકે જણાવ્યું કે કાર્યકારી દિવસ હોવા છતાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ અને યુવાનો વિરોધમાં જોડાયા હતા. તેણે કહ્યું કે, આંદોલન માત્ર NEET પેપર લીકનો મુદ્દો નથી, પરંતુ સમગ્ર પરીક્ષા વ્યવસ્થામાં પારદર્શિતા અને જવાબદારી સુનિશ્ચિત કરવાની લડત છે. આંદોલનકારીઓએ સ્પષ્ટ કર્યું છે કે જ્યાં સુધી કેન્દ્રીય શિક્ષણ મંત્રી રાજીનામું નહીં આપે ત્યાં સુધી વિરોધ ચાલુ રહેશે.
પોલીસ પર લગાવ્યા ગંભીર આક્ષેપ
આંદોલન દરમિયાન CJPએ દિલ્હી પોલીસ પર પણ કેટલાક ગંભીર આક્ષેપો કર્યા છે. પાર્ટીના નેતાઓનો દાવો છે કે, વિરોધ સ્થળને નાનું કરવા માટે પોલીસ દ્વારા બેરિકેડ્સ ખસેડવાના પ્રયાસો કરવામાં આવ્યા હતા. અભિજીત દીપકના જણાવ્યા અનુસાર મોડીરાત્રે પોલીસ દ્વારા પ્રદર્શનકારીઓ માટે ફાળવેલી જગ્યા મર્યાદિત કરવાની કોશિશ કરવામાં આવી હતી. જોકે આ મામલે દિલ્હી પોલીસ તરફથી કોઈ સત્તાવાર પ્રતિક્રિયા સામે આવી નથી.
UPSC અને SSC ઉમેદવારો માટે ખાસ દિવસની જાહેરાત
કોકરોચ જનતા પાર્ટીએ જાહેરાત કરી છે કે આગામી દિવસોમાં આંદોલનનો એક દિવસ UPSC અને SSC જેવી સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરતા ઉમેદવારોને સમર્પિત કરવામાં આવશે. આ દિવસે ઉમેદવારોને જંતર-મંતરના મંચ પરથી પોતાના અનુભવો અને ફરિયાદો રજૂ કરવાની તક આપવામાં આવશે. પાર્ટીનું માનવું છે કે પરીક્ષા વ્યવસ્થાથી પ્રભાવિત વિદ્યાર્થીઓને સીધો અવાજ મળવો જોઈએ.
વિદ્યાર્થીઓ અને સંગઠનોનો મળ્યો સાથ
આંદોલનમાં વિવિધ વિદ્યાર્થી સંગઠનો અને પરીક્ષાની તૈયારી કરતા ઉમેદવારો પણ જોડાયા છે. સ્ટુડન્ટ્સ ફેડરેશન ઓફ ઈન્ડિયા (SFI), ઓલ ઈન્ડિયા સ્ટુડન્ટ્સ એસોસિએશન (AISA) અને ઓલ ઈન્ડિયા સ્ટુડન્ટ્સ ફેડરેશન (AISF) જેવા સંગઠનો પણ વિરોધ પ્રદર્શનમાં સક્રિય જોવા મળ્યા છે. AISF દ્વારા તો પ્રદર્શન સ્થળે ‘ફાઈટ ફોર એજ્યુકેશન વિથ એજ્યુકેશન’ અભિયાન હેઠળ મફત લાઇબ્રેરી પણ શરૂ કરવામાં આવી છે, જેથી વિદ્યાર્થીઓ વિરોધ સાથે અભ્યાસ પણ ચાલુ રાખી શકે.
આ પણ વાંચો: લખનઉ આગકાંડ બાદ તંત્ર એક્શન મોડમાં : કાનપુરમાં 16 કોચિંગ સેન્ટર સીલ, 22 અન્ય પણ રડાર પર
આત્મહત્યા કરનારા વિદ્યાર્થીઓને અપાઈ શ્રદ્ધાંજલિ
પ્રદર્શન દરમિયાન કેટલાક વિદ્યાર્થીઓ દ્વારા પેપર લીક વિવાદ બાદ આત્મહત્યા કરનારા વિદ્યાર્થીઓની યાદમાં મીણબત્તી પ્રગટાવી શ્રદ્ધાંજલિ પણ આપવામાં આવી હતી. આંદોલનકારીઓએ દાવો કર્યો કે, પરીક્ષા સંબંધિત ગેરરીતિઓનો સૌથી મોટો ભોગ સામાન્ય વિદ્યાર્થીઓ બને છે, જ્યારે જવાબદાર લોકો સામે પૂરતી કાર્યવાહી થતી નથી. આ મુદ્દે જવાબદારી નક્કી કરવા અને પારદર્શક તપાસની માંગ પણ કરવામાં આવી રહી છે.
રાજીનામાની માંગ પર અડગ CJP
કોકરોચ જનતા પાર્ટીનું કહેવું છે કે આંદોલનનો મુખ્ય હેતુ જવાબદારી નક્કી કરાવવાનો છે. પાર્ટીનો દાવો છે કે NEET સહિતની પરીક્ષાઓમાં સામે આવેલી ગેરરીતિઓ માટે રાજકીય અને વહીવટી જવાબદારી નક્કી થવી જોઈએ. પાર્ટીએ સ્પષ્ટ કર્યું છે કે, કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા સુધી તેમનું આંદોલન ચાલુ રહેશે અને આગામી દિવસોમાં વિરોધ વધુ વ્યાપક બનાવવામાં આવશે.






