Home Entertainment Shraddha Kapoor Eetha Teaser Released Vithabai Narayangaonkar Biopic

કોણ હતી વિઠાબાઈ નારાયણ ગાંવકર? : ‘ઈથા’ ફિલ્મ પાછળ છુપાયેલી છે સંઘર્ષ, સમર્પણ અને લોકકલાની સાચી કહાની

Shraddha Kapoor Eetha Teaser Release
Published by: Nirali Gohil
Last Updated: Jun 23, 2026, 12:14 PM IST

Shraddha Kapoor Eetha Teaser Release: બોલિવૂડ અભિનેત્રી શ્રદ્ધા કપૂર એકવાર ફરી ચર્ચામાં છે. ‘સ્ત્રી’ ફ્રેન્ચાઇઝીથી દર્શકોના દિલ જીત્યા બાદ હવે શ્રદ્ધા કપૂર સંપૂર્ણપણે અલગ અને પડકારજનક ભૂમિકામાં જોવા મળવાની છે. મેડોક ફિલ્મ્સે તેમની આગામી ફિલ્મ ‘ઈથા’ (Eetha)નો પ્રથમ ટીઝર જાહેર કર્યો છે, જેને સોશિયલ મીડિયા પર સારો પ્રતિસાદ મળી રહ્યો છે. આ ફિલ્મનું નિર્દેશન ‘છાવા’, ‘મિમી’ અને ‘લુકા છુપી’ જેવી સફળ ફિલ્મો માટે જાણીતા લક્ષ્મણ ઉટેકરે કર્યું છે, જ્યારે નિર્માતા દિનેશ વિજાણ છે. ફિલ્મ 28 ઓગસ્ટ 2026ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થવાની છે. ટીઝર સામે આવ્યા બાદ શ્રદ્ધા કપૂરના લુક અને પાત્રને લઈને ચાહકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

શ્રદ્ધા કપૂરની આગામી ફિલ્મ ‘ઈથા’ માત્ર એક બાયોપિક નથી, પરંતુ તે મહારાષ્ટ્રની લોકકલાના ઇતિહાસમાં અમર બનેલી એક એવી મહિલાની જીવનગાથા છે, જેણે ગરીબી, સામાજિક ભેદભાવ અને વ્યક્તિગત સંઘર્ષ વચ્ચે પોતાની પ્રતિભાથી આખા દેશને મંત્રમુગ્ધ કરી દીધો હતો. આ મહિલા હતી વિઠાબાઈ ભાઉ માંગ નારાયણગાંવકર, જેમને આજે પણ "તમાશાની સમ્રાજ્ઞી" અને "લાવણીની રાણી" તરીકે યાદ કરવામાં આવે છે.

ગરીબ પરિવારમાં જન્મ, મંચ જ બની શાળા

વિઠાબાઈનો જન્મ વર્ષ 1935માં મહારાષ્ટ્રના પંઢરપુરમાં થયો હતો. તેઓ માંગ સમુદાયના એવા પરિવારમાં જન્મ્યા હતા જે પેઢીઓથી તમાશા અને લોકનાટ્ય સાથે જોડાયેલો હતો. તેમના પિતા ભાઉ ખૂડે નારાયણ ગાંવકર અને માતા શાંતાબાઈ લોકકલાના જાણીતા કલાકારો હતા. તે સમયગાળામાં ગરીબી અને સામાજિક પરિસ્થિતિઓને કારણે વિઠાબાઈને ઔપચારિક શિક્ષણ મેળવવાનો અવસર મળ્યો નહોતો. તેમણે ક્યારેય શાળાનો ચહેરો પણ જોયો નહોતો. પરંતુ જે મંચ પર તેમના માતા-પિતા પ્રદર્શન કરતા હતા, એ જ મંચ તેમની શાળા, કોલેજ અને યુનિવર્સિટી બની ગયો. ખૂબ નાની ઉંમરથી જ તેઓ તમાશા અને લાવણીના કાર્યક્રમોમાં ભાગ લેવા લાગી હતી. માત્ર 10થી 12 વર્ષની ઉંમરે તેમણે સંપૂર્ણ સમય કલાકાર તરીકે કામ શરૂ કરી દીધું હતું.

પરિવારની તમાશા મંડળીની કમાન સંભાળી

યુવાનીમાં જ વિઠાબાઈએ પરિવારની તમાશા મંડળીની જવાબદારી પોતાના ખભા પર લીધી. તે સમય દરમિયાન તમાશા કલા મુખ્યત્વે ગામડાંઓ અને નાના વિસ્તારો સુધી મર્યાદિત હતી અને તેને સમાજમાં ખૂબ માન-સન્માન પણ મળતું નહોતું. વિઠાબાઈએ પોતાની અદભૂત ગાયકી, અભિનય અને નૃત્ય દ્વારા આ લોકકલાને નવી ઓળખ આપી. તેમની ઊર્જાસભર રજૂઆત, મંચ પરની ઉપસ્થિતિ અને પ્રેક્ષકો સાથેનો જીવંત સંપર્ક તેમને અન્ય કલાકારોથી અલગ બનાવતો હતો. ધીમે ધીમે તેમનું નામ સમગ્ર મહારાષ્ટ્રમાં ગુંજવા લાગ્યું અને લોકો માત્ર વિઠાબાઈના કાર્યક્રમો જોવા માટે દૂર દૂરથી આવવા લાગ્યા.

સ્ટેજ પર બાળકને જન્મ આપવાની સત્ય ઘટના

વિઠાબાઈના જીવનની સૌથી ચર્ચિત અને પ્રેરણાદાયી ઘટનામાંથી એક ઘટના આજે પણ લોકકથાની જેમ કહેવામાં આવે છે. કહેવાય છે કે, એક વખત તેઓ સ્ટેજ પર પ્રદર્શન કરી રહ્યા હતા ત્યારે તેમને અચાનક પ્રસૂતિની પીડા શરૂ થઈ. કાર્યક્રમ વચ્ચે જ તેઓ પાછળ ગયા અને બાળકને જન્મ આપ્યો. પરંતુ આશ્ચર્યજનક રીતે થોડા જ સમય પછી ફરી મંચ પર પરત આવી પ્રદર્શન ચાલુ રાખ્યું. આ ઘટના માત્ર તેમની વ્યાવસાયિક નિષ્ઠા જ નહીં પરંતુ લોકકલા પ્રત્યેના તેમના અદમ્ય સમર્પણનું પ્રતિક બની ગઈ. ‘ઈથા’ ફિલ્મના ટીઝરમાં પણ આ ઐતિહાસિક ઘટનાની ઝલક દર્શાવવામાં આવી છે.

રાષ્ટ્રપતિના હાથે મળ્યા સન્માન

વિઠાબાઈની લોકપ્રિયતા માત્ર મહારાષ્ટ્ર સુધી મર્યાદિત રહી નહોતી. તેમના યોગદાનને રાષ્ટ્રીય સ્તરે પણ માન્યતા મળી હતી. વર્ષ 1957માં તેમને ભારતના રાષ્ટ્રપતિ દ્વારા ગોલ્ડ મેડલ એનાયત કરવામાં આવ્યો હતો. ત્યારબાદ વર્ષ 1990માં ફરી એક વખત તેમને રાષ્ટ્રીય સન્માનથી નવાજવામાં આવ્યા. આ પુરસ્કારો એ વાતનો પુરાવો હતા કે ગામડાની લોકકલા પણ દેશના સાંસ્કૃતિક વારસાનો મહત્વપૂર્ણ ભાગ છે.

Image

મહિલાઓ માટે પ્રેરણાનું પ્રતિક

વિઠાબાઈનું જીવન માત્ર એક કલાકારની સફળતાની કહાની નથી. તે એવી મહિલાની કહાની છે જેણે પુરુષપ્રધાન સમાજમાં પોતાનું સ્થાન બનાવ્યું, ગરીબી સામે લડી અને પોતાની મહેનતથી લાખો લોકોના દિલમાં જગ્યા બનાવી. તે સમયગાળામાં તમાશા સાથે જોડાયેલી મહિલાઓને સમાજમાં ઘણીવાર નીચી નજરે જોવામાં આવતી હતી. છતાં વિઠાબાઈએ ક્યારેય પોતાની ઓળખ છુપાવી નહીં અને ગૌરવપૂર્વક પોતાની કલાને જીવંત રાખી.

આ પણ વાંચો: કોમેડી કિંગ અક્ષય કુમારનો નવો રેકોર્ડ : 10 ફિલ્મો 100 કરોડ ક્લબમાં, ટૂંક સમયમાં રિલીઝ થશે 'વેલકમ ટુ ધ જંગલ'


‘તમાશાની રાણી’ તરીકે કેમ ઓળખાઈ?

વિઠાબાઈએ માત્ર તમાશા કલા જાળવી રાખી નહોતી, પરંતુ તેને મુખ્ય પ્રવાહમાં લાવવામાં પણ મહત્વની ભૂમિકા ભજવી હતી. તેમના કારણે લાવણી અને તમાશા જેવી લોકકલાઓને નવી પેઢી સુધી પહોંચવાની તક મળી. તેમની લોકપ્રિયતા એટલી વધી હતી કે, લોકો તેમને "તમાશા સમ્રાજ્ઞી" અને "ક્વીન ઓફ તમાશા" તરીકે ઓળખવા લાગ્યા હતા.

Image

‘ઈથા’ નામ પાછળનું રહસ્ય

ફિલ્મનું નામ ‘ઈથા’ પણ સીધું વિઠાબાઈ સાથે જોડાયેલું છે. મહારાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં પ્રેમથી તેમને ‘વિઠા’ અથવા ‘ઈથા’ તરીકે બોલાવવામાં આવતી હતી. આ કારણે નિર્માતાઓએ ફિલ્મનું નામ પણ તેમના લોકપ્રિય ઉપનામ પરથી રાખ્યું છે.

હવે શ્રદ્ધા કપૂર જીવંત કરશે આ પાત્ર ‘ઈથા’ ફિલ્મમાં શ્રદ્ધા કપૂર વિઠાબાઈ નારાયણગાંવકરની ભૂમિકા ભજવી રહી છે. ફિલ્મ 1940થી 1990ના દાયકાની વચ્ચેના તેમના જીવનના વિવિધ તબક્કાઓ દર્શાવશે. આ ફિલ્મ માત્ર એક કલાકારની કહાની નહીં પરંતુ ભારતીય લોકસંસ્કૃતિ, મહિલાઓના સંઘર્ષ અને કલા પ્રત્યેના સમર્પણની પ્રેરણાદાયી સફર બની શકે છે. વિઠાબાઈ નારાયણગાંવકરની કહાની એ સાબિત કરે છે કે, પ્રતિભા, મહેનત અને સમર્પણ હોય તો ગરીબી, ભેદભાવ અને મુશ્કેલીઓ પણ સફળતાનો રસ્તો રોકી શકતી નથી. આજે પણ મહારાષ્ટ્રની લોકકલાની વાત થાય ત્યારે વિઠાબાઈનું નામ સૌથી પહેલા લેવામાં આવે છે અને કદાચ એ જ કારણ છે કે તેમની જીવનગાથા હવે મોટા પડદા પર આવી રહી છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now