Lucknow Coaching Centre Fire: ઉત્તર પ્રદેશની રાજધાની લખનૌમાં બનેલા ભીષણ અગ્નિકાંડએ સમગ્ર દેશને હચમચાવી દીધો છે. અલીગંજ વિસ્તારમાં આવેલી એક બિલ્ડિંગમાં લાગેલી આગમાં 15 લોકોના મોત થયા હોવાનું સામે આવ્યું છે, જ્યારે અનેક લોકો ઘાયલ થયા છે. મૃતકોમાં વિદ્યાર્થીઓ અને યુવાનોનો પણ સમાવેશ થાય છે. આ દુર્ઘટનાએ માત્ર અનેક પરિવારોના સપના છીનવી લીધા નથી, પરંતુ એવી હૃદયદ્રાવક કહાનીઓ પણ છોડી છે, જે સાંભળીને કોઈપણની આંખો ભીની થઈ જાય. આગ એટલી ઝડપથી ફેલાઈ હતી કે બિલ્ડિંગની અંદર રહેલા લોકોને બહાર નીકળવાનો સમય જ મળ્યો નહીં. ધુમાડાના ગોટેગોટા વચ્ચે અનેક વિદ્યાર્થીઓ અને કર્મચારીઓ જીવ બચાવવા માટે તડપતા રહ્યા. કેટલાક લોકોએ ત્રીજા માળેથી કૂદીને પોતાનો જીવ બચાવવાનો પ્રયાસ કર્યો, જ્યારે કેટલાક લોકો મદદની આશામાં પોતાના પરિવારજનોને અંતિમ ફોન કોલ કરતા રહ્યા.
“પપ્પા, આગ લાગી છે... મને બચાવી લો”
આ દુર્ઘટનાની સૌથી કરુણ કહાની આલમબાગમાં રહેતા પારિજોત સિંહના પરિવારમાંથી સામે આવી છે. પારિજોત સિંહે જણાવ્યું કે આગ દરમિયાન તેમના પુત્રનો ફોન આવ્યો હતો. તેમના જણાવ્યા અનુસાર પુત્રે ફોન પર રડતા-રડતા કહ્યું હતું, “પપ્પા, અહીં આગ લાગી ગઈ છે... મને બચાવી લો.” આ શબ્દો સાંભળતાં જ પરિવારના પગ નીચેની જમીન સરકી ગઈ હતી. તેઓ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચ્યા, પરંતુ સુરક્ષા કારણોસર પોલીસ દ્વારા તેમને અંદર જવા દેવામાં આવ્યા ન હતા.
પારિજોત સિંહે ભાવુક અવાજમાં જણાવ્યું કે, હજુ સુધી તેમના પુત્ર વિશે કોઈ સ્પષ્ટ માહિતી મળી નથી અને પરિવાર અનિશ્ચિતતામાં જીવી રહ્યો છે.
આગમાં ફસાયેલા યુવાનોએ અંતિમ ક્ષણે કર્યા ફોન
23 વર્ષીય સુખમણિ સિંહે પણ આગ દરમિયાન પોતાના પિતાને ફોન કરીને મદદની અપીલ કરી હતી. પરિવારજનોના જણાવ્યા અનુસાર બપોરે લગભગ 2:15 વાગ્યે ફોન આવ્યો હતો. સુખમણિએ પોતાના પિતાને કહ્યું હતું કે, “પપ્પા, ઓફિસમાં આગ લાગી છે, મને બચાવી લો.” પિતા તરત જ અલીગંજ માટે નીકળી પડ્યા, પરંતુ ત્યાં પહોંચે તે પહેલાં પરિસ્થિતિ વધુ ગંભીર બની ગઈ હતી. આ જ રીતે 25 વર્ષીય આદિત્ય, જે બિલ્ડિંગમાં આવેલી એક એનિમેશન કંપનીમાં કામ કરતો હતો, તેણે પણ પોતાના મિત્રને ફોન કરીને મદદ માગી હતી. મિત્રના જણાવ્યા મુજબ, આદિત્યે કહ્યું હતું, “મને બચાવી લો, હું અંદર ફસાઈ ગયો છું.” પરંતુ બચાવ ટીમ ત્યાં પહોંચે તે પહેલાં આખી ઈમારત ધુમાડાથી ઘેરાઈ ગઈ હતી.
આ પણ વાંચો: લખનઉ આગકાંડ બાદ તંત્ર એક્શન મોડમાં : કાનપુરમાં 16 કોચિંગ સેન્ટર સીલ, 22 અન્ય પણ રડાર પર
માતા-પિતાના સપના પળવારમાં તૂટી ગયા
આદિત્યની માતા ઘટનાની જાણ થતાં જ સ્થળ પર પહોંચી હતી. તેમણે રડતાં-રડતાં જણાવ્યું કે જો સમયસર બચાવ કામગીરી શરૂ કરવામાં આવી હોત તો કદાચ અનેક યુવાનોના જીવ બચાવી શકાયા હોત. માતાનો આક્ષેપ હતો કે, સમયસર પગલાં લેવાયા હોત તો આજે તેમનો પુત્ર જીવતો હોત. દુર્ઘટના બાદ ઘટનાસ્થળે પહોંચેલા અનેક પરિવારો પોતાના સંતાનો વિશે માહિતી મેળવવા માટે કલાકો સુધી ભટકતા રહ્યા હતા.
એક પરિવારનો એકમાત્ર સહારો છીનવાઈ ગયો
આ દુર્ઘટનામાં જીવ ગુમાવનાર અબ્દુલ રહેમાનની કહાની પણ એટલી જ દુઃખદ છે. તેમના મિત્ર સદ્દામ શેખે જણાવ્યું કે અબ્દુલ પરિવારનો એકમાત્ર કમાઉ સભ્ય હતો. તેમના પિતા પેરાલિસિસથી પીડિત છે અને માતા ગૃહિણી છે. થોડા મહિનાં પહેલાં જ અબ્દુલને નોકરી મળી હતી અને તે પરિવારની આર્થિક સ્થિતિ સુધારવા માટે મહેનત કરી રહ્યો હતો. હવે તેના અવસાન બાદ આખા પરિવાર પર સંકટના વાદળો છવાઈ ગયા છે.
જીવ બચાવવા માટે ત્રીજા માળેથી લગાવી છલાંગ
પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા મુજબ આગ લાગ્યા બાદ બિલ્ડિંગમાં ધુમાડો ઝડપથી ફેલાઈ ગયો હતો. અનેક લોકો બહાર નીકળવાનો માર્ગ શોધી રહ્યા હતા, પરંતુ પરિસ્થિતિ બેકાબૂ બની ગઈ હતી. કેટલાક વિદ્યાર્થીઓએ જીવ બચાવવા માટે ત્રીજા માળેથી કૂદકો માર્યો હતો. ઘાયલ થયેલા એક વિદ્યાર્થીને કમરના ભાગે ગંભીર ઈજા પહોંચી છે, જોકે તેની હાલત હાલ સ્થિર હોવાનું હોસ્પિટલ દ્વારા જણાવાયું છે.
આ પણ વાંચો: લખનઉ અગ્નિકાંડમાં 15નાં મોત બાદ મોટો ખુલાસો : જે બિલ્ડિંગ 10 વર્ષ પહેલા તોડવાની હતી, તેમાં જ ભડકી વિનાશક આગ
હોસ્પિટલમાં 21 લોકોને લવાયા, 15 મૃત હાલતમાં
કિંગ જ્યોર્જ મેડિકલ યુનિવર્સિટી (KGMU)ના ટ્રોમા સેન્ટરના અધિકારીઓએ જણાવ્યું કે કુલ 21 લોકોને હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા. જેમાંથી 6 લોકોની હાલત હાલ સ્થિર છે. હોસ્પિટલના અધિકારીઓ અનુસાર બાકીના 15 લોકોને મૃત હાલતમાં લાવવામાં આવ્યા હતા. મૃતદેહોનું પોસ્ટમોર્ટમ અને અન્ય કાનૂની પ્રક્રિયા હાથ ધરવામાં આવી રહી છે.
શોર્ટ સર્કિટથી આગ લાગી હોવાની આશંકા
પ્રાથમિક માહિતી અનુસાર બિલ્ડિંગની નજીક આવેલા વીજ થાંભલામાં શોર્ટ સર્કિટ થવાથી આગ લાગી હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા મુજબ આગ ઝડપથી ઉપરના માળ સુધી ફેલાઈ ગઈ હતી. જો કે, આગ લાગવાનું ચોક્કસ કારણ તપાસ પૂર્ણ થયા બાદ જ સ્પષ્ટ થશે. હાલ પોલીસ અને ફાયર વિભાગ સમગ્ર ઘટનાની તપાસમાં વ્યસ્ત છે.
અનેક સવાલો છોડતો અગ્નિકાંડ
લખનૌનો આ અગ્નિકાંડ માત્ર એક દુર્ઘટના નથી, પરંતુ સલામતી વ્યવસ્થાઓ, ઇમારતોમાં ફાયર સેફ્ટી અને બચાવ કામગીરીની તૈયારી અંગે પણ અનેક સવાલો ઉભા કરે છે. એક તરફ પરિવારજનો પોતાના પ્રિયજનોને ગુમાવવાના દુઃખમાંથી પસાર થઈ રહ્યા છે, તો બીજી તરફ દેશભરના લોકો “પપ્પા, મને બચાવી લો” જેવા અંતિમ શબ્દો સાંભળીને ભાવુક બની રહ્યા છે. આ દુર્ઘટનાએ ફરી એકવાર બતાવી દીધું છે કે આપત્તિના સમયમાં સેકન્ડોનું મહત્વ કેટલું મોટું હોય છે.





