Arvind kejriwal ayodhya ram mandir visit: અયોધ્યાના શ્રીરામ મંદિરને લઈને ઉભા થયેલા કથિત ચઢાવા અને દાનની ગણતરીના વિવાદે હવે રાજકીય રંગ પકડ્યો છે. આમ આદમી પાર્ટી (AAP)ના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે 26 જૂને અયોધ્યાની મુલાકાત લઈને શ્રીરામ મંદિરના દર્શન કરવાની જાહેરાત કરી છે. આ સાથે તેમણે મંદિરના ચઢાવા અને દાન સાથે જોડાયેલી કથિત ગેરરીતિઓને લઈને ગંભીર સવાલો ઉઠાવ્યા છે. કેજરીવાલના નિવેદન બાદ ભાજપ અને AAP વચ્ચે ફરી એકવાર રાજકીય ઘમાસાણ શરૂ થયું છે. ભાજપના નેતા અને દિલ્હી સરકારના મંત્રી કપિલ મિશ્રાએ કેજરીવાલના નિવેદન પર વળતો પ્રહાર કરતાં તેમની મન્સા પર સવાલ ઉઠાવ્યા છે. પરિણામે હવે આ મુદ્દો માત્ર મંદિર વ્યવસ્થાપન પૂરતો સીમિત ન રહી રાજકીય ચર્ચાનું કેન્દ્ર બની ગયો છે.
કેજરીવાલે અયોધ્યા જવાની કરી જાહેરાત
અરવિંદ કેજરીવાલે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પોસ્ટ કરીને જણાવ્યું કે તેઓ 26 જૂને અયોધ્યા જઈને શ્રીરામ મંદિરના દર્શન કરશે. પોતાના સંદેશમાં તેમણે લખ્યું કે રામ મંદિરના ચઢાવા સાથે જોડાયેલા વિવાદથી દરેક સનાતની દુઃખી છે અને આ મુદ્દે પારદર્શિતા જરૂરી છે. તેમણે દાવો કર્યો કે, મંદિરમાં મળેલા કરોડો રૂપિયાના દાન અને ચઢાવાને લઈને ઉભા થયેલા પ્રશ્નોએ ભક્તોમાં અસંતોષ ઉભો કર્યો છે. કેજરીવાલે આ મામલે જવાબદારી નક્કી કરવાની અને સત્ય બહાર લાવવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો.
શું છે ચઢાવા અને દાન વિવાદ?
અયોધ્યાના શ્રીરામ મંદિરમાં મળતા દાન અને ચઢાવાની ગણતરીમાં કથિત ગેરરીતિઓ અને હેરાફેરીના આરોપો છેલ્લા કેટલાક સમયથી ચર્ચામાં છે. આ મામલો સામે આવ્યા બાદ ઉત્તર પ્રદેશ સરકારે તપાસ માટે ત્રણ સભ્યોની વિશેષ તપાસ ટીમ (SIT)ની રચના કરી છે. પ્રાથમિક કાર્યવાહી તરીકે મંદિરના દાનની ગણતરી સાથે સંકળાયેલા લગભગ 40 કર્મચારીઓને આ કામગીરીમાંથી દૂર કરવામાં આવ્યા હોવાનું પણ અહેવાલોમાં જણાવાયું છે. હાલ SIT સમગ્ર મામલાની તપાસ કરી રહી છે.
કપિલ મિશ્રાનો કેજરીવાલ પર પ્રહાર
કેજરીવાલની અયોધ્યા મુલાકાતની જાહેરાત બાદ ભાજપના નેતા કપિલ મિશ્રાએ સોશિયલ મીડિયા પર તીખી પ્રતિક્રિયા આપી હતી. તેમણે કેજરીવાલના પોસ્ટનો જવાબ આપતાં સવાલ કર્યો કે, તેઓ શુક્રવારે અયોધ્યા જશે તો જુમ્માની નમાઝ પહેલાં જશે કે પછી? કપિલ મિશ્રાના આ નિવેદન બાદ રાજકીય વર્તુળોમાં ચર્ચા વધુ તેજ બની છે. રાજકીય નિરીક્ષકોનું માનવું છે કે, આગામી દિવસોમાં આ મુદ્દે AAP તરફથી પણ વળતો જવાબ આવી શકે છે.
ટ્રસ્ટે આરોપોને ફગાવ્યા
બીજી તરફ શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટે ચઢાવા અને દાનમાં ગેરરીતિના આરોપોને નકારી કાઢ્યા છે. ટ્રસ્ટના મહાસચિવ ચંપત રાયે જણાવ્યું કે મંદિરના દાન અને આભૂષણોના સંચાલનમાં કોઈ પ્રકારની ગડબડ થઈ હોવાના દાવાઓ આધારહીન છે. તેમણે સ્પષ્ટ કર્યું કે, ટ્રસ્ટ પારદર્શિતામાં વિશ્વાસ રાખે છે અને કોઈપણ પ્રકારની સ્વતંત્ર તપાસને આવકારવા તૈયાર છે. ટ્રસ્ટનું કહેવું છે કે કેટલાક વર્તુળો દ્વારા ભ્રામક માહિતી ફેલાવવામાં આવી રહી છે.
SIT તપાસ પર સૌની નજર
ઉત્તર પ્રદેશ સરકાર દ્વારા રચાયેલી SIT હાલમાં દાન અને આભૂષણોના સંચાલન સાથે જોડાયેલા તમામ પાસાઓની તપાસ કરી રહી છે. તપાસ પૂર્ણ થયા બાદ જ સમગ્ર મામલે સ્પષ્ટતા થશે કે, આરોપોમાં કેટલો તથ્ય છે અને જવાબદારી કોની છે. આ દરમિયાન કેજરીવાલની અયોધ્યા મુલાકાત અને ભાજપના નેતાઓની પ્રતિક્રિયાઓને કારણે મુદ્દો રાજકીય રીતે વધુ ગરમાયો છે. હવે સૌની નજર SITના રિપોર્ટ અને આગામી રાજકીય ઘટનાઓ પર ટકેલી છે.






