Home National Ayodhya Ram Mandir Donation Case Sit Report Fir Trust Reconstitution

રામ મંદિર દાન ચોરી કેસમાં SITએ સરકારને રિપોર્ટ સોંપ્યો : 150 પાનાના રિપોર્ટમાં FIRથી લઈને ટ્રસ્ટ સુધારા સુધીની ભલામણ

Ayodhya Ram Mandir Donation Case
Image Credit: twitter
Published by: Nirali Gohil
Last Updated: Jun 23, 2026, 08:08 AM IST

Ayodhya Ram Mandir Donation Case SIT Report: અયોધ્યાના ભવ્ય રામ મંદિરને લઈને દેશભરમાં આસ્થા અને શ્રદ્ધાનો માહોલ છે, પરંતુ મંદિરના ચઢાવા (દાન)ના સંચાલનને લઈને ઊભા થયેલા વિવાદે હવે નવો વળાંક લીધો છે. રામ મંદિરના ચઢાવામાં કથિત ગેરરીતિ અને ગબનના આરોપોની તપાસ કરી રહેલી વિશેષ તપાસ ટીમ (SIT)એ પોતાની પ્રાથમિક તપાસ પૂર્ણ કરીને ઉત્તર પ્રદેશ સરકારને વિગતવાર રિપોર્ટ સોંપી દીધો છે. આ રિપોર્ટમાં અનેક મહત્વપૂર્ણ ભલામણો કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, લગભગ 150 પાનાની આ રિપોર્ટમાં માત્ર FIR નોંધવાની જ નહીં પરંતુ રામ મંદિર ટ્રસ્ટનું પુનર્ગઠન કરવા, મંદિર માટે અલગ CEOની નિમણૂક કરવા અને દાન વ્યવસ્થાને વધુ પારદર્શક બનાવવાના સૂચનો પણ કરવામાં આવ્યા છે. જોકે રાજ્ય સરકારે સ્પષ્ટ કર્યું છે કે તપાસ હજુ ચાલુ છે અને આ અંતિમ રિપોર્ટ નથી.

15 જૂનથી SITએ શરૂ કરી હતી તપાસ

ચઢાવા સંબંધિત વિવાદ જાહેર થયા બાદ ઉત્તર પ્રદેશ સરકારે ત્રણ સભ્યોની SITની રચના કરી હતી. SITએ 15 જૂનથી તપાસ શરૂ કરીને મંદિરના સંચાલન, દાનપેટીઓની વ્યવસ્થા, રોકડની ગણતરી અને ટ્રસ્ટ સાથે સંકળાયેલા લોકોના નિવેદનો નોંધ્યા હતા. તપાસ દરમિયાન મંદિરની વ્યવસ્થાઓ સાથે જોડાયેલા અંદાજે 150 જેટલા લોકોના નિવેદનો લેવામાં આવ્યા હતા. ટ્રસ્ટના મહાસચિવ ચંપત રાય, ટ્રસ્ટી ડૉ. અનિલ મિશ્ર અને વ્યવસ્થાપક ગોપાલ રાવ સહિતના અગ્રણીઓ પાસેથી પણ માહિતી એકત્રિત કરવામાં આવી હતી.

આ પણ વાંચો: અયોધ્યા રામ મંદિર દાન વિવાદમાં મોટું એક્શન : ચઢાવાની ગણતરીમાંથી 40 કર્મચારીઓ હટાવાયા, નવી ટીમને સોંપાઈ જવાબદારી

ટ્રસ્ટના પુનર્ગઠન અને CEOની નિમણૂકની ભલામણ

સૂત્રોના જણાવ્યા મુજબ SITએ રામ મંદિર ટ્રસ્ટના સંચાલનને વધુ વ્યવસાયિક અને પારદર્શક બનાવવા માટે ટ્રસ્ટનું પુનર્ગઠન કરવાની ભલામણ કરી છે. સાથે જ કોઈ વરિષ્ઠ વહીવટી અધિકારીને મંદિરના CEO તરીકે નિયુક્ત કરવાની સલાહ પણ આપવામાં આવી છે. રિપોર્ટમાં ટ્રસ્ટના તમામ સભ્યોની જવાબદારીઓ સ્પષ્ટ રીતે નક્કી કરવાની જરૂરિયાત પર પણ ભાર મૂકવામાં આવ્યો હોવાનું જાણવા મળે છે.

દાન વ્યવસ્થામાં પારદર્શિતા લાવવા સૂચનો

તપાસ દરમિયાન ચઢાવા અને દાનપેટીઓના સંચાલન સંબંધિત કેટલીક ખામીઓ સામે આવી હોવાનું કહેવાઈ રહ્યું છે. SITએ દાનપેટીઓમાં આવતી રોકડની રોજિંદી એન્ટ્રી ફરજિયાત બનાવવાની અને સાપ્તાહિક ઓડિટ કરવાની ભલામણ કરી છે. આ ઉપરાંત, મંદિરમાં લાગેલા CCTV કેમેરાના ડેટા સ્ટોરેજનો સમયગાળો 45 દિવસથી વધારીને 180 દિવસ કરવાનો પણ સૂચન કરવામાં આવ્યું છે, જેથી ભવિષ્યમાં કોઈ પણ વિવાદ અથવા ગેરરીતિની સરળતાથી તપાસ થઈ શકે.

આ પણ વાંચો: રામ મંદિર દાન વિવાદમાં મોટું અપડેટ : SITએ યોગી આદિત્યનાથને સોંપ્યો પ્રારંભિક રિપોર્ટ, 150થી વધુ લોકોની પૂછપરછ

કેટલાક લોકોના નિવેદનોમાં અસંગતતા

તપાસ દરમિયાન કેટલાક મહત્વપૂર્ણ સાક્ષીઓ અને સંકળાયેલા લોકોના નિવેદનોમાં અસંગતતા જોવા મળી હોવાનું પણ અહેવાલોમાં જણાવાયું છે. જેના આધારે SITએ અનેક લોકોની ફરી પૂછપરછ કરી હતી. તપાસ દરમિયાન ટ્રસ્ટ અને બેંક સાથે સંકળાયેલા કેટલાક લોકોના લખિત નિવેદનો પણ નોંધવામાં આવ્યા હતા. સૂત્રોના જણાવ્યા અનુસાર, કેટલીક બાબતોને લઈને વધુ તપાસની જરૂર હોવાનું SITએ રિપોર્ટમાં દર્શાવ્યું છે.

FIRની ભલામણ બાદ હવે સરકારના નિર્ણય પર નજર

SIT દ્વારા FIR નોંધવાની ભલામણ કરવામાં આવી હોવાના અહેવાલો સામે આવ્યા બાદ હવે સૌની નજર ઉત્તર પ્રદેશ સરકારના આગામી નિર્ણય પર છે. રાજ્ય સરકારે હજુ સુધી આ મામલે કોઈ અંતિમ નિર્ણય જાહેર કર્યો નથી, પરંતુ રિપોર્ટના આધારે આગળની કાર્યવાહી થવાની શક્યતા છે. હાલ માટે સરકારે સ્પષ્ટ કર્યું છે કે, તપાસ પ્રક્રિયા હજુ ચાલુ છે અને તમામ પાસાઓની સંપૂર્ણ ચકાસણી બાદ જ કોઈ અંતિમ નિર્ણય લેવામાં આવશે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now