Home National Air India Express Emergency Landing Lucknow Smoke Mayday Call Gujarati News

પાઈલટે કર્યો 'મેડે કોલ' અને ખુલ્યા ઓક્સિજન માસ્ક : લખનઉમાં એર ઇન્ડિયા એક્સપ્રેસ ફ્લાઇટનું ઇમરજન્સી લેન્ડિંગ

Air India Emergency Landing Mayday Call
Published by: Nirali Gohil
Last Updated: Mar 31, 2026, 09:49 AM IST

Air India Express Emergency Landing: પશ્ચિમ બંગાળના બાગડોગરાથી દિલ્હી જઈ રહેલી એર ઈન્ડિયા એક્સપ્રેસની ફ્લાઈટમાં સોમવારે સાંજે હવામાં જ મોતનું જોખમ તોળાયું હતું. ફ્લાઈટ જ્યારે ઉત્તર પ્રદેશના આંબેડકરનગર ઉપર 36 હજાર ફૂટની ઊંચાઈએ ઉડી રહી હતી, ત્યારે અચાનક પાઈલટની કેબિનમાં ધુમાડો દેખાયો હતો. સ્થિતિ ગંભીર જણાતા પાઈલટે તાત્કાલિક લખનઉ એર ટ્રાફિક કંટ્રોલ (ATC) નો સંપર્ક કરી 'મેડે કોલ' (Mayday Call) કર્યો હતો. આ ભયાનક દ્રશ્યો વચ્ચે વિમાનને લખનઉ એરપોર્ટ પર સુરક્ષિત રીતે ઈમરજન્સી લેન્ડિંગ કરાવવામાં આવ્યું હતું, જેનાથી 148 મુસાફરોનો આબાદ બચાવ થયો છે.

'મેડે કોલ' સાથે જ ઓક્સિજન માસ્ક ખુલ્યા: મુસાફરોમાં ફફડાટ

સૂત્રોના જણાવ્યા અનુસાર, પાઈલટોને કોકપિટના એવિઓનિક પેનલો (ઇલેક્ટ્રિક પેનલ) માંથી ધુમાડો નીકળવાની આશંકા થતા જ તેમણે ઈમરજન્સી પ્રોટોકોલનો અમલ કર્યો હતો. પાઈલટે જેવો 'મેડે કોલ' કર્યો કે તરત જ પ્લેનમાં પેસેન્જર સીટની ઉપર લાગેલા ઓક્સિજન માસ્ક આપમેળે નીચે આવી ગયા હતા. કેબિન ક્રૂએ સમયસૂચકતા વાપરી મુસાફરોને માસ્ક પહેરવાની સૂચના આપી હતી. ૩૬ હજાર ફૂટની ઊંચાઈએ અચાનક માસ્ક નીચે આવતા મુસાફરોમાં ગભરાટ અને ચીસાચીસ મચી ગઈ હતી. જોકે, સાંજે 05:17 વાગ્યે વિમાન સુરક્ષિત લેન્ડ થતા તમામે રાહતનો શ્વાસ લીધો હતો.

મુસાફરો સોશિયલ મીડિયા પર કંપનીને ટેગ કરીને ફરિયાદો કરી રહ્યા છે. એક ફરિયાદનો સ્ક્રીનશોટ.

મેડે કોલ (Mayday Call) શું છે?

ઘણા લોકોના મનમાં પ્રશ્ન થાય છે કે આ 'મેડે કોલ' શું હોય છે? વાસ્તવમાં, MAYDAY શબ્દ ફ્રેન્ચ શબ્દ 'm'aider' પરથી ઉતરી આવ્યો છે, જેનો અર્થ થાય છે 'મને મદદ કરો' (Help Me). જ્યારે પ્લેન કે જહાજમાં કોઈ એવી ગંભીર ટેકનિકલ ખામી સર્જાય કે જેમાં જીવનું જોખમ હોય, ત્યારે પાઈલટ રેડિયો દ્વારા ATC અથવા નજીકના અન્ય વિમાનોને આ સિગ્નલ મોકલે છે. મેડે કોલનો અર્થ એ છે કે વિમાનને તાત્કાલિક પ્રાધાન્ય આપીને લેન્ડિંગ માટે મદદની જરૂર છે.

આ પણ વાંચો: નાલંદામાં શીતળા માતા મંદિરે નાસભાગ : દર્શન માટે ઉમટેલી ભીડમાં 8 શ્રદ્ધાળુઓના કરૂણ મોત, અનેક ઈજાગ્રસ્ત

તંત્ર દ્વારા તપાસ અને મુસાફરોની હાલાકી

ઈમરજન્સી લેન્ડિંગ બાદ ફ્લાઈટ IX-1523 ના તમામ 148 મુસાફરો અને ક્રૂ મેમ્બર્સને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા હતા. જોકે, લેન્ડિંગ પછી એરલાઇન્સની અવ્યવસ્થાને લઈ મુસાફરોએ સોશિયલ મીડિયા પર રોષ ઠાલવ્યો હતો. હેમરોન માઇકલ નામના મુસાફરે ફરિયાદ કરી હતી કે, અઢી કલાક વીતી જવા છતાં તેમને દિલ્હી જવા માટે કોઈ વૈકલ્પિક વ્યવસ્થા કે નવી ટિકિટ આપવામાં આવી નહોતી. જોકે, પાછળથી કેટલાક મુસાફરોને હોટલમાં રોકવામાં આવ્યા હતા અને બાકીનાને અન્ય ફ્લાઈટ્સ દ્વારા દિલ્હી રવાના કરવામાં આવ્યા હતા.

તકનીકી તપાસ ચાલુ: ધુમાડાનું કારણ અકબંધ

હાલમાં એર ઈન્ડિયા એક્સપ્રેસની આ ફ્લાઈટ લખનઉ એરપોર્ટના ટર્મિનલ-3 પર ઉભી રાખવામાં આવી છે. સિક્યોરિટી અને ટેકનિકલ એન્જિનિયરોની ટીમ વિમાનની બારીકાઈથી તપાસ કરી રહી છે. પ્રાથમિક તપાસમાં ધુમાડો નીકળવાનું કોઈ સચોટ કારણ બહાર આવ્યું નથી, પરંતુ એવિઓનિક પેનલમાં શોર્ટ સર્કિટ થઈ હોવાની આશંકા છે. રડારના વિઝ્યુઅલ્સ પરથી પણ જોઈ શકાય છે કે, કઈ રીતે વિમાને આકસ્મિક વળાંક લઈને લખનઉ તરફ રૂટ ડાયવર્ટ કર્યો હતો.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now
બંગાળમાં ભાજપનો મોટો દાવ
નાલંદામાં શીતળા માતા મંદિરે નાસભાગ
INS Vikrant બચાવનાર મહિલા જાસૂસ
ખેડૂતો માટે ખુશખબર!