Home National Bihar Nalanda Sheetla Mata Temple Stampede 8 Women Live Lost Many Injured

નાલંદામાં શીતળા માતા મંદિરે નાસભાગ : દર્શન માટે ઉમટેલી ભીડમાં 8 શ્રદ્ધાળુઓના કરૂણ મોત, અનેક ઈજાગ્રસ્ત

Bihar Nalanda Stampede
Published by: Nirali Gohil
Last Updated: Mar 31, 2026, 07:12 AM IST

Nalanda Temple Stampede: બિહારના નાલંદા જિલ્લામાંથી એક હૃદયદ્રાવક સમાચાર સામે આવ્યા છે. મંગળવારે ચૈત્ર માસના અંતિમ મંગળવાર નિમિત્તે શીતલા માતાના મંદિરે દર્શન કરવા ઉમટેલી હજારોની ભીડમાં અચાનક નાસભાગ મચી ગઈ હતી. આ ગમખ્વાર ઘટનામાં 8 શ્રદ્ધાળુઓના દબાઈ જવાથી કરૂણ મોત નીપજ્યા છે, જ્યારે અનેક લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે. વહીવટી તંત્રની ઘોર બેદરકારીને કારણે આ દુર્ઘટના સર્જાઈ હોવાના આક્ષેપો થઈ રહ્યા છે.

ચૈત્રના અંતિમ મંગળવારે ઉમટ્યું માનવમહેરામણ: વ્યવસ્થાના નામે મીંડું

નાલંદાના પ્રસિદ્ધ શીતલા માતા મંદિરે ચૈત્ર મહિનાના છેલ્લા મંગળવારે પૂજા-અર્ચનાનું વિશેષ મહત્વ હોય છે, જેના કારણે વહેલી સવારથી જ મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા હતા. પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર, મંદિર પરિસરમાં પોલીસ અને વહીવટી તંત્રનો બંદોબસ્ત નહિવત જેવો હતો. દર્શનની ઉતાવળમાં કેટલાક શ્રદ્ધાળુઓએ કતાર તોડવાનો પ્રયાસ કર્યો અને એકબીજા ઉપર ચઢી જવાની હોડ લાગી. આ અરાજકતા જોતજોતામાં ભયાનક નાસભાગમાં ફેરવાઈ ગઈ હતી. લોકો જીવ બચાવવા દોડવા લાગ્યા અને એકબીજા નીચે કચડાતા ગયા, જેના પરિણામે મંદિરનું પવિત્ર પ્રાંગણ ચીસોથી ગુંજી ઉઠ્યું હતું.

આ પણ વાંચો: INS Vikrant બચાવનાર મહિલા જાસૂસ : પિતાની છેલ્લી ઇચ્છા પૂરી કરવા લીધેલું જોખમ, જાણો કોની થઈ રહી છે વાત

8 લોકોના મોત, અનેક ઈજાગ્રસ્ત

ઘટનાની જાણ થતા જ પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો અને બચાવ કામગીરી શરૂ કરી હતી. ડઝનથી વધુ લોકોને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જ્યાં ડોક્ટરોએ 8 શ્રદ્ધાળુઓને મૃત જાહેર કર્યા હતા. ઈજાગ્રસ્તો પૈકી અડધો ડઝનથી વધુ લોકોની હાલત હજુ પણ નાજુક હોવાનું કહેવાય છે, જેના કારણે મૃત્યુઆંક વધવાની આશંકા સેવાઈ રહી છે. હાલ હોસ્પિટલમાં ઘાયલોની સારવાર ચાલી રહી છે અને પરિસરમાં શોકનું મોજું ફરી વળ્યું છે.

રાષ્ટ્રપતિના કાર્યક્રમને કારણે વ્યવસ્થામાં ખામી?

આ દુર્ઘટના પાછળ એક મોટું કારણ સુરક્ષામાં થયેલી ચૂક હોવાનું મનાય છે. નોંધનીય છે કે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ પણ આજે નાલંદામાં જ છે. તેઓ નાલંદા યુનિવર્સિટીના દીક્ષાંત સમારોહમાં હાજરી આપવા આવ્યા હોવાથી પોલીસ-પ્રશાસનનું સંપૂર્ણ ધ્યાન ત્યાં કેન્દ્રિત હતું. એવું માનવામાં આવે છે કે રાષ્ટ્રપતિના પ્રોટોકોલ અને કાર્યક્રમની વ્યસ્તતાને કારણે શીતલા માતા મંદિર જેવા આસ્થાના કેન્દ્ર પર પૂરતા પોલીસ જવાનો તૈનાત કરવામાં આવ્યા નહોતા. શ્રદ્ધાળુઓ આક્ષેપ કરી રહ્યા છે કે જો યોગ્ય આયોજન હોત તો આ માસૂમ જીવ બચાવી શકાયા હોત.

પોલીસ-પ્રશાસન પર ઉઠ્યા પ્રશ્નો

ચૈત્ર માસમાં જ્યાં દર વર્ષે હજારો લોકો ઉમટે છે, ત્યાં સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા ભીડ નિયંત્રણ માટે કેમ કોઈ વ્યવસ્થા કરવામાં ન આવી? આ સવાલ હવે નાલંદાના લોકો પૂછી રહ્યા છે. પ્રત્યક્ષદર્શીઓના મતે તંત્રની બેદરકારીએ જ આ ઉત્સવને માતમમાં ફેરવી દીધો છે. હાલમાં સમગ્ર વિસ્તારમાં તણાવપૂર્ણ શાંતિ છે અને પોલીસ પરિસ્થિતિને કાબૂમાં લેવાનો પ્રયાસ કરી રહી છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now
બંગાળમાં ભાજપનો મોટો દાવ
પાઈલટે કર્યો 'મેડે કોલ' અને ખુલ્યા ઓક્સિજન માસ્ક
INS Vikrant બચાવનાર મહિલા જાસૂસ
ખેડૂતો માટે ખુશખબર!