Home Gujarat Kodinar Political Shift Bjp Leaders Join Congress Solanki Support

સૌરાષ્ટ્રમાં ભાજપમાં સૌથી મોટું ગાબડું! : ઘણા દિગ્ગજોએ 'કેસરિયા' સાથે છેડો ફાડ્યો, જાણો શું છે સ્થિતિ

સૌરાષ્ટ્ર નો લોગો અને ભાજપ અને કોંગ્રેસનો નું નિશાન
Published by: Chintan Chavda
Last Updated: Apr 05, 2026, 07:27 AM IST

ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર તાલુકામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા રાજકીય ચહલપહલ તેજ બની છે. સિંધાજ ગામે યોજાયેલી કોંગ્રેસની બેઠક બાદ રાજકારણમાં મોટા ફેરફારની શક્યતાઓ ઊભી થઈ છે. આ બેઠકમાં ભાજપના પૂર્વ સંસદીય સચિવ અને કોડીનારના પૂર્વ ધારાસભ્ય જેઠાભાઈ સોલંકીએ કોંગ્રેસને ખુલ્લું સમર્થન આપતાં રાજકીય ચર્ચાઓ ગરમાઈ ગઈ છે.

ભાજપના નેતાઓ કોંગ્રેસમાં જોડાયા

આ બેઠક દરમિયાન ભાજપના દિગ્ગજ નેતા સુનિલ રાઠોડે સત્તાવાર રીતે કોંગ્રેસમાં પ્રવેશ કર્યો હતો. તેમને સિંધાજ જિલ્લા પંચાયત બેઠક પરથી કોંગ્રેસના ઉમેદવાર તરીકે જાહેર કરવામાં આવ્યા છે. તેમના સાથે 12 ગામોના કાર્યકરો અને સમર્થકોનો મોટો જૂથ પણ ભાજપ છોડીને કોંગ્રેસમાં જોડાયો હોવાનું જાણવા મળ્યું છે.

હજારો કાર્યકરોના પક્ષપલટાથી ખળભળાટ

સુનિલ રાઠોડના નિવાસસ્થાને યોજાયેલી બેઠકમાં આશરે એક હજારથી વધુ લોકો ઉપસ્થિત રહ્યા હતા. કોંગ્રેસના જિલ્લા પ્રમુખ પૂજા વંશ, તાલુકા પ્રમુખ પિન્ટુ બારડ, પૂર્વ મહામંત્રી પ્રવિણસિંહ ઝાલા સહિત અનેક નેતાઓ હાજર રહ્યા હતા. આ બેઠકમાં ભાજપના નેતાઓની હાજરી ખાસ ચર્ચાનો વિષય બની હતી.

જેઠા સોલંકીનું મહત્વપૂર્ણ સમર્થન

જેઠા સોલંકીએ હજુ સત્તાવાર રીતે કોંગ્રેસમાં પ્રવેશ કર્યો નથી, પરંતુ તેમણે કોંગ્રેસના ઉમેદવારને ખુલ્લું સમર્થન આપ્યું છે. સ્થાનિક સ્વરાજ્યની તમામ બેઠકો પર કોંગ્રેસને જીતાડવા માટે તેમણે હાકલ પણ કરી છે. નજીકના સમયમાં તેઓ કોંગ્રેસમાં સત્તાવાર રીતે જોડાશે તેવી શક્યતા વ્યક્ત થઈ રહી છે.

આ પણ વાંચો: ભાજપમાં 'ભીષ્મ પિતામહો'ને આરામ, હવે યુવા શક્તિના હાથમાં કમાન : બહારનાને ટિકિટ મળશે તો બબાલ થશે! જૂના જોગીઓએ પક્ષને ફેંક્યો પડકાર

આંતરિક રાજકારણમાં નવા સમીકરણો

જિલ્લા પંચાયતની 5 બેઠકો જીતવા માટે કોંગ્રેસે નવી રણનીતિ ઘડી છે, જેમાં જેઠા સોલંકીનો સહયોગ મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યો છે. ભાજપના ગઢ ગણાતા કોડીનારમાં એકસાથે મોટા પ્રમાણમાં કાર્યકરોના પક્ષપલટાથી રાજકીય સમીકરણો બદલાઈ રહ્યા છે.

આ સમગ્ર ઘટનાક્રમને કારણે ગીર સોમનાથ જિલ્લામાં આવનારી ચૂંટણી વધુ રસપ્રદ બનવાની સંભાવના છે. હવે ભાજપને મળેલા આ પડકાર સામે તે કેવી રીતે પ્રતિક્રિયા આપે છે અને કોંગ્રેસને આનો કેટલો ફાયદો થાય છે, તે આગામી દિવસોમાં સ્પષ્ટ થશે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now