ગુજરાતમાં મતદાન પૂર્વે એક વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે, જેમાં કરશનબાપુ ભાદરકાએ મતદારોને સંબોધતા મહત્વપૂર્ણ સંદેશ આપ્યો છે. વીડિયોમાં તેઓએ લોકોને વિચારપૂર્વક મતદાન કરવાની અપીલ કરી છે અને સાથે જ રાજકીય પક્ષોને લઈને કેટલાક તીખા નિવેદનો પણ આપ્યા છે. કરશનબાપુએ પોતાના સંદેશની શરૂઆત એક લોકપ્રિય કહેવત જેવા વાક્યથી કરી કે, 'પાકળ બકરું પકડાવીને કોઈ તમારું ખાડુ ના લઈ જાય એ જોજો' આ વાક્ય દ્વારા તેમણે મતદારોને કહ્યું કે કોઈના પ્રભાવમાં આવીને પોતાનું હિત ન ગુમાવી બેસો તે જોજો.
'રાષ્ટ્ર માટે કોણે શું કર્યું છે તે યાદ રાખો'
વીડિયોમાં રશનબાપુ ભાદરકાએ સ્પષ્ટ કહ્યું કે મતદાન કરતાં પહેલાં મતદારોએ વિચારવું જોઈએ કે કયા રાજકીય પક્ષે દેશ અને રાજ્ય માટે વાસ્તવમાં શું કામ કર્યું છે. તેમણે ઉમેર્યું કે ઉમેદવાર કરતાં પક્ષની કાર્યશૈલી અને ભૂતકાળના કામને ધ્યાનમાં રાખવું જોઈએ. તેમણે ધર્મના મુદ્દે પણ મહત્વની વાત કરી. કહ્યું કયા પક્ષે “કર્મનો ધર્મ” સાચા અર્થમાં નિભાવ્યો છે તે પણ જોવું.
કરશનબાપુએ પોતાના સંદેશમાં કહ્યું કે હવે સમય આવી ગયો છે કે મતદારો સ્વાર્થ માટે ધર્મની વાતો કરનાર રાજકીય તત્વોને ઓળખે અને તેમને યોગ્ય જવાબ આપે. તેમણે આ વાતને ભારપૂર્વક રજૂ કરી કે મતદાન માત્ર રાજકીય ફરજ નથી પરંતુ એક જવાબદારી છે જે સમજદારીથી નિભાવવી જોઈએ.
આ પણ વાંચો: અમદાવાદમાં હાઈ-પ્રોફાઇલ મતદાન : PM,HM અને CM કરશે મતદાન, રાણીપથી PM અને નારણપુરાથી HM કરશે મતદાન
કોંગ્રેસ માટે ખુલ્લી અપીલ
આ વીડિયોમાં તેમણે ખુલ્લે આમ કોંગ્રેસ પક્ષને મત આપવા અપીલ કરી. તેમણે કોંગ્રેસને “માવતર પાર્ટી” કહીને સંબોધી અને ગુજરાત તેમજ દેશ માટે કોંગ્રેસે કરેલા કાર્યોને યાદ કરીને મતદાન કરવાની વિનંતી કરી. તેમના મુજબ, મતદારોને ભૂતકાળના વિકાસ અને નીતિઓના આધારે નિર્ણય લેવો જોઈએ અને ભાવનાત્મક પ્રભાવમાં આવીને મતદાન ન કરવું જોઈએ.
કરશનબાપુએ ભાજપ અને આમ આદમી પાર્ટી અંગે પણ વિવાદાસ્પદ નિવેદનો આપ્યા. કહ્યું કે આમ આદમી પાર્ટી, ભાજપ માટે “મત તોડવાનું સાધન” તરીકે કાર્ય કરી રહી છે. તેમણે દાવો કર્યો કે આમ આદમી પાર્ટી ટૂંક સમયમાં ભાજપમાં જ સમાઈ જશે. સાથે જ તેમણે કહ્યું કે “સાવરણાને મત એટલે ભાજપને મત,” જે રાજકીય રીતે ગંભીર આક્ષેપ માનવામાં આવે છે.
આ પણ વાંચો: “મારો એક મત શું ફેર પાડશે?” : લોકશાહીના આ ભ્રમ તોડતો સંદેશ, 100% મતદાન માટે અપીલ
આ વીડિયો સામે આવ્યા બાદ રાજકીય વર્તુળોમાં ચર્ચા તેજ થઈ છે. જો કે, આ નિવેદનો અંગે અન્ય પક્ષો તરફથી સત્તાવાર પ્રતિક્રિયા હજુ સામે આવી નથી. આવા વીડિયો અને સંદેશાઓ મતદારોના મન પર કેટલી અસર કરે છે તે મતદાનના પરિણામોમાં સ્પષ્ટ થશે. મતદારો માટે હાલનો મુખ્ય સંદેશ એ છે કે તેઓ તમામ પાસાઓનું મૂલ્યાંકન કરીને જ પોતાનાં મતાધિકારનો ઉપયોગ કરે.





