ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને લઈને રાજકીય માહોલ ચરમસીમાએ પહોંચી ગયો છે અને હવે મતદાનની ક્ષણો નજીક આવી રહી છે. 26 એપ્રિલ 2026ના રોજ મહાનગરપાલિકા, નગરપાલિકા, જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયત માટે મતદાન યોજાવાનું છે. સવારે 7 વાગ્યાથી સાંજે 6 વાગ્યા સુધી મતદાન પ્રક્રિયા ચાલશે, જ્યારે મતગણતરી 28 એપ્રિલે કરવામાં આવશે. ખાસ કરીને અમદાવાદમાં આ વખતે મતદાનને લઈને વિશેષ ઉત્સાહ જોવા મળી રહ્યો છે, કારણ કે અનેક ટોચના રાજકીય નેતાઓ પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા માટે શહેરમાં હાજર રહેવાના છે.
ચૂંટણીમાં સૌથી વધુ ધ્યાન આકર્ષણનું કેન્દ્ર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી રહેશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અમદાવાદના રાણીપ મતવિસ્તાર ખાતે મતદાન કરશે. જોકે આ અંગે હજુ સુધી કોઈ સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી નથી. જો તેઓ અમદાવાદ આવી શકશે નહીં તો તેઓ દિલ્હી ખાતે બેલેટ પેપરથી મતદાન કરે તેવી શક્યતાઓ પણ વ્યક્ત કરવામાં આવી રહી છે.
આ પણ વાંચો: “મારો એક મત શું ફેર પાડશે?” : લોકશાહીના આ ભ્રમ તોડતો સંદેશ, 100% મતદાન માટે અપીલ
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સવારે 10થી 11 વાગ્યાની વચ્ચે નારણપુરા વિસ્તારમાં અંકુર ચાર રસ્તા પાસે આવેલા કામેશ્વર મહાદેવ નજીકની સબ ઝોનલ ઓફિસ ખાતે પોતાના પરિવાર સાથે મતદાન કરશે.
રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સવારે 8:30 વાગ્યે શીલજ પ્રાથમિક શાળામાં મતદાન કરીને પોતાની ફરજ નિભાવશે. આ સાથે ભાજપ અને અન્ય નેતાઓ પણ મતદાન કરશે. અમદાવાદમાં ભાજપના પ્રદેશ પ્રમુખ જગદિશ વિશ્વકર્મા ઠક્કરબાપાનગર વિસ્તારમાં મારુતિ પ્લાઝાની સામે આવેલી સરદાર પટેલ સ્કૂલ ખાતે મતદાન કરશે.
આ પણ વાંચો: મહીસાગર જિલ્લા અને તાલુકા પંચાયતની કેટલી બેઠકો પર થશે મતદાન : કેટલા છે મતદાતા જોણો સમગ્ર વિગત
આ ઉપરાંત રાજ્યના મંત્રીઓ, ધારાસભ્યો અને અન્ય શહેરી નેતાઓ મળીને લગભગ 30 જેટલા અગ્રણી રાજકીય ચહેરાઓ અમદાવાદમાં જ મતદાન કરશે. આથી શહેરમાં મતદાન દિવસને લઈને ખાસ ઉત્સુકતા અને સુરક્ષાની દૃષ્ટિએ વિશેષ વ્યવસ્થા ગોઠવવામાં આવી રહી છે.
આ પણ વાંચો: મતદાન પૂર્વે વડોદરામાં લોખંડી બંદોબસ્ત : CRPFનું સંવેદનશીલ વિસ્તારોમાં સઘન ફૂટ પેટ્રોલિંગ
હાઈ-પ્રોફાઇલ મતદાનને ધ્યાનમાં રાખીને પોલીસ અને વહીવટી તંત્રએ શહેરમાં કડક સુરક્ષા ગોઠવી છે. સંવેદનશીલ મતદાન મથકો પર વધારાનો બંદોબસ્ત રાખવામાં આવ્યો છે અને VVIP મૂવમેન્ટને ધ્યાનમાં રાખીને ટ્રાફિક વ્યવસ્થા પણ સુચારુ કરવામાં આવી છે.
મતદાન મથકો પર મતદારોને કોઈ અગવડ ન પડે તે માટે જરૂરી સુવિધાઓ કરવામાં આવી છે. ગરમીને ધ્યાનમાં રાખીને પાણી અને આરોગ્ય સંબંધિત વ્યવસ્થા પણ કરવામાં આવી છે. આ ચૂંટણી સ્થાનિક સ્તરે વિકાસ અને શાસનની દિશા નક્કી કરતી હોવાથી મતદારો માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. શહેરમાં મોટા નેતાઓ મતદાન કરવા આવી રહ્યાં હોવાથી મતદારોમાં પણ ઉત્સાહ વધ્યો છે. ચૂંટણી તંત્રએ તમામ મતદારોને અપીલ કરી છે કે તેઓ પોતાના મતાધિકારનો ઉપયોગ કરીને લોકશાહી મજબૂત બનાવે.





