વડોદરા શહેરમાં આવતીકાલે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું મતદાન યોજાનાર છે, ત્યારે વડોદરા પોલીસ તંત્ર સંપૂર્ણપણે 'એલર્ટ મોડ'માં આવી ગયું છે. ચૂંટણીના પડઘમ શાંત થયા બાદ હવે કોઈ અનિચ્છનીય બનાવ ના બને અને કાયદો-વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તે માટે પોલીસ અને CRPFની સંયુક્ત ટીમોએ શહેરના ખૂણેખૂણે કડક સુરક્ષા વ્યવસ્થા ગોઠવી દીધી છે. રવિવારે થનારા મતદાન પૂર્વે પોલીસ પ્રશાસને ખાસ કરીને સંવેદનશીલ ગણાતા વિસ્તારોમાં સઘન ચેકિંગ અને ફૂટ પેટ્રોલિંગ હાથ ધર્યું છે.
શહેરના નવાયાર્ડ જેવા વિસ્તારોમાં ડીસીપી (DCP) સહિતના ઉચ્ચ અધિકારીઓનો કાફલો મેદાનમાં ઉતર્યો હતો. પોલીસ અને સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ (CRPF)ના જવાનોએ સંયુક્ત રીતે ફ્લેગ માર્ચ યોજી અસામાજિક તત્વોને કડક સંદેશ આપ્યો છે.
આ પણ વાંચો: 'રોક શકો તો રોક લો'.. વડોદરાના માંજલપુરના MLA યોગેશ પટેલનો વિજય હુંકાર : આરોપોનો આપ્યો જવાબ
મુખ્ય સુરક્ષાનાં પગલાં
શહેરના સાંકડા ગલી-મહોલ્લાઓ અને સંવેદનશીલ બૂથો પર સતત નિરીક્ષણ, શહેરના પ્રવેશદ્વારો અને મુખ્ય રસ્તાઓ પર ચેકપોસ્ટ ઊભી કરી વાહનોની સઘન તપાસ, DCP અને ACP કક્ષાના અધિકારીઓ જાતે જ સંવેદનશીલ વિસ્તારોમાં પરિસ્થિતિની સમીક્ષા કરી રહ્યાં છે, સ્થાનિક રહીશો સાથે સંવાદ કરી નિર્ભય બનીને અને શાંતિપૂર્ણ રીતે મતદાન કરવા અપીલ કરવામાં આવી છે.
આ પણ વાંચો: વડોદરાનાં માંજલપુરમાં મતદાન પૂર્વે પોસ્ટર વોર : આયાતી ઉમેદવાર વિરુદ્ધ પોસ્ટર્સ લાગતા રાજકીય હલચલ
શાંતિપૂર્ણ મતદાન માટે પોલીસની તૈયારી
પોલીસ તંત્રએ સમગ્ર શહેરમાં સુરક્ષાના ચુસ્ત કવચ હેઠળ મતદાન પ્રક્રિયા પૂર્ણ થાય તેવું આયોજન કર્યું છે. કોઈ પણ પ્રકારની અફવા કે ગેરરીતિ ન ફેલાય તે માટે સોશિયલ મીડિયા પર પણ બાજ નજર રાખવામાં આવી રહી છે. નવાયાર્ડ અને આસપાસના વિસ્તારોમાં હાથ ધરાયેલા ફૂટ પેટ્રોલિંગ દરમિયાન પોલીસ અધિકારીઓએ મતદારોને ખાતરી આપી હતી કે તેઓ કોઈ પણ ડર વગર પોતાના મતાધિકારનો ઉપયોગ કરી શકે છે.
ચૂંટણી દરમિયાન કોઈ પણ પ્રકારની ગડબડ કરનારા તત્વો સામે કડક કાયદેસરની કાર્યવાહી કરવાની ચીમકી પણ તંત્રએ ઉચ્ચારી છે. આમ, વડોદરામાં લોકશાહીના પર્વને નિર્વિઘ્ને ઉજવવા માટે પોલીસ અને અર્ધલશ્કરી દળોએ કમર કસી છે.






