Home Gujarat Vadodara Yogesh Patel Manajalpur Bjp Election Claim

'રોક શકો તો રોક લો'.. વડોદરાના માંજલપુરના MLA યોગેશ પટેલનો વિજય હુંકાર : આરોપોનો આપ્યો જવાબ

વડોદરાના માંજલપુરના MLA યોગેશ પટેલની છબી
Play Video
Published by: Niraj Chokshi
Last Updated: Apr 25, 2026, 11:48 AM IST

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના મતદાનના આડે હવે ગણતરીના કલાકો જ બાકી છે ત્યારે રાજકીય માહોલ ગરમાયો છે. વડોદરાના માંજલપુર વિસ્તારમાં આંતરિક વિખવાદ અને વિવાદો વચ્ચે ભાજપના સૌથી સિનિયર ધારાસભ્ય યોગેશ પટેલે મોરચો સંભાળતા વિપક્ષોને ખુલ્લો પડકાર ફેંક્યો છે. તેમણે આત્મવિશ્વાસ સાથે જણાવ્યું હતું કે, "રોક સકો તો રોક લો, માંજલપુરની તમામ બેઠકો પર ભાજપનો જ વિજય થશે."

વિકાસના જોરે વિજયનો વિશ્વાસ

ધારાસભ્ય યોગેશ પટેલે જણાવ્યું હતું કે, માંજલપુર વિધાનસભા હેઠળ આવતા વોર્ડ નંબર 17, 18 અને 19માં નીલેશ રાઠોડ, નરેન્દ્ર પટેલ અને પરેશ બ્રહ્મભટ્ટની આગેવાનીમાં અભૂતપૂર્વ વિકાસ કાર્યો થયા છે. સોસાયટીઓ હોય, નગરો હોય કે ગ્રામ્ય વિસ્તારો, દરેક જગ્યાએ ભાજપે કામ કર્યું છે. તેમણે મક્કમતાથી કહ્યું કે, "માંજલપુરના મતદારોને ભારતીય જનતા પાર્ટી પર અતૂટ વિશ્વાસ છે, એટલે જ હું છાતી ઠોકીને કહું છું કે અમારો 12માંથી 12 સીટો પર વિજય થશે. કોંગ્રેસે જે કરવું હોય તે કરે, અમારી જીત નક્કી છે."

આ પણ વાંચો: વડોદરાનાં માંજલપુરમાં મતદાન પૂર્વે પોસ્ટર વોર : આયાતી ઉમેદવાર વિરુદ્ધ પોસ્ટર્સ લાગતા રાજકીય હલચલ

કોંગ્રેસના આક્ષેપો અને EVM પર વળતો પ્રહાર

કોંગ્રેસે EVM અને ચૂંટણી ખર્ચ બાબતે આક્ષેપો કર્યા હતા જેનો જવાબ આપતા ધારાસભ્ય યોગેશ પટેલે કહ્યું, ચૂંટણી ખર્ચની વિગતો કલેક્ટર કચેરીએ સત્તાવાર રીતે દેખાશે જ. સત્તા સામે કોઈ કંઈ કરી શકતું નથી તેવી વાતો પાયાવિહોણી છે. "જો કોઈ કોન્ટ્રાક્ટર ખોટું કામ કરે તો લોકો મને સીધો કોલ કરી શકે છે. અમે વિવાદને નહીં પણ વિકાસને વરેલા છીએ."

આ પણ વાંચો: ચૂંટણીના માહોલ વચ્ચે આમ આદમી પાર્ટીનું Instagram એકાઉન્ટ થયું બંધ : વધ્યો રાજકીય ગરમાવો

બળવાખોરો અંગે સ્પષ્ટતા

પોતાના લાંબા રાજકીય કરિયરનો ઉલ્લેખ કરતા તેમણે જણાવ્યું કે, 38 વર્ષના ગાળામાં તેમણે ક્યારેય સરકાર પાસેથી મેડિકલ ખર્ચના નાણાં લીધા નથી. હાર્ટ ઓપરેશનના 30 લાખનો ખર્ચ પણ તેમણે સ્વખર્ચે કર્યો છે. જ્યારે પક્ષમાં જોવા મળતા બળવાખોર સૂર અંગે પૂછવામાં આવ્યું ત્યારે તેમણે ટૂંકો અને સ્પષ્ટ જવાબ આપ્યો હતો કે, "બળવાખોરો સામે શું પગલાં લેવા તે પાર્ટીનું કામ છે, તે સંગઠન જોઈ લેશે."

આમ, મતદાન પૂર્વે જ યોગેશ પટેલે પોતાની આક્રમક શૈલીમાં વિરોધીઓને જવાબ આપી કાર્યકરોમાં નવો ઉત્સાહ ફૂંક્યો છે. હવે જોવાનું એ રહેશે કે આવતીકાલે મતદારો કોના પક્ષમાં પોતાનો જનાદેશ આપે છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now