Home Gujarat Vadodara Adodara Poster War Manajalpur Election

વડોદરાનાં માંજલપુરમાં મતદાન પૂર્વે પોસ્ટર વોર : આયાતી ઉમેદવાર વિરુદ્ધ પોસ્ટર્સ લાગતા રાજકીય હલચલ

આયાતી ઉમેદવાર વિરુદ્ધ લાગેલા પોસ્ટરની છબી
Play Video
Published by: Niraj Chokshi
Last Updated: Apr 25, 2026, 10:41 AM IST

વડોદરા શહેરમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના મતદાનના આડે હવે ગણતરીના કલાકો જ બાકી છે ત્યારે શહેરમાં રાજકીય માહોલ ચરમસીમાએ પહોંચી ગયો છે. ખાસ કરીને માંજલપુર વિસ્તારમાં મતદાનના ઠીક એક દિવસ અગાઉ ‘પોસ્ટર વોર’ શરૂ થતાં રાજકીય ગલિયારાઓમાં ભારે ચર્ચાઓ જાગી છે. ‘વડોદરા જાગૃત સમિતિ’ના નામે લાગેલા આ પોસ્ટરોમાં આયાતી ઉમેદવારોનો બહિષ્કાર કરી સ્થાનિક ઉમેદવારને જ પસંદ કરવાની અપીલ કરવામાં આવી છે.

આયાતી ઉમેદવારનો મુદ્દો ગુંજ્યો

માંજલપુર વિસ્તારના વોર્ડ નંબર 18માં વિવિધ મતદાન મથકો અને જાહેર સ્થળોએ રહસ્યમય રીતે પોસ્ટરો લગાવી દેવાયા હતા. આ પોસ્ટરોમાં સ્પષ્ટ શબ્દોમાં લખવામાં આવ્યું છે કે, સ્થાનિક વિસ્તારના ઉમેદવારને જ મતદાન કરશો, આયાતી ઉમેદવારને મતદાન કરવાથી દૂર રહેશો. મતદાન મથકોની બિલકુલ બહાર જ આ પ્રકારના મેસેજ લખેલા સ્ટીકરો જોવા મળતા મતદારો પણ ચોંકી ગયા.

આ પણ વાંચો: ચૂંટણીના માહોલ વચ્ચે આમ આદમી પાર્ટીનું Instagram એકાઉન્ટ થયું બંધ : વધ્યો રાજકીય ગરમાવો

તંત્રએ કરી ત્વરિત કાર્યવાહી

આ અંગેની જાણ થતાં જ વડોદરા મહાનગર પાલિકાનું તંત્ર હરકતમાં આવ્યું હતું. વોર્ડ નંબર 18ના વોર્ડ ઓફિસર જીગ્નેશભાઈ પ્રજાપતિએ જણાવ્યું હતું કે, સવારના સમયે રૂટ પર કોઈ બેનરો નહોતા પરંતુ બાદમાં તપાસ દરમિયાન કેટલાક નાના સ્ટીકરો ધ્યાન પર આવ્યા હતા. આચારસંહિતાના કડક અમલીકરણની જવાબદારી હોવાથી કુબેરશ્વર શાળા અને અન્ય બૂથો પાસે લાગેલા તમામ સ્ટીકરોને તાત્કાલિક ધોરણે હટાવી

દેવામાં આવ્યા છે.

આ પણ વાંચો: "લોકો ગૂગલ પર શોધી લે કે..." : પંજાબના ઉદાહરણ સાથે વિપક્ષ પર હર્ષ સંઘવીનો પ્રહાર

આચારસંહિતાના ભંગ અંગે સવાલો

ચૂંટણીની આચારસંહિતા મુજબ મતદાનનાં 48 કલાક પૂર્વે કોઈ પણ પ્રકારનો પ્રચાર કે પ્રલોભન આપતી સામગ્રી પ્રદર્શિત કરી શકાતી નથી. ત્યારે ‘વડોદરા જાગૃત સમિતિ’ના બેનર હેઠળ કોણે આ સ્ટીકરો લગાવ્યા તે તપાસનો વિષય બન્યો છે. આ પ્રકારના પોસ્ટરો ચોક્કસ પક્ષ કે ઉમેદવારના સમીકરણો બગાડવા માટે લગાવવામાં આવ્યા હોવાની શક્યતાઓ વ્યક્ત કરાઈ રહી છે. હાલ તો તંત્રએ આ તમામ વિવાદાસ્પદ પોસ્ટરો દૂર કરીને શાંતિપૂર્ણ મતદાન માટેની તૈયારીઓ પૂર્ણ કરી છે પરંતુ આ ‘પોસ્ટર વોર’ની અસર શું થશે તે જોવું રહ્યું.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now