આવતીકાલે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું મતદાન થવાનું છે, ત્યારે દરેક નાગરિકના મનમાં એક પ્રશ્ન અવારનવાર ઉઠતો હોય છે: "મારા એક મતમાં શું ફેર પડશે?" પરંતુ વાસ્તવિકતા એ છે કે તમારો આ એક જ વિચાર તમારા વિસ્તારને આગામી 5 વર્ષ સુધી વિકાસથી વંચિત રાખી શકે છે. લોકશાહીમાં મતદાન એ માત્ર અધિકાર નથી, પણ એક નૈતિક જવાબદારી છે.
લોકશાહીનું ગણિત: કઈ રીતે નકારાત્મક અસર પડે છે?
ચાલો એક સરળ ઉદાહરણથી સમજીએ. ધારો કે તમારા વિસ્તારમાં 1,00,000 મતદારો છે. જો માત્ર 50% લોકો જ મતદાન કરે (એટલે કે 50,000 મતો), અને ચૂંટણીમાં ત્રણ ઉમેદવારો વચ્ચે મુકાબલો હોય ઉમેદવાર A 25,000 મત, ઉમેદવાર B 15,000 મત, ઉમેદવાર C 10,000 મત અહીં ઉમેદવાર A વિજેતા બને છે. પરંતુ કડવું સત્ય એ છે કે વિસ્તારના 75,000 લોકોએ તેને પસંદ કર્યો નથી! જો મતદાન ન કરનારા 50,000 લોકોએ જાગૃત થઈને મત આપ્યો હોત, તો પરિણામ કંઈક અલગ અને કદાચ વધુ યોગ્ય હોત. આમ, મતદાન ન કરીને તમે અજાણતા એવા ઉમેદવારને સત્તા સોંપો છો જેને તમે કદાચ પસંદ પણ નથી કરતા.
સ્થાનિક પ્રશ્નો અને તમારી પસંદગી
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી તમારા રોજિંદા જીવન સાથે જોડાયેલી છે. રસ્તા, પાણી, ગટર, સ્ટ્રીટ લાઈટ અને આરોગ્ય જેવી મૂળભૂત સુવિધાઓનો આધાર તમે પસંદ કરેલા પ્રતિનિધિ પર છે. જો આપણે 100% મતદાન નહીં કરીએ, તો ભવિષ્યમાં તંત્ર સામે ફરિયાદ કરવાનો આપણો નૈતિક અધિકાર પણ નબળો પડી જાય છે. યાદ રાખો – તમારો ‘મત’ માત્ર કાગળનો ટુકડો કે EVMનું બટન નથી, પરંતુ તમારી અને તમારા પરિવારના ઉજ્જવળ ભવિષ્યની પસંદગીનો ‘અધિકાર’ છે."
આ પણ વાંચો: વડોદરા: સ્થાનિક સ્વરાજનો જંગ : 346 બેઠકો માટે 21.95 લાખ મતદારો નક્કી કરશે ભાવિ
ઘરે ન બેસો, લોકશાહીના પર્વમાં જોડાઓ
ઘણા લોકો રજાનો આનંદ માણી ઘરે બેસી રહે છે, પણ આ આળસ પાંચ વર્ષ સુધી ભારે પડી શકે છે. જાગૃત બનો અને તમારા મતાધિકારનો ઉપયોગ કરો. તમારો એક મત યોગ્ય પ્રતિનિધિને વિજય અપાવી શકે છે અને વિસ્તારના વિકાસને નવી ગતિ આપી શકે છે.
આવતીકાલે ઘરની બહાર નીકળો અને અચૂક મતદાન કરો. જો તમે આજે તમારી પસંદગી નહીં દર્શાવો, તો આવતીકાલે બીજા દ્વારા લાદવામાં આવેલી પસંદગી તમારે મજબૂરીમાં સ્વીકારવી પડશે. લોકશાહીના પાયાને મજબૂત બનાવવા માટે 100% મતદાન એ જ શ્રેષ્ઠ માર્ગ છે.





