Home Gujarat Vadodara Vadodara Election 2026 346 Seats Voting

વડોદરા: સ્થાનિક સ્વરાજનો જંગ : 346 બેઠકો માટે 21.95 લાખ મતદારો નક્કી કરશે ભાવિ

વડોદરા ચૂંટણી
Published by: Chintan Chavda
Last Updated: Apr 25, 2026, 12:03 PM IST

વડોદરા જિલ્લામાં લોકશાહીનો ઉત્સવ તેના ચરમસીમાએ પહોંચ્યો છે. આગામી રવિવારે વડોદરા મહાનગરપાલિકા સહિત જિલ્લા પંચાયત, 8 તાલુકા પંચાયત અને ડભોઈ, પાદરા, સાવલી તથા વાઘોડિયા નગરપાલિકાની સામાન્ય ચૂંટણી યોજાશે. આ ચૂંટણીમાં કુલ 346 બેઠકો પર ભાવિ નક્કી કરવા માટે 21,95,738 મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે.

ચૂંટણીના આંકડાકીય સમીકરણો

વહીવટી તંત્રના જણાવ્યા અનુસાર, કુલ 1080 ફોર્મ માન્ય રહ્યા હતા, જેમાંથી 94 ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચ્યા છે. આ સિવાય 46 બેઠકો બિનહરીફ જાહેર થતા હવે કુલ 940 ઉમેદવારો વચ્ચે ચૂંટણી જંગ ખેલાશે. મતદાન પ્રક્રિયા માટે જિલ્લામાં 2406 મતદાન મથકો મંજૂર કરાયા છે. મતદારોમાં 11,16,473 પુરુષો, 10,79,384 સ્ત્રીઓ અને 111 અન્ય મતદારોનો સમાવેશ થાય છે.

EVM અને ટેકનિકલ વ્યવસ્થા

ચૂંટણી પારદર્શક રીતે યોજાય તે માટે 5442 બેલેટ યુનિટ અને 4290 કંટ્રોલ યુનિટ ફાળવવામાં આવ્યા છે. ખાસ કરીને વડોદરા મહાનગરપાલિકાની 8 બેઠકો અને ડભોઈ નગરપાલિકામાં ઉમેદવારોની સંખ્યા વધુ હોવાથી ત્યાં 2-2 બેલેટ યુનિટનો ઉપયોગ કરવામાં આવશે. સરકારી સ્ટાફ અને પોલીસ માટે 5623 પોસ્ટલ બેલેટ ઈસ્યૂ કરાયા હતા, જેની મતદાન પ્રક્રિયા પૂર્ણ થઈ ચૂકી છે.

ચુસ્ત પોલીસ બંદોબસ્ત અને વહીવટી સજ્જતા

શાંતિપૂર્ણ મતદાન માટે પોલીસ તંત્ર સજ્જ છે. જિલ્લા પોલીસવડા સુશીલ અગ્રવાલના માર્ગદર્શન હેઠળ 5 DYSP, 22 PI, 53 PSI અને 1365 પોલીસ જવાનો તૈનાત રહેશે.

1545 હોમગાર્ડ/GRD અને SRPની ટુકડીઓ કાર્યરત રહેશે.

કાયદો-વ્યવસ્થા જાળવવા શહેરી અને ગ્રામ્ય વિસ્તારમાંથી કુલ 2485 હથિયારો જમા લેવામાં આવ્યા છે.


આ પણ વાંચો: લોકશાહીના પર્વ પર ગરમીની ‘સ્ટ્રાઈક’ : વડોદરાના રણમેદાનમાં ઉમેદવારો કેમ ચિંતામાં મુકાયા?

જાગૃતિ અભિયાન

મતદાનની ટકાવારી વધારવા માટે 'સ્વીપ' પ્રવૃત્તિ હેઠળ સોશિયલ મીડિયા અને 70થી વધુ LED ડિસ્પ્લે દ્વારા જનજાગૃતિ ફેલાવવામાં આવી રહી છે. રવિવારે મતદાન થયા બાદ, મંગળવારે મતગણતરી હાથ ધરવામાં આવશે. જિલ્લા વહીવટી તંત્ર દ્વારા મતદારોને કોઈપણ ભય વગર અને ઉત્સાહપૂર્વક મતદાન કરવા અપીલ કરવામાં આવી છે

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now