Home Gujarat Vadodara Vadodara Election Heatwave Impact 2026 Local Body Polls

લોકશાહીના પર્વ પર ગરમીની ‘સ્ટ્રાઈક’ : વડોદરાના રણમેદાનમાં ઉમેદવારો કેમ ચિંતામાં મુકાયા?

Vadodara Elections, Heatwave Gujarat, Local Body Polls 2026
Published by: Nirali Gohil
Last Updated: Apr 25, 2026, 10:50 AM IST

વડોદરા: સંસ્કારી નગરી વડોદરામાં હાલમાં બે પ્રકારના ‘તાપ’ અનુભવાઈ રહ્યા છે. એક તરફ મહાનગરપાલિકાની ચૂંટણીનો રાજકીય ગરમાવો ચરમસીમાએ છે, તો બીજી તરફ આકાશમાંથી વરસી રહેલી અગનજ્વાળાઓએ જનજીવનને બાનમાં લીધું છે. ગઈકાલે 24 એપ્રિલના રોજ વડોદરામાં પારો 42 ડિગ્રીએ પહોંચતા સીઝનનો સૌથી ગરમ દિવસ નોંધાયો હતો. આ આકરા ઉનાળાની સીધી અસર આવતીકાલે રવિવારે યોજાનારા મતદાન પર પડવાની પૂરેપૂરી શક્યતા છે. રાજકીય પંડિતો અને ઉમેદવારો હવે એ ચિંતામાં છે કે, ગરમીના કારણે મતદારો ઘરની બહાર નીકળશે કે કેમ?

ગરમીનો પ્રકોપ: રસ્તાઓ પર ‘સ્વયંભૂ કરફ્યુ’ જેવો માહોલ

વડોદરામાં છેલ્લા બે દિવસથી લૂ (Heat Wave) ફૂંકાઈ રહી છે. શહેરના વ્યસ્ત ગણાતા વિસ્તારો જેવા કે અલકાપુરી, માંડવી, રાવપુરા અને સયાજીગંજમાં બપોરના સમયે રસ્તાઓ સૂમસામ ભાસી રહ્યા છે. લોકો ગરમીથી બચવા બપોરે બહાર નીકળવાનું ટાળી રહ્યા છે, જેને કારણે બજારોમાં પણ ‘સ્વયંભૂ કરફ્યુ’ જેવી સ્થિતિ સર્જાઈ છે. આ સ્થિતિ જો જો આવતીકાલે પણ રહી, તો બપોરના ગાળામાં મતદાન મથકો ખાલીખમ જોવા મળી શકે છે.

ઉમેદવારોની નવી વ્યૂહરચના: ‘બપોર પહેલા મતદાન પતાવો’

ગરમીને કારણે મતદાનની ટકાવારી ન ઘટે તે માટે ભાજપ, કોંગ્રેસ અને અન્ય પક્ષોએ રણનીતિ બદલી છે. ઉમેદવારો અને કાર્યકરો હવે મતદારોને રૂબરૂ મળીને કે સોશિયલ મીડિયા દ્વારા એક જ વિનંતી કરી રહ્યા છે: "સવારે વહેલા પધારો".

  • સવારે 7 થી 11 વાગ્યા સુધીમાં મહત્તમ મતદાન કરાવવા પર ભાર.

  • વૃદ્ધો અને અશક્ત મતદારોને વહેલી સવારે જ મતદાન મથકે પહોંચાડવાનું આયોજન.

  • ફેમિલી વોટિંગ સવારના ઠંડા પહોરમાં જ પતાવી દેવા અપીલ.

આ પણ વાંચો: મતદાન પૂર્વે વડોદરામાં લોખંડી બંદોબસ્ત : CRPFનું સંવેદનશીલ વિસ્તારોમાં સઘન ફૂટ પેટ્રોલિંગ

મતદાનની ટકાવારી ઘટવાનો ડર

સામાન્ય રીતે રવિવારની રજા હોવાને કારણે મતદાન ઊંચું જવું જોઈએ, પરંતુ ૪૨ ડિગ્રી તાપમાન આ આશા પર પાણી ફેરવી શકે છે. રાજકીય વિશ્લેષકો માને છે કે જો બપોર પછી મતદારો આળસ કરશે અથવા ગરમીના ડરથી બહાર નહીં નીકળે, તો મતદાનની ટકાવારી ૫ થી ૭ ટકા જેટલી ઘટી શકે છે. આ ઓછું મતદાન કયા પક્ષના સમીકરણો બગાડશે, તે જોવું રસપ્રદ રહેશે.

તંત્ર સજ્જ: છાંયડો અને ઠંડા પાણીની વ્યવસ્થા

ચૂંટણી પંચ અને પાલિકા તંત્ર પણ ગરમીના ખતરાથી વાકેફ છે. મતદાન મથકો પર મતદારોને તકલીફ ન પડે તે માટે વિશેષ વ્યવસ્થાઓ કરવામાં આવી છે:

  1. દરેક બૂથ પર પીવાના ઠંડા પાણીની વ્યવસ્થા.

  2. મતદાન મથકની બહાર લાઈનમાં ઉભા રહેવા માટે મોટા મંડપ અને છાંયડાની સગવડ.

  3. આકસ્મિક સ્થિતિમાં ‘હીટ સ્ટ્રોક’ના દર્દીઓ માટે મેડિકલ કિટની ઉપલબ્ધતા.

હવે જોવાનું એ રહેશે કે, વડોદરાના મતદારો ગરમીના આકરા મિજાજ સામે લોકશાહીના પર્વને કેટલો પ્રતિસાદ આપે છે. શું મતદારો ગરમીને મ્હાત આપીને મતદાન કરવા નીકળશે? તેનો જવાબ રવિવારે સાંજ સુધીમાં મળી જશે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now