Home Gujarat Junagadh Chemical Liquor Case Industrial Alcohol Mixed Drink Four Sick Two Critical

અગરબત્તીનું કેમિકલ દારૂ સમજી પી ગયા લોકો : 4 બીમાર, 2ની હાલત ગંભીર; આરોપીના ભત્રીજાએ કહ્યું-‘અમારા માલનું લેબોરેટરી કરાવી લો’..

Junagadh Chemical Alcohol Sale
Published by: Nirali Gohil
Last Updated: Jun 02, 2026, 12:24 PM IST

Junagadh Chemical Alcohol Sale: ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં ગેરકાયદે દારૂના ધંધાઓ અટકવાનું નામ લેતા નથી. જૂનાગઢ જિલ્લામાં સામે આવેલા એક ચોંકાવનારા કિસ્સાએ દારૂબંધીની અમલવારી પર ફરી સવાલો ઊભા કર્યા છે. અહીં અગરબત્તી બનાવવામાં વપરાતા કેમિકલ અને ઇન્ડસ્ટ્રીયલ આલ્કોહોલને પાણીમાં ભેળવી દારૂ તરીકે વેચાણ કરવામાં આવતું હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે. આ શંકાસ્પદ પીણું પીવાથી ચાર લોકોની તબિયત લથડી ગઈ હતી, જેમાંથી બે લોકોની હાલત હજુ પણ ગંભીર હોવાનું જણાવવામાં આવ્યું છે. ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને પોલીસે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી છે અને મુખ્ય આરોપીને ઝડપી લઈને પૂછપરછ શરૂ કરી છે. સાથે જ શંકાસ્પદ કેમિકલના નમૂનાઓ ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી (FSL)માં મોકલવામાં આવ્યા છે.

પીણું પીધા બાદ આંખે અંધારા અને શ્વાસ લેવામાં તકલીફ

ભોગ બનનાર પરિવારોના જણાવ્યા મુજબ, કેમિકલયુક્ત પીણું પીધા બાદ અસરગ્રસ્ત લોકોને અચાનક આંખે અંધારા આવવા લાગ્યા હતા. કેટલાક લોકોને ચક્કર, શ્વાસ લેવામાં તકલીફ અને છાતીમાં દુખાવાની ફરિયાદ થઈ હતી. પરિવારજનોએ જણાવ્યું હતું કે, સ્થિતિ ગંભીર બનતા દર્દીઓને પહેલા નજીકની હોસ્પિટલમાં અને ત્યારબાદ વધુ સારવાર માટે જૂનાગઢ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. હાલમાં બે દર્દીઓ વેન્ટિલેટર અને ડાયાલિસિસ પર સારવાર હેઠળ હોવાનું જાણવા મળ્યું છે.

આ પણ વાંચો: મેઘાણીનગરમાં ધોળા દિવસે યુવકની હત્યા: બાઇક પર આવેલા બે શખ્સોએ છરાના ઘા ઝીંકી મોતને ઘાટ ઉતાર્યો

અગરબત્તીના કેમિકલને દારૂ તરીકે વેચાણ કર્યાની કબૂલાત

જૂનાગઢના ઇન્ચાર્જ એસપી રોહિત ડાગરે જણાવ્યું કે, મુખ્ય આરોપીએ પૂછપરછ દરમિયાન ગુનાની કબૂલાત કરી છે. આરોપીએ સ્વીકાર્યું છે કે, તેણે અગરબત્તી ઉદ્યોગમાં વપરાતા એક કેમિકલ અને ઇન્ડસ્ટ્રીયલ આલ્કોહોલમાં પાણી ભેળવી તેને દારૂ તરીકે વેચાણ કર્યું હતું. પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે આ સમગ્ર કાવતરું માત્ર વધુ નફો કમાવવાના હેતુથી રચવામાં આવ્યું હતું. પોલીસે આરોપી ઉપરાંત તેના અન્ય સંભવિત સાગરીતોની ભૂમિકા અંગે પણ તપાસ શરૂ કરી છે.

FSL રિપોર્ટ બાદ વધુ ખુલાસાની શક્યતા

પોલીસે ઘટનાસ્થળ અને જપ્ત કરાયેલા પ્રવાહીમાંથી નમૂનાઓ એકત્ર કરીને ફોરેન્સિક તપાસ માટે મોકલ્યા છે. FSLનો રિપોર્ટ આવ્યા બાદ કેમિકલનું ચોક્કસ સ્વરૂપ અને તેની ઝેરી અસર અંગે વધુ માહિતી બહાર આવશે. અધિકારીઓના જણાવ્યા મુજબ, જો તપાસમાં ગંભીર બેદરકારી અથવા જીવલેણ કેમિકલના ઉપયોગની પુષ્ટિ થશે તો આરોપીઓ સામે કડક કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે.

મોતની અફવાઓને પોલીસે ફગાવી

ઘટના બાદ સોશિયલ મીડિયા પર એક વ્યક્તિના મૃત્યુની ચર્ચાઓ શરૂ થઈ હતી. જોકે, ઇન્ચાર્જ એસપી રોહિત ડાગરે સ્પષ્ટતા કરી છે કે કેમિકલયુક્ત પીણું પીવાના કારણે કોઈનું મૃત્યુ થયું નથી. તેમણે જણાવ્યું કે, જે વ્યક્તિના મોતની ચર્ચા ચાલી રહી છે તેનું મૃત્યુ હાર્ટ એટેકના કારણે થયું હોવાનું પ્રાથમિક તબીબી માહિતીમાં સામે આવ્યું છે. તેથી નાગરિકોએ અફવાઓથી દૂર રહેવું જોઈએ.

આ પણ વાંચો: જો તમે પણ બાળકોને પેપ્સી-ચોકલેટ આપો છો તો સાવધાન!: રાજકોટમાંથી 200 કિલોથી વધુ અખાદ્ય ચોકલેટ-વેફરનો જથ્થો ઝડપાયો

આરોપીના ભત્રીજાનો ચોંકાવનારો દાવો

મુખ્ય આરોપીની ધરપકડ બાદ તેનો ભત્રીજો મીડિયા સમક્ષ આવ્યો હતો. તેણે દાવો કર્યો હતો કે, તેમના દ્વારા વેચાતા માલમાં કોઈ કેમિકલ નથી અને જરૂર પડે તો તેમના માલની લેબોરેટરી તપાસ કરાવી શકાય છે.

તેમણે વધુમાં એવો પણ દાવો કર્યો કે, આસપાસના વિસ્તારમાં અનેક સ્થળોએ ખુલ્લેઆમ દારૂનું વેચાણ થાય છે. તેના આ નિવેદનથી ગેરકાયદે દારૂના વેપાર અંગે અનેક નવા સવાલો ઊભા થયા છે.

પોલીસનો કડક સંદેશ

પોલીસે જણાવ્યું છે કે, સમગ્ર મામલાની ઊંડાણપૂર્વક તપાસ ચાલી રહી છે અને દોષિતો સામે કડક કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે. સાથે જ નાગરિકોને કોઈપણ શંકાસ્પદ પીણું અથવા ગેરકાયદે વેચાતા દારૂથી દૂર રહેવાની અપીલ પણ કરવામાં આવી છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now