અમદાવાદ શહેરના મેઘાણીનગર વિસ્તારમાં ધોળા દિવસે બનેલી હત્યાની ઘટનાએ સમગ્ર વિસ્તારમાં ચકચાર મચાવી દીધી છે. ગુલબર્ગ સોસાયટીની સામે જાહેર રોડ પર હરેશ દશરથભાઈ પટણી નામના યુવકની અજાણ્યા હુમલાખોરોએ છરાના ઘા મારીને હત્યા કરી નાખતા સ્થાનિકોમાં ભય અને રોષનો માહોલ સર્જાયો હતો. બનાવ બાદ મોટી સંખ્યામાં લોકો ઘટનાસ્થળે એકત્ર થઈ જતા વિસ્તારમાં ટ્રાફિક વ્યવસ્થા ખોરવાઈ હતી અને પોલીસને રસ્તો બંધ કરવાની ફરજ પડી હતી.
પ્રાથમિક માહિતી અનુસાર હરેશ પટણી સવારે પોતાના નિવાસસ્થાને હાજર હતા. બાદમાં તેઓ બહાર નીકળ્યા હતા. દરમિયાન ગુલબર્ગ સોસાયટી નજીક પહોંચતા જ બાઇક પર આવેલા બે અજાણ્યા શખ્સોએ તેમના પર જીવલેણ હુમલો કર્યો હતો. હુમલાખોરોએ છરાના અનેક ઘા ઝીંકતા હરેશ પટણી ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા. સ્થાનિક લોકો મદદ માટે દોડી આવ્યા તે પહેલાં જ હુમલાખોરો ફરાર થઈ ગયા હતા. ગંભીર ઇજાઓના કારણે હરેશ પટણીનું મોત થયું હતું.
આ પણ વાંચો: સુરતમાં કુદરતનો કહેર : પાંડેસરામાં ભારે પવનને કારણે વિશાળ વૃક્ષ ધરાશાયી થતા અનેક વાહનો દબાયા, સ્થાનિકોમાં ફેલાયો ભય
પોલીસનો પ્રાથમિક ખુલાસો
ઘટનાની જાણ થતાં જ મેઘાણીનગર પોલીસ સહિત ઉચ્ચ અધિકારીઓ તાત્કાલિક સ્થળ પર પહોંચ્યા હતા. ઝોન-4 ના ડીસીપી અતુલ કુમાર બંસલે ઘટનાની પુષ્ટિ કરતાં જણાવ્યું હતું કે હરેશ દશરથભાઈ પટણી નામના વ્યક્તિ પર બે અજાણ્યા શખ્સોએ બાઇક પર આવીને હુમલો કર્યો હતો.
ડીસીપી બંસલના જણાવ્યા મુજબ, "હરેશ દશરથભાઈ પટણી જ્યારે રસ્તા પરથી પસાર થઈ રહ્યા હતા ત્યારે બે અજાણ્યા ઇસમો બાઇક પર આવ્યા અને છરાના ઘા મારી તેમની હત્યા કરી હતી. પોલીસે તાત્કાલિક ગુનો નોંધી આગળની તપાસ શરૂ કરી છે."
પોલીસે હાલ હુમલાખોરોની ઓળખ અને તેમની ધરપકડ માટે અલગ-અલગ ટીમો બનાવી તપાસ શરૂ કરી છે. આસપાસના CCTV કેમેરાના ફૂટેજ પણ તપાસવામાં આવી રહ્યા છે.
આ પણ વાંચો: વડોદરા 'આપ' પ્રમુખ અશોક ઓઝાની દુષ્કર્મના આરોપમાં ધરપકડ : બ્લેકમેલિંગ અને ખંડણીના સામસામા આક્ષેપોથી રાજકારણ ગરમાયું
જૂની દુશ્મનાવટ કે અન્ય કોઈ કારણ?
હત્યા પાછળનું ચોક્કસ કારણ હજુ સુધી સ્પષ્ટ થયું નથી. જોકે પોલીસ તમામ સંભવિત દિશાઓમાં તપાસ કરી રહી છે. ડીસીપી અતુલ કુમાર બંસલે જણાવ્યું હતું કે જૂની અદાવત, અંગત વિવાદ અથવા અન્ય કોઈ કારણ હત્યા પાછળ જવાબદાર હોઈ શકે છે.
તેમણે કહ્યું કે, "હાલમાં માત્ર એટલું સામે આવ્યું છે કે બે અજાણ્યા શખ્સોએ હુમલો કર્યો છે. જૂની અદાવત હોય કે કોઈ બીજું પ્રકરણ હોય, તે સહિત તમામ એંગલ પર તપાસ ચાલી રહી છે."
મૃતકનો કોઈ ગુનાહિત ઇતિહાસ સામે આવ્યો છે કે કેમ તે અંગે પૂછવામાં આવતા ડીસીપી બંસલે સ્પષ્ટતા કરી હતી કે અત્યાર સુધી પોલીસ તપાસમાં હરેશ પટણીનો કોઈ ગુનાહિત રેકોર્ડ સામે આવ્યો નથી. તેમ છતાં તમામ પાસાઓને ધ્યાનમાં રાખીને તપાસ આગળ વધારવામાં આવી રહી છે.
આ પણ વાંચો: સિંહોના ગઢમાં શ્વાને ફાડી ખાધું બાળક! : એક મહિનામાં 2 બાળકો મોતને ભેટ્યા, 2 ના આબાદ બચાવ
પરિવારજનોમાં શોક અને આક્રોશ
હત્યાની ઘટનાથી મૃતકના પરિવારજનોમાં ભારે શોક અને આક્રોશ જોવા મળી રહ્યો છે. મૃતકના કાકા મનોજભાઈ સોમજીભાઈ પટણીએ જણાવ્યું હતું કે હરેશ તેમનો ભત્રીજો હતો અને પરિવારને હજુ સુધી ખબર નથી કે હત્યા કરનાર કોણ છે.
મનોજભાઈએ જણાવ્યું કે, "મારો ભત્રીજો હતો. કોણે હત્યા કરી અને શા માટે કરી તેની અમને કોઈ જાણ નથી. ગદ્દારીથી તેને લઈ જઈને તેની હત્યા કરવામાં આવી છે. પરંતુ જે કોઈ જવાબદાર હશે તેને કાયદો છોડશે નહીં."
પરિવારજનોના જણાવ્યા મુજબ હરેશની કોઈ સાથે ગંભીર દુશ્મનાવટ હતી કે નહીં તે અંગે તેઓ સ્પષ્ટ રીતે કંઈ કહી શકતા નથી. જોકે ભૂતકાળમાં કેટલીક વ્યક્તિઓ સાથે નાની-મોટી બોલાચાલી અથવા માથાકૂટ થઈ હોવાનું પરિવારજનો સ્વીકારી રહ્યા છે.
મનોજભાઈએ કહ્યું કે, "કોઈ બે-ત્રણ જગ્યાએ થોડી માથાકૂટ થઈ હતી, પરંતુ હત્યા કોણે કરી છે તે અંગે અમારી પાસે કોઈ માહિતી નથી. પુરાવા વગર કોઈનું નામ લેવું યોગ્ય નથી."
આ પણ વાંચો: AI અને Machine Learning માટે ગુજરાતમાં મોટી તક! : કોલેજોમાં ઉમેરાઈ 1,500 નવી બેઠકો
વિસ્તારમાં વધારાયો પોલીસ બંદોબસ્ત
હત્યા બાદ મેઘાણીનગર વિસ્તારમાં તણાવપૂર્ણ વાતાવરણ સર્જાતા પોલીસ દ્વારા વધારાનો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. સ્થાનિક લોકો અને પરિવારજનો મોટી સંખ્યામાં ઘટનાસ્થળે ઉમટી પડ્યા હતા. પોલીસે લોકોને સમજાવીને સ્થિતિ નિયંત્રણમાં લીધી હતી.
હાલ પોલીસ માટે સૌથી મોટો પડકાર હુમલાખોરોની ઓળખ કરી તેમની ધરપકડ કરવાનો છે. CCTV ફૂટેજ, ટેક્નિકલ સર્વેલન્સ અને સ્થાનિક સૂત્રોના આધારે તપાસ આગળ ધપાવવામાં આવી રહી છે. પોસ્ટમોર્ટમ રિપોર્ટ અને અન્ય ફોરેન્સિક પુરાવા પણ તપાસમાં મહત્વની ભૂમિકા ભજવશે.
પોલીસ અધિકારીઓનું માનવું છે કે આગામી દિવસોમાં તપાસ આગળ વધતાં હત્યા પાછળનું ચોક્કસ કારણ અને હુમલાખોરોની ઓળખ અંગે વધુ વિગતો બહાર આવી શકે છે.





