Home Gujarat Amreli Khan Khijadiya Village Dog Attack Rescue Operation

સિંહોના ગઢમાં શ્વાને ફાડી ખાધું બાળક! : એક મહિનામાં 2 બાળકો મોતને ભેટ્યા, 2 ના આબાદ બચાવ

ખાન-ખીજડીયા ગામનું બોર્ડ
Published by: Chintan Chavda
Last Updated: Jun 02, 2026, 09:07 AM IST

સામાન્ય રીતે અમરેલી જિલ્લો એશિયાટિક સિંહોના ગઢ તરીકે ઓળખાય છે, પરંતુ હાલ જિલ્લાના કેટલાક ગ્રામ્ય વિસ્તારોમાં લોકો સિંહ કે દીપડાથી નહીં, પરંતુ રખડતા અને હુમલાખોર શ્વાનોથી વધુ ભયભીત બન્યા છે. છેલ્લા એક મહિનામાં શ્વાનોના હુમલાની ચાર ગંભીર ઘટનાઓ સામે આવી છે, જેમાં બે બાળકોના મોત થયા હોવાનું સ્થાનિકો જણાવી રહ્યા છે. આ ઘટનાઓ બાદ ખેડૂતો, ખેતમજૂરો અને ગ્રામજનોમાં ભારે ભયનો માહોલ સર્જાયો છે.

અમરેલી જિલ્લાના વડીયા તાલુકાના ખાન-ખીજડિયા ગામમાં તાજેતરમાં બનેલી એક ઘટનાએ સમગ્ર વિસ્તારમાં ચિંતા વધારી દીધી છે. ગામ અને નજીકના તોરી ગામની સીમમાં ચાર જેટલા શ્વાનોએ આતંક મચાવ્યો હતો. સ્થાનિક માહિતી અનુસાર, આ શ્વાનોએ 7 વર્ષના એક બાળક પર જીવલેણ હુમલો કર્યો હતો. ઘટનાની જાણ થતાં ગામમાં ભારે આક્રોશ અને ભય ફેલાઈ ગયો હતો.

ખેડૂતો અને મજૂરોમાં ફફડાટ

હુમલાખોર શ્વાનોના ભય વચ્ચે ગામના ખેડૂતો અને ખેતમજૂરો સ્વરક્ષણ માટે લાકડીઓ સાથે ખેતરોમાં જવા મજબૂર બન્યા હતા. સામાન્ય રીતે વન્યપ્રાણીઓના ભયનો સામનો કરતા ગ્રામજનો માટે આ સ્થિતિ નવી અને ચિંતાજનક હતી.

પરિસ્થિતિ એટલી ગંભીર બની હતી કે કેટલાક પરપ્રાંતીય ખેતમજૂરો પોતાના બાળકોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને ગામ છોડી પોતાના વતન પરત ફરી ગયા હતા. જેના કારણે ખેતીકામ પર પણ અસર જોવા મળી હતી અને ખેડૂતોને મજૂરોની અછતનો સામનો કરવો પડ્યો હતો.

આ પણ વાંચો: વડોદરા 'આપ' પ્રમુખ અશોક ઓઝાની દુષ્કર્મના આરોપમાં ધરપકડ : બ્લેકમેલિંગ અને ખંડણીના સામસામા આક્ષેપોથી રાજકારણ ગરમાયું

ગામલોકોએ જાતે ગોઠવ્યું રેસ્ક્યુ ઓપરેશન

સ્થાનિકોનો આરોપ છે કે વારંવાર રજૂઆતો છતાં તંત્ર તરફથી તાત્કાલિક પગલાં લેવામાં ન આવતા આખરે ગામલોકોએ પોતે જ કાર્યવાહી કરવાનો નિર્ણય લીધો હતો. ખાણ-ખીજડિયાના સરપંચ અને ગ્રામજનોની આગેવાનીમાં હુમલાખોર શ્વાનોને પકડવા માટે આયોજન કરવામાં આવ્યું હતું.

આ માટે સુલતાનપુર ગામેથી શ્વાન પકડવાની વિશેષ ટીમને બોલાવવામાં આવી હતી. ટીમે ગામની સીમમાં જાળ બિછાવી રેસ્ક્યુ ઓપરેશન શરૂ કર્યું હતું. બીજી તરફ સ્થાનિક ખેડૂતો અને યુવાનો હાથમાં લાકડીઓ લઈને શ્વાનોને જાળ તરફ હંકારી રહ્યા હતા.

ઘણા કલાકોની મહેનત બાદ ચારમાંથી બે હુમલાખોર શ્વાનો જાળમાં સપડાઈ ગયા હતા. બે શ્વાનો પકડાતા ગામલોકોએ રાહતનો શ્વાસ લીધો હતો અને લાંબા સમય બાદ થોડો હાશકારો અનુભવ્યો હતો.

"સિંહ-દીપડાથી નહીં, શ્વાનોથી ડર લાગે છે"

ગામના સરપંચ અને સ્થાનિકોના જણાવ્યા મુજબ, વિસ્તારમાં સિંહ અને દીપડાની અવરજવર નવી બાબત નથી, પરંતુ છેલ્લા કેટલાક સમયથી રખડતા અને ટોળામાં હુમલો કરતા શ્વાનો વધુ જોખમી સાબિત થઈ રહ્યા છે.

સ્થાનિકોનું કહેવું છે કે તંત્ર દ્વારા સમયસર કાર્યવાહી કરવામાં આવી હોત તો કદાચ બાળકોના જીવ બચાવી શકાયા હોત. હવે ગ્રામજનોએ જાતે મહેનત કરીને શ્વાનોને પકડવાની કામગીરી હાથ ધરવી પડી છે.

આ પણ વાંચો: સુરતમાં કુદરતનો કહેર : પાંડેસરામાં ભારે પવનને કારણે વિશાળ વૃક્ષ ધરાશાયી થતા અનેક વાહનો દબાયા, સ્થાનિકોમાં ફેલાયો ભય

એક મહિનામાં ચાર હુમલા, બે બાળકોના મોત

ખાણ-ખીજડિયા ગામ છેલ્લા એક મહિનાથી ભયના માહોલમાં જીવતું હોવાનું સ્થાનિકો જણાવી રહ્યા છે. આ દરમિયાન શ્વાનોના ચાર હુમલાની ઘટનાઓ નોંધાઈ હોવાનું કહેવામાં આવે છે. જેમાં પરપ્રાંતીય મજૂરોના બે બાળકોના મોત થયા હોવાનું ગામલોકોનો દાવો છે, જ્યારે અન્ય બે બાળકોનો આબાદ બચાવ થયો હતો.

હાલ બે હુમલાખોર શ્વાનો પકડાઈ ગયા છે, પરંતુ હજુ બે શ્વાનો ખુલ્લા ફરતા હોવાની આશંકાને કારણે ગામમાં સાવચેતી યથાવત રાખવામાં આવી રહી છે. શ્વાનોને પકડવા માટેની કાર્યવાહી હજુ ચાલુ હોવાનું સ્થાનિકોએ જણાવ્યું છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now