અમદાવાદ શહેરમાં ડ્રગ્સ વિરુદ્ધની કાર્યવાહી દરમિયાન નરોડા પોલીસે એક મહત્વપૂર્ણ સફળતા મેળવી છે. સ્થાનિક પોલીસને મળેલી બાતમીના આધારે કરાયેલી કાર્યવાહીમાં 7.084 કિલો મેથામ્ફેટામીન ડ્રગ્સ જપ્ત કરવામાં આવ્યું છે, જેની આંતરરાષ્ટ્રીય બજાર કિંમત અંદાજે ₹14.16 કરોડથી વધુ હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે. આ મામલે મુંબઈના રહેવાસી એક વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે, જ્યારે અન્ય બે સંદિગ્ધોની શોધખોળ શરૂ કરવામાં આવી છે.
પોલીસના જણાવ્યા મુજબ, 1 જૂન 2026ના રોજ નરોડા પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ પીઆઈ એસ.એ. કોટડિયાને હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે માહિતી મળી હતી કે એક વ્યક્તિ નાર્કોટિક્સનો જથ્થો લઈને અમદાવાદ વિસ્તારમાંથી પસાર થવાનો છે. આ માહિતીના આધારે નાના ચિલોડા સર્કલ નજીક અને ગેટકો પાવર સ્ટેશન સામેના ગરનાળા વિસ્તારમાં વોચ ગોઠવવામાં આવી હતી.
આ પણ વાંચો: AI અને Machine Learning માટે ગુજરાતમાં મોટી તક! : કોલેજોમાં ઉમેરાઈ 1,500 નવી બેઠકો
બિસ્કિટના બોક્સમાં છુપાવી લાવવામાં આવતું હતું ડ્રગ્સ
વોચ દરમિયાન પોલીસે એક શંકાસ્પદ વ્યક્તિને રોકીને કાયદેસરની કાર્યવાહી મુજબ તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન તેની પાસે રહેલી વાદળી રંગની ટ્રાવેલ બેગમાંથી બિસ્કિટના અનેક બોક્સ મળી આવ્યા હતા. બોક્સ ખોલતા અંદર છુપાવેલો સફેદ રંગનો શંકાસ્પદ પદાર્થ મળી આવ્યો હતો.
પોલીસે તરત જ ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી (FSL)ના અધિકારીઓને સ્થળ પર બોલાવી પ્રાથમિક પરીક્ષણ કરાવ્યું હતું. પરીક્ષણમાં આ પદાર્થ મેથામ્ફેટામીન હોવાનું સ્પષ્ટ થયું હતું. ત્યારબાદ સમગ્ર જથ્થાનું વજન કરતાં કુલ 7 કિલો 84 ગ્રામ મેથામ્ફેટામીન મળી આવ્યું હતું.
ધરપકડ કરાયેલા આરોપીની ઓળખ મોહમ્મદ સાજિદ મોહમ્મદ ઉસ્માન શેખ (ઉંમર 48 વર્ષ), રહેવાસી અંધેરી પશ્ચિમ, મુંબઈ તરીકે થઈ છે. તેની પાસેથી ડ્રગ્સ ઉપરાંત મોબાઇલ ફોન, ₹9,820 રોકડા અને અન્ય સામગ્રી પણ જપ્ત કરવામાં આવી છે.
આ પણ વાંચો: સિંહોના ગઢમાં શ્વાને ફાડી ખાધું બાળક! : એક મહિનામાં 2 બાળકો મોતને ભેટ્યા, 2 ના આબાદ બચાવ
જયપુરથી મુંબઈ પહોંચાડવાનો હતો જથ્થો
સેક્ટર-2ના જૉઇન્ટ પોલીસ કમિશનર જયપાલસિંહ રાઠોડે જણાવ્યું કે પ્રાથમિક પૂછપરછમાં આરોપીએ સ્વીકાર્યું છે કે તે રાજસ્થાનના જયપુરથી આ જથ્થો લઈને મહારાષ્ટ્ર જવાનો હતો. તેને મુંબઈમાં રહેતા "ક્યુબેન" નામના એક નાઈજીરિયન વ્યક્તિએ કેરિયર તરીકે ઉપયોગ કરવા માટે ₹10,000 એડવાન્સ આપ્યા હતા.
તપાસમાં સામે આવ્યું છે કે આરોપીને જયપુર બસ સ્ટેન્ડ પાસે એક અજાણ્યા વ્યક્તિ પાસેથી પાર્સલ મળવાનું હતું. તે પાર્સલ લઈને તેને મુંબઈ પહોંચાડવાનું કામ સોંપવામાં આવ્યું હતું. આરોપી મહારાષ્ટ્રથી જયપુર ગયો હતો અને ત્યાંથી જથ્થો લઈને પરત ફરી રહ્યો હતો. જોકે તેને મુંબઈ માટે સીધી બસ ન મળતાં તે અમદાવાદ આવ્યો હતો અને અહીંથી આગળ મુસાફરી કરવાની તૈયારીમાં હતો.
આ દરમિયાન નરોડા પોલીસને ચોક્કસ બાતમી મળતા સમગ્ર ઓપરેશન પાર પાડવામાં આવ્યું હતું.
આ પણ વાંચો: વડોદરા 'આપ' પ્રમુખ અશોક ઓઝાની દુષ્કર્મના આરોપમાં ધરપકડ : બ્લેકમેલિંગ અને ખંડણીના સામસામા આક્ષેપોથી રાજકારણ ગરમાયું
નાઈજીરિયન કનેક્શન સામે આવ્યું
પોલીસ તપાસમાં આ કેસમાં નાઈજીરિયન નાગરિકનું કનેક્શન પણ સામે આવ્યું છે. પ્રાથમિક માહિતી અનુસાર "ક્યુબેન" નામનો નાઈજીરિયન વ્યક્તિ મુંબઈમાં આરોપીના સંપર્કમાં આવ્યો હતો અને ડ્રગ્સની હેરફેર માટે તેને કેરિયર તરીકે ઉપયોગમાં લેતો હતો.
પોલીસે હાલ ત્રણ આરોપીઓને ઓળખવાનો દાવો કર્યો છે. જેમાં ધરપકડ કરાયેલ મોહમ્મદ સાજિદ શેખ, નાઈજીરિયન નાગરિક ક્યુબેન અને જયપુરમાં પાર્સલ આપનાર અજાણ્યો વ્યક્તિ સામેલ છે. ત્રણેયને NDPS Act હેઠળ આરોપી તરીકે દર્શાવવામાં આવ્યા છે.
તપાસ દરમિયાન એ પણ ખુલ્યું છે કે મોહમ્મદ સાજિદ લગભગ 10 થી 15 દિવસ પહેલાં અમૃતસરથી પણ આવું જ એક પાર્સલ મુંબઈ પહોંચાડી ચૂક્યો હોવાની આશંકા છે. તેના ગુનાહિત ઇતિહાસની તપાસ માટે અન્ય રાજ્યોની પોલીસ સાથે પણ સંપર્ક કરવામાં આવી રહ્યો છે.
આ પણ વાંચો: સુરતમાં કુદરતનો કહેર : પાંડેસરામાં ભારે પવનને કારણે વિશાળ વૃક્ષ ધરાશાયી થતા અનેક વાહનો દબાયા, સ્થાનિકોમાં ફેલાયો ભય
સ્થાનિક પોલીસ માટે નોંધપાત્ર સફળતા
જૉઇન્ટ પોલીસ કમિશનર જયપાલસિંહ રાઠોડે જણાવ્યું કે અમદાવાદ શહેરમાં આટલી મોટી માત્રામાં મેથામ્ફેટામીન સ્થાનિક પોલીસ દ્વારા પકડવામાં આવ્યું હોય તેવો કદાચ આ પહેલો કેસ છે. અગાઉ આવા મોટા ડ્રગ્સ કેસોમાં ક્રાઇમ બ્રાન્ચ, એસઓજી અથવા ગુજરાત ATS જેવી વિશેષ એજન્સીઓ કાર્યવાહી કરતી હતી.
તેમણે નરોડા પોલીસની કામગીરીને નોંધપાત્ર ગણાવી અને કહ્યું કે ગુજરાત સરકાર અને ગૃહ વિભાગના નશાબંધી વિરોધી અભિયાન અંતર્ગત સ્થાનિક પોલીસ દ્વારા મળેલી આ સફળતા મહત્વપૂર્ણ છે.
FSLની પ્રાથમિક તપાસ મુજબ જપ્ત કરાયેલ મેથામ્ફેટામીન અત્યંત ઉચ્ચ ગુણવત્તાનું હોવાનું જાણવા મળ્યું છે. નિષ્ણાતોના જણાવ્યા અનુસાર આવા પ્રકારના ડ્રગ્સની અસર માનવ શરીરની નર્વસ સિસ્ટમ પર ગંભીર રીતે પડે છે અને તે અત્યંત વ્યસનકારક માનવામાં આવે છે.
હાલ નરોડા પોલીસે NDPS Act હેઠળ ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે. પોલીસે ડ્રગ્સ સપ્લાય ચેઇન, નાઈજીરિયન કનેક્શન અને આ રેકેટ સાથે સંકળાયેલા અન્ય વ્યક્તિઓ સુધી પહોંચવા માટે તપાસનો વ્યાપ વધાર્યો છે.





