Home Gujarat Ahmedabad Gujarat Pre Monsoon Rain Thunderstorm Ahmedabad Rainfall Weather Alert June 2026

ગુજરાતમાં ચોમાસાની એન્ટ્રી : વાવાઝોડાથી બેના મોત, 50-60 કિમીની ઝડપે પવન ફૂંકાતા વૃક્ષો ધરાશાયી; અમદાવાદ સહિત આ જિલ્લાઓમાં આગામી 4 દિવસ રહેજો સાવધાન

Gujarat Rain Pre-Monsoon  Storm Update
Published by: Nirali Gohil
Last Updated: Jun 02, 2026, 05:14 AM IST

Gujarat Pre-Monsoon: ગુજરાત માટે ચોમાસા પૂર્વેની ગતિવિધિઓએ હવે ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું છે. રાજ્યના અનેક જિલ્લાઓમાં ભારે પવન, વીજળીના કડાકા-ભડાકા અને ધોધમાર વરસાદે જનજીવનને અસર પહોંચાડી છે. અમદાવાદથી લઈને દક્ષિણ ગુજરાત સુધી અનેક સ્થળોએ વૃક્ષો ધરાશાયી થયા, વીજ પુરવઠો ખોરવાયો અને માર્ગ વ્યવહારને અસર થઈ. દાહોદમાં સાઇનબોર્ડ પડવાની દુર્ઘટનામાં એક વ્યક્તિનું મોત થતાં પ્રી-મોન્સૂન વરસાદે ચિંતાજનક સ્થિતિ ઊભી કરી છે. હવામાન વિભાગે આગામી ચારથી પાંચ દિવસ સુધી રાજ્યમાં વરસાદી માહોલ યથાવત રહેવાની આગાહી કરી છે.

ગુજરાતમાં પ્રી-મોન્સૂનનો કહેર: વાવાઝોડા-વરસાદે મચાવી તબાહી

રાજ્યના અનેક જિલ્લાઓમાં રવિવાર મોડી રાત્રિથી સોમવાર વહેલી સવારે તોફાની પવન સાથે વરસાદ વરસ્યો હતો. 50થી 60 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ફૂંકાયેલા પવનોને કારણે અનેક સ્થળોએ વૃક્ષો, વીજ થાંભલા અને હોર્ડિંગ્સ ધરાશાયી થયા હતા. અમદાવાદ, વડોદરા, નવસારી, વલસાડ, પાટણ, પંચમહાલ અને બોટાદ સહિતના જિલ્લાઓમાં વરસાદી માહોલ વચ્ચે લોકો ગરમીથી રાહત અનુભવતા જોવા મળ્યા, પરંતુ વાવાઝોડાની અસરથી મુશ્કેલીઓ પણ વધી હતી.

દાહોદમાં દુર્ઘટના: સાઇનબોર્ડ પડતાં એકનું મોત

દાહોદ જિલ્લામાં ગરબાડા ચોકડી નજીક સ્માર્ટ સિટી પ્રોજેક્ટ હેઠળ લગાવવામાં આવેલ વિશાળ સાઇનબોર્ડ તોફાની પવનના કારણે ધરાશાયી થયું હતું. આ દુર્ઘટનામાં ઉસારવણ ગામના 60 વર્ષીય શક્કરિયા નિનામાનું ઘટનાસ્થળે જ મોત થયું હતું, જ્યારે અન્ય બે લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા. ઉલ્લેખનીય છે કે, બે દિવસ અગાઉ નર્મદા જિલ્લામાં ભારે વરસાદ દરમિયાન મકાન ધરાશાયી થતાં 11 વર્ષની બાળકીનું મોત થયું હતું. આમ છેલ્લા ત્રણ દિવસમાં વરસાદ અને વાવાઝોડા સંબંધિત ઘટનાઓમાં બે લોકોના જીવ ગયા છે.

આ પણ વાંચો: ડેફાબેટ કૌભાંડમાં ગુજરાત કનેક્શન બાદ આદેશ: DGP સહિતના ઉચ્ચ અધિકારીઓને સાથે રાખી રાજ્યવ્યાપી વિડીયો કોન્ફરન્સ,રાજ્યભરમાં ‘ઓપરેશન મ્યુલ હંટ 2.0’ના આદેશ

અમદાવાદમાં મધરાતે મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી

અમદાવાદ શહેરમાં રવિવાર મોડી રાત્રે અને સોમવાર વહેલી સવારે બે તબક્કામાં ભારે વરસાદ વરસ્યો હતો. શહેરમાં સરેરાશ દોઢ ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. પાલડી, બોપલ, સરખેજ, એસ.જી. હાઇવે, જુહાપુરા, વાસણા, આશ્રમ રોડ અને ગોતા સહિત પશ્ચિમ વિસ્તારના અનેક વિસ્તારોમાં એક ઇંચ સુધી વરસાદ નોંધાયો હતો. જ્યારે પૂર્વ અમદાવાદના રામોલ, જશોદાનગર અને CTM વિસ્તારમાં પણ સારો વરસાદ પડ્યો હતો.

7 ફ્લાઇટ્સ ડાયવર્ટ, અનેક વૃક્ષો ધરાશાયી

ખરાબ હવામાન અને ઓછી દૃશ્યતા (વિઝિબિલિટી)ના કારણે અમદાવાદ એરપોર્ટ પર ઉતરવાની હતી તેવી સાત ફ્લાઇટ્સને સુરત એરપોર્ટ તરફ ડાયવર્ટ કરવામાં આવી હતી. mફાયર બ્રિગેડને સવારે સુધીમાં શહેરના વિવિધ વિસ્તારોમાંથી 15થી વધુ વૃક્ષો પડ્યાની ફરિયાદો મળી હતી. સેટેલાઇટ રોડ પર પાર્ક કરેલી કાર પર વૃક્ષ પડતાં ભારે નુકસાન થયું હતું. બાપુનગર વિસ્તારમાં સ્ટ્રીટ લાઇટનો થાંભલો પણ ધરાશાયી થયો હતો.

વડોદરામાં સોલાર પેનલો ઊડી, ગોધરામાં રસ્તો ધોવાયો

વડોદરાના વાસણા-ભાયલી રોડ વિસ્તારમાં આવેલી એક રહેણાંક સોસાયટીમાં તોફાની પવનના કારણે છત પર લગાવવામાં આવેલી સોલાર પેનલો ઉખડીને નીચે પડી ગઈ હતી. જોકે કોઈ જાનહાનિ થઈ નહોતી. પંચમહાલ જિલ્લાના ગોધરામાં ભારે વરસાદને કારણે નિર્માણાધીન પુલ નજીકનો કામચલાઉ ડાયવર્ઝન રોડ ધોવાઈ ગયો હતો. જેના કારણે વાહનચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો અને તંત્ર દ્વારા વૈકલ્પિક માર્ગ અપનાવવાની સૂચના આપવામાં આવી હતી.

પાટણ અને મહીસાગરમાં વીજ વ્યવસ્થા ખોરવાઈ

પાટણમાં તીવ્ર પવન સાથે વરસાદ વરસતા અનેક વિસ્તારોમાં વીજ પુરવઠો ખોરવાઈ ગયો હતો. ધૂળની ડમરીઓ અને વીજળીના કડાકા-ભડાકાએ લોકોમાં ભયનો માહોલ સર્જ્યો હતો. મહીસાગર જિલ્લાના લુણાવાડા સહિતના વિસ્તારોમાં પણ વીજ વ્યવસ્થા ઠપ થઈ ગઈ હતી. સ્થાનિકોએ પ્રી-મોન્સૂન કામગીરી સામે સવાલો ઉઠાવ્યા હતા.

આ પણ વાંચો: અમદાવાદમાં અચાનક બદલાયું વાતાવરણ: ભારે પવન અને વરસાદ આવતા ગરમીથી રાહત

નવસારી, વલસાડ અને બોટાદમાં મિની વાવાઝોડાની અસર

નવસારીમાં વહેલી સવારે ભારે પવન સાથે વરસાદ વરસ્યો હતો. અનેક વિસ્તારોમાં વીજ પુરવઠો ખોરવાઈ ગયો હતો. વલસાડમાં મિની વાવાઝોડા જેવી સ્થિતિ સર્જાતા તિથલ બીચ સહિતના વિસ્તારોમાં શેડ અને અન્ય માળખાઓને નુકસાન પહોંચ્યું હતું. બોટાદ જિલ્લામાં પણ ગ્રામ્ય વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ નોંધાયો હતો.

ખેડૂતોમાં ચિંતા: કેરીના પાકને નુકસાનની ભીતિ

દક્ષિણ ગુજરાતમાં આંબાના પાકની કાપણીનો સમય ચાલી રહ્યો છે. આવી સ્થિતિમાં કમોસમી વરસાદ અને તોફાની પવનના કારણે કેરીના પાકને નુકસાન થવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. ખેડૂતોમાં ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે.

આગામી 5 દિવસ વરસાદી માહોલ યથાવત

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી પાંચ દિવસ સુધી ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છના વિવિધ વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે.

પવનની ગતિ અંગે એલર્ટ

  • 1 થી 6 જૂન દરમિયાન રાજ્યના મોટાભાગના જિલ્લાઓમાં 40થી 50 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે.

  • થંડરસ્ટોર્મ એક્ટિવિટી દરમિયાન કેટલાક વિસ્તારોમાં પવનની ઝડપ વધુ રહેવાની શક્યતા છે.

  • આગામી ત્રણ દિવસ બાદ તાપમાનમાં 2થી 4 ડિગ્રી સેલ્સિયસનો ઘટાડો નોંધાઈ શકે છે.

ચોમાસાની ગતિ તેજ, ગુજરાતમાં વધશે વરસાદી પ્રવૃત્તિ

દેશમાં દક્ષિણ-પશ્ચિમ ચોમાસું અનુકૂળ ગતિએ આગળ વધી રહ્યું છે. કેરળ, તમિલનાડુ અને બંગાળની ખાડીના વિસ્તારોમાં ચોમાસું વધુ સક્રિય બનતા તેની અસર ગુજરાતમાં પણ જોવા મળી રહી છે. હવામાન નિષ્ણાતોના જણાવ્યા મુજબ બે સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય હોવાના કારણે આગામી દિવસોમાં પ્રી-મોન્સૂન ગતિવિધિઓ વધુ તેજ બનવાની શક્યતા છે. માછીમારો અને દરિયાકાંઠાના વિસ્તારોમાં રહેતા લોકોને ખાસ સાવચેતી રાખવા તેમજ હવામાન વિભાગની સૂચનાઓનું પાલન કરવા અપીલ કરવામાં આવી છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now