Home Gujarat Ahmedabad Cyber Fraud Gujarat Model Dafabet Betting Racket

સાયબર ફ્રોડનું હાઈટેક ‘ગુજરાત મોડેલ’ : ઓનલાઈન સટ્ટાબાજી,મ્યુલ એકાઉન્ટ રેકેટમાં ગુજરાતના બે યંગસ્ટર્સ 'કિંગપિન',તેલંગાણા CID એ ગુજરાત,દિલ્હી,પંજાબથી 11 ની ધરપકડ કરી

Telangana cid sit arrest 11 acccused in cyber fraud case
Published by: OBS Bureau
Last Updated: Jun 01, 2026, 11:55 PM IST

ડિજિટલ દુનિયામાં સરળતાથી પૈસા કમાવવાની લાલચ આપીને લોકોને બરબાદ કરતા આંતરરાજ્ય ઓનલાઈન સટ્ટાબાજીના વ્યાપક નેટવર્કનો તેલંગાણા સીઆઈડી (CID) ની સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ (SIT) દ્વારા પર્દાફાશ કરવામાં આવ્યો છે. દેશના અલગ-અલગ રાજ્યોમાં ફેલાયેલા આ કરોડો રૂપિયાના રેકેટના તાર તેલંગણાંથી ગુજરાત સાથે જોડાયા છે. આ આખા કૌભાંડને ઓપરેટ કરનારા અને રોજની લાખોની કમાણી કરનારા બે માસ્ટરમાઇન્ડ ગુજરાતના હોવાનું સામે આવતા ગુજરાત પોલીસ બેડામાં મુખ્યત્વે સાયબર સુરક્ષા એજન્સીઓમાં હડકંપ જેવી સ્થિતિ સર્જાઈ છે.

તેલંગાણા પોલીસે બે અઠવાડિયાના અત્યંત ગુપ્ત ઓપરેશન બાદ એક અફઘાન નાગરિક સહિત કુલ 11 આરોપીઓની દિલ્હી, પંજાબ અને ગુજરાતમાંથી ધરપકડ કરી છે. અને હજુ ગુજરાત સહીત અન્ય સ્થળોએથી વધુ કેટલીક ધરપકડની શક્યતા જોવાઈ રહી છે.

તેલંગાણાથી ગુજરાત સુધી CID SIT ના આ ચોંકાવનારા વ્યાપક ઑપરેશન પાછળ એક સોફ્ટવેર એન્જિનિયરની સામાન્ય ફરિયાદ હતી. આ ફરિયાદની તપાસના ઊંડાણમાં તેલંગાણા CID જેમ જેમ ઉતરતી ગઈ તેમ તેમ ચોંકાવનારા તથ્યો સામે આવવાલાગ્યા અને SIT નું ગઠન થયું,SIT ની 6 માસ લાંબી અને ઊંડી તપાસના મૂળિયાં નીકળ્યા તે ગુજરાત માટે ચોંકાવનારા અને શરમજનક છે.

સોફ્ટવેર એન્જિનિયરની એક ફરિયાદ અને ખુલી ગયું કૌભાંડ

આ હાઈટેક કૌભાંડનો ભાંડો ત્યારે ફૂટ્યો જ્યારે તેલંગાણાના કરીમનગરના એક સોફ્ટવેર એન્જિનિયરે પોલીસમાં ફરિયાદ નોંધાવી. આ એન્જિનિયરને 'ડેફાબેટ' (Dafabet) પ્લેટફોર્મના પ્રમોશનલ મેસેજ અને સોશિયલ મીડિયા લિંક્સ દ્વારા ક્રિકેટ, કેસિનો અને એવિએટર (Aviator) ગેમ્સ પર સટ્ટો રમવાની લાલચ આપવામાં આવી હતી. શરૂઆતમાં વિશ્વાસ જીતવા માટે નાના પેઆઉટ (વળતર) પણ અપાયા, પરંતુ મોટી રકમ લગાવતા જ એન્જિનિયર ફસાયો અને તેને માત્ર એક જ વર્ષમાં (જાન્યુઆરી 2024 થી જાન્યુઆરી 2025 સુધીમાં) અંદાજે રૂપિયા 9.95 લાખ ગુમાવવાનો વારો આવ્યો.

ગુજરાતના બે 'ટેક-સેવી' માસ્ટરમાઇન્ડ અને તેમની લક્ઝુરિયસ લાઈફસ્ટાઈલ

સીઆઈડીના ડાયરેક્ટર જનરલ ચારુ સિન્હાના જણાવ્યા મુજબ, આ આંતરરાજ્ય રેકેટના મુખ્ય ઓર્ગેનાઈઝર્સ અને આયોજકો ગુજરાતના બે યુવાનો છે.

મનીષ સિંહ (ઉંમર 24 વર્ષ) અને અભિષેક સિંહ (ઉંમર 26 વર્ષ)

માત્ર 24 અને 26 વર્ષની નાની ઉંમરે સાયબર વર્લ્ડ અને ડિજિટલ ટ્રાન્ઝેક્શનમાં પાવરધા બનેલા આ બંને આરોપીઓ કોઈ કાયદેસરનો વ્યવસાય કરતા નહોતા, પરંતુ આંતરરાષ્ટ્રીય સટ્ટાબાજીની એપ્લિકેશન 'ડેફાબેટ'ના મુખ્ય સંચાલકો સાથે સીધા સંપર્કમાં હતા. સમગ્ર ભારતમાંથી ઓનલાઈન સટ્ટાબાજી દ્વારા જે પણ કરોડોનું ભંડોળ એકત્રિત થતું, તે આ બંનેના સીધા નિયંત્રણ હેઠળ આવતું હતું.

રોજની રૂપિયા 8 થી 10 લાખની કમાણી

તપાસમાં સામે આવ્યું છે કે સટ્ટાબાજીની રકમ પર મનીષ સિંહ અને અભિષેક સિંહને રોજનું અંદાજે 1.5 % ફિક્સ કમિશન મળતું હતું. આ નેટવર્ક એટલું મોટું હતું કે આ ફિક્સ ટકાવારી મુજબ પણ મનીષ અને અભિષેકની દૈનિક કમાણી રૂપિયા 8 લાખથી રૂપિયા 10 લાખ સુધી પહોંચી જતી હતી! આ અઢળક કાળી કમાણીથી બંને અત્યંત વૈભવી લાઈફસ્ટાઈલ જીવતા હતા.

મની લોન્ડરિંગ માટે 8 લેયરનું માયાળજાળ અને 46 બેનામી ખાતા

પોલીસ અને સાયબર એજન્સીઓની નજરથી બચવા માટે મનીષ અને અભિષેકે મની ટ્રેલ (પૈસાની હેરફેર) નું એવું માયાળજાળ રચ્યું હતું કે જે જાણીને ભલભલા પોલીસ અધિકારી અને સાયબર ટેકનિશિયનો પણ માથું ખંજવાળતા થઈ જાય. સીઆઈડીએ જ્યારે ફરિયાદી સોફ્ટવેર એન્જીનીયરના નાણાંનો પીછો કર્યો ત્યારે જાણવા મળ્યું કે પૈસા સીધા કોઈ એક ખાતામાં નહોતા જતા, પરંતુ 8 અલગ-અલગ લેયરમાં ફેરવવામાં આવતા હતા. આ માટે ગેંગ દ્વારા 46 'મ્યુલ' (ભાડાના/બેનામી) બેંક ખાતાઓ અસંખ્ય યુપીઆઈ આઈડી અને ક્યુઆર કોડનો ઉપયોગ કરાતો હતો.

અફઘાનિસ્તાનથી લઈને દિલ્હી-પંજાબ સુધીનું કનેક્શન

માસ્ટરમાઇન્ડ્સને સપોર્ટ કરવા માટે આંતરરાજ્ય અને આંતરરાષ્ટ્રીય કનેક્શન પણ કામ કરતુ હતુ.દક્ષિણ દિલ્હીથી પકડાયેલો 24 વર્ષીય મોહમ્મદ હલીમ નામનો અફઘાની યુવક કમિશનના બેઝિસ પર નકલી દસ્તાવેજોના આધારે બેનામી બેંક ખાતાઓ અને નકલી સિમ કાર્ડ્સની વ્યવસ્થા કરી આપતો હતો.

દિલ્હી અને પંજાબની ટોળકી

દિલ્હીના ત્રણ શખ્સો કમિશન એજન્ટ તરીકે બેનામી ખાતા હેન્ડલ કરતા હતા, જ્યારે પંજાબના બે આરોપીઓએ સટ્ટાના નાણાં સગેવગે કરવા માટે નકલી (Shell) કંપનીઓ ઉભી કરી રાખી હતી. ગુજરાતના અન્ય 4 સાયબર એક્સપર્ટ આ ઓપરેશનને સતત ટેકનિકલ બેકઅપ આપતા હતા.

તેલંગાણા પોલીસનું ગુજરાતમાં 2 અઠવાડિયા સુધી ઓપરેશન

તેલંગાણા SIT ની ટીમે ગુજરાતમાં બે અઠવાડિયા સુધી ગુપ્ત રીતે ધામા નાખ્યા હતા અને તેમના ડિજિટલ ફૂટપ્રિન્ટ્સ (Digital Footprints) ના આધારે ટેકનિકલ સર્વેલન્સ ગોઠવીને બંનેને ઝડપવામાં આવ્યા હતા.

મનીષ અને અભિષેક સુરક્ષા એજન્સીઓ અને કાયદાના હાથથી બચી જાય તેવા શાતિર અને ચાલાક હતા. તેઓ દર થોડા દિવસે પોતાના લોકેશન, લક્ઝરી મોબાઈલ ફોન અને સિમ કાર્ડ બદલી નાખતા હતા. તેલંગાણા સીઆઈડીની ફોરેન્સિક અને ટેકનિકલ ટીમે સતત 6 મહિના સુધી ડેટા, કોલ ડિટેલ્સ (CDR) અને સોશિયલ Media પ્રોફાઈલ્સનું વિશ્લેષણ કર્યું. ત્યારબાદ Dysp કક્ષાના અધિકારીઓની આગેવાની હેઠળ 6 ખાસ ટીમોને ગુજરાત, દિલ્હી અને પંજાબ મોકલાઈ. ગુજરાતમાં સતત 2 અઠવાડિયા સુધી ગુપ્ત વોચ રાખ્યા બાદ આખરે 29 મે ના રોજ આ બંને માસ્ટરમાઇન્ડ્સ અને તેમની ગેંગને દબોચી લેવામાં આવી.

CID SIT એ શું જપ્ત કર્યું?

દરોડા દરમિયાન પોલીસે આરોપીઓ પાસેથી વૈભવી કારસહીત અનેક ચીજ વસ્તુઓ જપ્ત કરી છે. જેમાં એક BMW, એક મર્સિડીઝ અને એક કિઆ સેલ્ટોસ (Kia Seltos) કાર.

8 લેપટોપ, 2 આઈપેડ અને 26 સ્માર્ટફોન.કબ્જે કર્યા છે,સાથેજ 5 પાસપોર્ટ અને રૂપિયા 3.21 લાખની રોકડ રકમ પણ જપ્ત કરી છે.

દેશભરમાં 225 ગુનાઓ સાથે કનેક્શન

વિદેશથી ઓપરેટ થાય છે 'Dafabet'

નેશનલ સાયબર ક્રાઈમ રિપોર્ટિંગ પોર્ટલ (NCRP) ના ડેટા અનુસાર, આ પકડાયેલી ટોળકી સામે માત્ર તેલંગાણા જ નહીં, પરંતુ ગુજરાત, આંધ્રપ્રદેશ, બિહાર, કર્ણાટક, કેરળ, મહારાષ્ટ્ર અને તમિલનાડુ સહિત વિવિધ રાજ્યોમાં ૨૨૫ સાયબર ફરિયાદો અને 73 જેટલા ફોજદારી કેસો પહેલેથી જ નોંધાયેલા છે.

પોલીસ તપાસમાં એ પણ સામે આવ્યું છે કે 'ડેફાબેટ' પ્લેટફોર્મની શરૂઆત વર્ષ 2004 માં ફિલિપાઈન્સથી થઈ હતી, પરંતુ કાનૂની સકંજાથી બચવા માટે હાલમાં તેનું મુખ્ય મથક યુનાઇટેડ કિંગડમ (UK) માં શિફ્ટ કરાયું છે, જ્યાંથી આ આખું વૈશ્વિક નેટવર્ક ભારતના એજન્ટો દ્વારા ઓપરેટ થાય છે. હાલમાં તમામ આરોપીઓને ટ્રાન્ઝિટ વોરંટના આધારે હૈદરાબાદ લઇ જઈ કરીમનગરની વિશેષ અદાલતમાં રજૂ કરવાની કાનૂની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now