તેલંગાણા પોલીસે ગુજરાતમાં 6 મહિના સુધી ધામા નાખીને જે આંતરરાજ્ય 'ડેફાબેટ' (Dafabet) સટ્ટાબાજી કૌભાંડનો પર્દાફાશ કર્યો અને ગુજરાતના બે યંગસ્ટર્સને કિંગપિન તરીકે ઝડપી લીધા, તેના કારણે ગુજરાતનું ગૃહ ખાતુ અને ઉચ્ચ પોલીસ અધિકારીઓ ચોંકી ઉઠ્યા છે. આ હાઈટેક સાયબર ફ્રોડના તાર ગુજરાત સાથે વ્યાપક સ્તરે જોડાયેલા હોવાનું સામે આવતા જ, મોડી સાંજે ગૃહ વિભાગનો હવાલો ધરાવતાનાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી દ્વારા તાકીદની હાઈ-લેવલ વિડિયો કોન્ફરન્સ યોજી સાયબર ક્રીમનલની કમર તોડી નાખવા જરૂરી તમામ પગલાં ભરવા રાજ્યભરના ઉચ્ચ પોલીસ અધિકારીઓને આદેશ આપ્યા છે.વિડીયો કોન્ફ્રન્સ દરમ્યાન રાજ્યભરમાં"ઓપરેશન મ્યુલ હંટ 2.0(Operation Mule Hunt 2.0)લોન્ચ કરીને બેનામી બેંક ખાતાઓ (Mule Accounts) પર સર્જિકલ સ્ટ્રાઈક કરવાનો કડક આદેશ આપવામાં આવ્યો છે.

તેલંગાણા પોલીસના ગુપ્ત ઓપરેશને ગુજરાત પોલીસને દોડતી કરી
સૂત્રો પાસેથી મળતી વિગત અનુસાર, તેલંગાણા CID ની SIT એ ગુજરાતની ધરતી પર સતત ૬ મહિના સુધી ગુપ્ત ઓપરેશન હાથ ધરી ગુજરાતના બે સાયબર ભેજાબાજોની ધરપકડ કરી મોટા સાયબર સ્કેમનો પર્દાફાશ કર્યો જેથી ગૃહ વિભાગ ચોંકી ઉઠ્યો છે.
આ આંતરરાજ્ય ગેંગના નેટવર્કની ગંભીરતાને જોતા જ ગૃહ વિભાગે તાબડતોબ એક્શન મોડમાં આવીને રાજ્યના પોલીસ વડા (DGP) સહિતના તમામ ઉચ્ચ અધિકારીઓની ઈમરજન્સી મિટિંગ બોલાવી હતી.
"ઓપરેશન મ્યુલ હંટ 2.0": બેનામી બેંક ખાતાઓ પર સર્જિકલ સ્ટ્રાઈકનો આદેશ
આ વિડીયો કોન્ફરન્સમાં રાજ્યના પોલીસ વડા (DGP) ડૉ. કે.એલ.એન.રાવ સહિત ગાંધીનગર ખાતે ઉચ્ચ પોલીસ અધિકારીઓ તથા તમામ શહેરોના પોલીસ કમિશનર અને તમામ જિલ્લાના પોલીસ વડાઓ (SP) જોડાયા હતા. બેઠકમાં સ્પષ્ટ આદેશ આપવામાં આવ્યા છે કે આજથી જ ગુજરાતના તમામ જિલ્લાઓ અને શહેરોમાં શંકાસ્પદ અને ભાડાના (Mule) બેંક ખાતાઓ ધારકો વિરુદ્ધ વ્યાપક ઝુંબેશ શરૂ કરવામાં આવે.

એજન્ટો રડાર પર
જે લોકો કમિશનની લાલચે પોતાના બેંક ખાતા, એટીએમ કાર્ડ અને સિમ કાર્ડ સાયબર ગઠિયાઓને ભાડે આપે છે, તેમની સામે સીધી ફોજદારી કાર્યવાહી કરવામાં આવશે.

મ્યુલ એકાઉન્ટ શું છે અને શા માટે સરકાર આકરી બની?
ગઈકાલે જ ખુલેલા ડેફાબેટ કેસમાં સામે આવ્યું હતું કે સાયબર ગુનેગારો સીધા પોતાના ખાતામાં પૈસા નથી મંગાવતા. તેઓ ગરીબ, મધ્યમવર્ગીય અથવા અજાણ્યા લોકોના નામે બેંક ખાતા ખોલાવે છે અથવા તેમના ખાતા કમિશન આપીને ભાડે રાખે છે, જેને સાયબરની ભાષામાં મ્યુલ એકાઉન્ટ કહેવાય છે. તેલંગાણાના કેસમાં આવા 46 ખાતાઓ ગુજરાત, દિલ્હી અને પંજાબમાંથી ઓપરેટ થતા હતા. આ ખાતાઓના કારણે જ સાયબર પોલીસને અસલી ગુનેગાર સુધી પહોંચવામાં મહિનાઓ નીકળી જાય છે, જેથી હવે આ મૂળ પર જ ઘા કરવા માટે ગુજરાત સરકારે 'સર્જિકલ સ્ટ્રાઈક'નો આદેશ આપ્યો છે.





