વડોદરા: ગુજરાતમાં રેલ્વે માર્ગે નશાકારક પદાર્થોની હેરાફેરી સામે ચાલી રહેલા અભિયાન દરમિયાન પશ્ચિમ રેલ્વે વડોદરા એસ.ઓ.જી.ને મોટી સફળતા મળી છે. વડોદરા રેલ્વે સ્ટેશન પર આવેલી પુરી-ગાંધીધામ એક્સપ્રેસ ટ્રેનના દિવ્યાંગ કોચના શૌચાલયની છતમાંથી બિનવારસી હાલતમાં અંદાજે ₹56.95 લાખનો ગાંજો જપ્ત કરવામાં આવ્યો છે. આ કાર્યવાહી બાદ રેલ્વે સુરક્ષા એજન્સીઓમાં ખળભળાટ મચી ગયો છે.
રેલ્વે પોલીસ દ્વારા “મિશન સેફ સ્ટેશન” હેઠળ ટ્રેનો અને સ્ટેશનો પર સઘન ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે. આ અભિયાન અંતર્ગત પશ્ચિમ રેલ્વે વડોદરા એસ.ઓ.જી.ની ટીમ ટ્રેનોમાં પેટ્રોલિંગ અને શંકાસ્પદ ગતિવિધિઓ પર નજર રાખી રહી હતી.
શૌચાલયની તૂટેલી છતથી ઉઠી શંકા
ઓડિશાથી ગુજરાત તરફ આવતી ટ્રેન નંબર 22974 પુરી-ગાંધીધામ એક્સપ્રેસ વડોદરા રેલ્વે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર-6 પર પહોંચતા એસ.ઓ.જી.ની ટીમે સરપ્રાઈઝ ચેકિંગ શરૂ કર્યું હતું. તપાસ દરમિયાન દિવ્યાંગ કોચના શૌચાલયમાં છત પર લગાવેલી પ્લાયવુડની શીટ તૂટેલી હાલતમાં જોવા મળી હતી. આ દ્રશ્ય જોઈ પોલીસ કર્મચારીઓને શંકા જતાં તેઓએ ઉપર ચઢીને તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન છતની અંદર સંતાડીને રાખવામાં આવેલા પાંચ મોટા થેલા અને એક પ્લાસ્ટિકનો વજનદાર કોથળો મળી આવ્યો હતો.
આ પણ વાંચો: વડોદરામાં કેરટેકર મહિલા પર જીવલેણ હુમલો : લોહીલુહાણ હાલતમાં પણ મહિલાઓ હુમલાખોરને ઝડપી પાડ્યો
113.9 કિલો ગાંજો જપ્ત
પોલીસે તમામ થેલા અને કોથળાને નીચે ઉતારી તપાસ કરતાં તેમાં ગાંજો હોવાનું સામે આવ્યું હતું. જપ્ત કરાયેલા જથ્થાનું વજન કરવામાં આવતા કુલ 113.900 કિલોગ્રામ ગાંજો મળી આવ્યો હતો. તેની બજાર કિંમત અંદાજે ₹56,95,000 આંકવામાં આવી છે. આટલી મોટી માત્રામાં ગાંજો ટ્રેન મારફતે ગુજરાત સુધી કેવી રીતે પહોંચ્યો અને તેને કોણે સંતાડ્યો હતો તે હવે તપાસનો મુખ્ય વિષય બન્યો છે.
આ પણ વાંચો: MD ડ્રગ્સ કેસમાં ભાવનગર કોર્ટનો ઐતિહાસિક ચુકાદો : 4 આરોપીઓને 20 વર્ષની સજા, પરિવારજનોમાં આક્રંદ
NDPS એક્ટ હેઠળ ગુનો નોંધાયો
એસ.ઓ.જી.ની ટીમે સમગ્ર જથ્થો કબજે કરીને વડોદરા રેલ્વે પોલીસ મથકે અજાણ્યા શખ્સો સામે NDPS એક્ટની કલમ 8(C), 20(B)(ii)(C) હેઠળ ગુનો નોંધ્યો છે. હાલ પોલીસે ટ્રેનમાં મુસાફરી કરનારા શંકાસ્પદ મુસાફરો, ટિકિટ ડેટા અને સીસીટીવી ફૂટેજના આધારે તપાસ શરૂ કરી છે.
આ પણ વાંચો: સુરતમાં કચરામાંથી મળ્યું 1 દિવસનું નવજાત શિશુ : CCTV તપાસમાં જે સામે આવ્યું એ જોઈ પોલીસ પણ ચકરાઈ ગઈ
ઓડિશાથી ગુજરાત સુધીના નેટવર્કની તપાસ
પ્રાથમિક તપાસ મુજબ ગાંજાનો જથ્થો ઓડિશા તરફથી ગુજરાત લાવવામાં આવ્યો હોવાની આશંકા છે. આ જથ્થો વડોદરા, ગાંધીધામ કે અન્ય કોઈ સ્થળે કોને પહોંચાડવાનો હતો તે અંગે તપાસ ચાલી રહી છે. પોલીસ નશાકારક પદાર્થોના આંતરરાજ્ય નેટવર્ક સુધી પહોંચવા માટે વિવિધ એજન્સીઓ સાથે સંકલન કરી રહી છે. આ કાર્યવાહી રાજ્યમાં નશાના વેપાર સામે ચાલી રહેલા અભિયાનમાં એક મહત્વપૂર્ણ સફળતા માનવામાં આવી રહી છે.





