Home Gujarat Vadodara Vadodara Caretaker Woman Catches Attacker After Deadly Assault

વડોદરામાં કેરટેકર મહિલા પર જીવલેણ હુમલો : લોહીલુહાણ હાલતમાં પણ મહિલાઓ હુમલાખોરને ઝડપી પાડ્યો

લક્ષ્મીપુરા પોલીસ સ્ટેશનની છબી
Image Credit: OBS bureau
Published by: Niraj Chokshi
Last Updated: Jun 01, 2026, 02:13 PM IST

વડોદરા શહેરના લક્ષ્મીપુરા વિસ્તારમાં મોડી રાત્રે એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. નોકરી પરથી ઘરે પરત ફરી રહેલી એક કેરટેકર મહિલા પર બાઈક સવાર બે અજાણ્યા શખ્સોએ જીવલેણ હુમલો કર્યો હતો. જોકે ગંભીર ઈજાઓ છતાં મહિલાએ અસાધારણ હિંમત અને બહાદુરી બતાવીને એક હુમલાખોરને સ્થળ પર જ દબોચી લીધો, જેને બાદમાં પોલીસને સોંપવામાં આવ્યો હતો.

મળતી માહિતી મુજબ ગોત્રી વિસ્તારની એક સોસાયટીમાં રહેતી અને કેરટેકર તરીકે ફરજ બજાવતી કવિતા નામની મહિલા પોતાની ડ્યૂટી પૂર્ણ કરીને મેનેજર મુકેશ શાહ સાથે અલગ-અલગ સ્કૂટર પર ઘરે જઈ રહી હતી. આ દરમિયાન બાઈક પર આવેલા બે શખ્સોએ તેમનો પીછો શરૂ કર્યો હતો. શંકા જતા બંને થોડા સમય માટે લક્ષ્મીપુરા પોલીસ સ્ટેશન નજીક ઉભા રહ્યા હતા. જોકે પીછો કરનારા યુવકો પણ નજીકમાં જ રોકાઈ ગયા હતા.

બસ પાછળ છુપાઈને કર્યો હુમલો

પ્રાથમિક માહિતી અનુસાર, હુમલાખોરોએ શોર્ટકટ મારફતે આગળ પહોંચી ગંગાનગર તરફના રસ્તા પર પાર્ક કરાયેલી એક બસ પાછળ સંતાઈને મહિલાની રાહ જોઈ હતી. કવિતા અને તેમના મેનેજર ત્યાં પહોંચતા જ એક હુમલાખોર બાઈક પરથી ઉતરી આવ્યો અને મહિલાનું સ્કૂટર રોકી તેના પર ધારદાર હથિયાર વડે માથામાં ઉપરાછાપરી ઘા ઝીંક્યા હતા. અચાનક થયેલા હુમલામાં કવિતાને ગંભીર ઈજાઓ પહોંચી હતી અને તેઓ લોહીલુહાણ થઈ ગયા હતા. હુમલા બાદ બંને આરોપીઓ ફરાર થવાનો પ્રયાસ કરી રહ્યા હતા.

આ પણ વાંચો: MD ડ્રગ્સ કેસમાં ભાવનગર કોર્ટનો ઐતિહાસિક ચુકાદો : 4 આરોપીઓને 20 વર્ષની સજા, પરિવારજનોમાં આક્રંદ

ઘાયલ હોવા છતાં બહાદુરીનું ઉદાહરણ

ગંભીર રીતે ઘવાઈ જવા છતાં કવિતાએ હિંમત હારી નહોતી. તેમણે હુમલાખોર પર તરાપ મારીને બાઈક પાછળ બેઠેલા આરોપીને મજબૂતીથી પકડી લીધો હતો. જેના કારણે બાઈક અસંતુલિત થઈ ગઈ અને આરોપી સાથે રોડ પર પટકાઈ ગઈ.

લોહીલુહાણ હાલતમાં પણ મહિલાએ બૂમાબૂમ કરતાં આસપાસના લોકો ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. સ્થાનિકો ભેગા થતા બાઈક ચલાવતો બીજો આરોપી પોતાનું વાહન ત્યાં જ છોડીને ભાગી છૂટ્યો હતો, જ્યારે પકડાયેલા હુમલાખોરને લોકોએ ઘેરી લીધો હતો.

આ પણ વાંચો: નાની ઉંમર, મોટું સાહસ : એવરેસ્ટ બેઝ કેમ્પ સર કરનાર પાલનપુરની 8 વર્ષની નિક્ષા બારોટનું કલેક્ટર દ્વારા વિશેષ બહુમાન

પોલીસના હવાલે કરાયો આરોપી

ઘટનાની જાણ થતાં જ લક્ષ્મીપુરા પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી. સ્થાનિક લોકોએ પકડી રાખેલા આરોપીને પોલીસના હવાલે કરવામાં આવ્યો હતો. પોલીસ તપાસમાં આરોપીની ઓળખ તરુણ મોતીલાલ મેનરીયા, રહે. એન્ટીકા ગ્રીનવુડ, સેવાસી-ખાનપુર રોડ તરીકે થઈ છે.

પોલીસે આરોપીની અટકાયત કરીને પૂછપરછ શરૂ કરી છે. હુમલાનું ચોક્કસ કારણ હજુ સુધી સ્પષ્ટ થયું નથી. હુમલો અંગત અદાવત, લૂંટના પ્રયાસ કે અન્ય કોઈ કારણસર થયો હતો કે કેમ તે અંગે તપાસ ચાલી રહી છે. સાથે જ ફરાર થયેલા બીજા આરોપીને ઝડપી પાડવા માટે પોલીસની અલગ-અલગ ટીમો કામે લાગી છે.

વિસ્તારમાં ચકચાર

મહિલા પર થયેલા આ જીવલેણ હુમલાથી લક્ષ્મીપુરા અને આસપાસના વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઈ છે. જોકે ગંભીર ઈજાઓ વચ્ચે પણ મહિલાએ બતાવેલી બહાદુરીની સ્થાનિક લોકો પ્રશંસા કરી રહ્યા છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now