Home Gujarat Ahmedabad Ahmedabad Gujarat Sports Club Bomb Threat Navrangpura

સ્પોર્ટ્સ ક્લબમાં બોમ્બની ધમકીથી ખળભળાટ : સ્ટેડિયમ વિસ્તાર પોલીસ છાવણીમાં ફેરવાયો

Breaking news
Published by: Niraj Chokshi
Last Updated: Jun 01, 2026, 02:21 PM IST

અમદાવાદ: શહેરના નવરંગપુરા વિસ્તારમાં આવેલા સરદાર પટેલ સ્ટેડિયમ નજીકની ગુજરાત સ્પોર્ટ્સ ક્લબમાં બોમ્બ હોવાની ધમકી મળતા મંગળવારે ભારે ચકચાર મચી ગઈ હતી. ધમકીની માહિતી મળતા જ પોલીસ, બોમ્બ સ્ક્વોડ અને ફાયર બ્રિગેડની ટીમો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગઈ હતી અને સમગ્ર પરિસરની સઘન તપાસ હાથ ધરી હતી.

મળતી માહિતી મુજબ, ગુજરાત સ્પોર્ટ્સ ક્લબના એક રૂમમાંથી શંકાસ્પદ ચિઠ્ઠી મળી આવી હતી. આ ચિઠ્ઠીમાં ક્લબ પરિસરમાં બોમ્બ હોવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. ચિઠ્ઠી મળતા જ ક્લબ સંચાલકોએ તાત્કાલિક પોલીસને જાણ કરી હતી.

બોમ્બ સ્ક્વોડે શરૂ કરી સઘન તપાસ

ઘટનાની જાણ થતાં નવરંગપુરા પોલીસ, બી ડિવિઝન એસીપી, બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ અને ફાયર બ્રિગેડની ટીમો સ્થળ પર પહોંચી હતી. સુરક્ષાના ભાગરૂપે ક્લબના વિવિધ વિસ્તારોની ચકાસણી કરવામાં આવી હતી. પોલીસ દ્વારા દરેક રૂમ અને આસપાસના વિસ્તારોનું બારીકાઈથી નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. પ્રાથમિક તપાસ દરમિયાન કોઈ શંકાસ્પદ વસ્તુ કે વિસ્ફોટક સામગ્રી મળી આવી નથી. જોકે સમગ્ર મામલે પોલીસ કોઈ જોખમ લેવા તૈયાર નથી અને તપાસ ચાલુ રાખવામાં આવી છે.

આ પણ વાંચો: વડોદરામાં કેરટેકર મહિલા પર જીવલેણ હુમલો : લોહીલુહાણ હાલતમાં પણ મહિલાઓ હુમલાખોરને ઝડપી પાડ્યો

વિદેશી મહેમાનો માટે બુક કરાયેલા રૂમમાંથી મળી ચિઠ્ઠી

સ્થાનિક સૂત્રોના જણાવ્યા અનુસાર, જે રૂમમાંથી ચિઠ્ઠી મળી આવી હતી તે રૂમ વિદેશથી આવેલા કેટલાક મહેમાનો માટે બુક કરાવવામાં આવ્યો હતો. રૂમની તપાસ દરમિયાન આ ચિઠ્ઠી મળી આવતા સુરક્ષા એજન્સીઓ સતર્ક બની ગઈ હતી. પોલીસ હાલ ચિઠ્ઠી કોણે લખી, તે ક્યાંથી આવી અને તેની પાછળ કોઈ શરારતી તત્વોનો હાથ છે કે નહીં તે દિશામાં તપાસ કરી રહી છે.

આ પણ વાંચો: MD ડ્રગ્સ કેસમાં ભાવનગર કોર્ટનો ઐતિહાસિક ચુકાદો : 4 આરોપીઓને 20 વર્ષની સજા, પરિવારજનોમાં આક્રંદ

અફવા કે વાસ્તવિક ધમકી?

પોલીસ અધિકારીઓના જણાવ્યા મુજબ, હાલમાં બોમ્બ હોવાના કોઈ પુરાવા મળ્યા નથી. તેમ છતાં ધમકીની ગંભીરતાને ધ્યાનમાં રાખીને તમામ પાસાઓની તપાસ કરવામાં આવી રહી છે. ચિઠ્ઠી લખનાર વ્યક્તિ સુધી પહોંચવા માટે સીસીટીવી ફૂટેજ અને અન્ય ટેક્નિકલ પુરાવાઓની મદદ લેવામાં આવી રહી છે. ઘટનાના પગલે સ્ટેડિયમ અને આસપાસના વિસ્તારમાં થોડા સમય માટે ભારે સુરક્ષા બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો, જેના કારણે સ્થાનિકોમાં પણ ચિંતા ફેલાઈ હતી.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now