Ahmedabad Civil Hospital: ગુજરાતની સૌથી મોટી અને એશિયાની અગ્રણી હોસ્પિટલોમાં સ્થાન પામતી અમદાવાદ સિવિલ હોસ્પિટલે તબીબી જગતમાં વધુ એક વખત પોતાની શ્રેષ્ઠતા સાબિત કરી છે. સિવિલ હોસ્પિટલના પીડિયાટ્રિક સર્જરી વિભાગના નિષ્ણાત ડૉક્ટરોએ એક નવજાત બાળકી પર અત્યંત જટિલ અને સફળ ઓપરેશન કરીને તેને મોતના મુખમાંથી બહાર લાવી નવજીવન બક્ષ્યું છે. જન્મજાત ગંભીર ખામી ‘બાયલેટરલ કોએનલ એટ્રેસિયા’ (Bilateral Choanal Atresia) જેવી દુર્લભ અને જીવલેણ બીમારી સામે લડી રહેલી કચ્છના એક ગરીબ શ્રમિક પરિવારની દીકરી સિવિલના તબીબોના અથાણ પ્રયાસોથી આજે સંપૂર્ણ સ્વસ્થ થઈ છે.
શું છે ‘બાયલેટરલ કોએનલ એટ્રેસિયા’ બીમારી?
તબીબી ભાષામાં આ એક અત્યંત દુર્લભ અને ગંભીર જન્મજાત ખામી છે, જેમાં નવજાત શિશુના નાકની પાછળનો શ્વાસ લેવાનો માર્ગ જન્મથી જ હાડકા અથવા ત્વચાના પડદાને કારણે બંધ હોય છે. નવજાત બાળકો સામાન્ય રીતે માત્ર નાક દ્વારા જ શ્વાસ લેવા માટે ટેવાયેલા હોય છે. આવા કિસ્સામાં બાળકી નાકથી શ્વાસ લઈ શકતી ન હોવાથી તેનો જીવ જોખમમાં મુકાયો હતો. આ એક એવી ઈમરજન્સી સ્થિતિ હતી જેમાં તાત્કાલિક સર્જરી જ એકમાત્ર ઉપાય હતો.
કચ્છના શ્રમિક પરિવાર પર આવી પડી હતી આફત
મૂળ કચ્છના એક ગરીબ શ્રમિક પરિવારમાં આ દીકરીનો જન્મ થયો ત્યારે જ ખબર પડી કે તે શ્વાસ લઈ શકતી નથી. બાળકીની ગંભીર સ્થિતિ જોઈને પરિવારના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી. ખાનગી હોસ્પિટલમાં આ પ્રકારની જટિલ સર્જરી પાછળ લાખો રૂપિયાનો ખર્ચ થાય તેમ હતો, જે આ ગરીબ પરિવાર માટે અશક્ય હતો. આખરે, આશાનું છેલ્લું કિરણ લઈને આ પરિવાર અમદાવાદ સિવિલ હોસ્પિટલના દ્વારે આવ્યો.
અદ્યતન ટેકનોલોજી અને નિષ્ણાત ડૉક્ટરોની કમાલ
બાળકીને સિવિલના પીડિયાટ્રિક સર્જરી વિભાગમાં દાખલ કરવામાં આવી હતી. ડૉક્ટરોની ટીમે જરાય સમય ગુમાવ્યા વિના તમામ જરૂરી તપાસ કરી અને બાળકીની નાજુક ઉંમરને ધ્યાનમાં રાખીને ઓપરેશનનો નિર્ણય લીધો. હોસ્પિટલની અદ્યતન ટેકનોલોજી, અત્યાધુનિક તબીબી સાધનો અને પીડિયાટ્રિક સર્જરી વિભાગના નિષ્ણાત ડૉક્ટરોના કૌશલ્યને કારણે આ અત્યંત જટિલ ઓપરેશન સફળતાપૂર્વક પાર પાડવામાં આવ્યું. ડૉક્ટરોએ નાકનો બંધ માર્ગ ખોલીને બાળકીને નવો શ્વાસ આપ્યો.
લાખોની સારવાર સિવિલમાં તદ્દન ‘વિનામૂલ્યે’
જે સારવાર માટે ખાનગી હોસ્પિટલોમાં લાખો રૂપિયાનો ખર્ચ થતો હોય છે, તે જ જટિલ સર્જરી અને ઓપરેશન પછીની તમામ સારવાર અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં તદ્દન વિનામૂલ્યે કરવામાં આવી છે. આ ગરીબ પરિવાર માટે સિવિલ હોસ્પિટલ સાક્ષાત્ ભગવાન સાબિત થઈ છે."
બાળકી હવે સ્વસ્થ, માતા-પિતાની આંખોમાં હર્ષના આંસુ
સફળ ઓપરેશન બાદ નવજાત બાળકી હવે સંપૂર્ણપણે સ્વસ્થ છે અને કોઈ પણ કૃત્રિમ સપોર્ટ વિના કુદરતી રીતે શ્વાસ લઈ રહી છે. પોતાની વ્હાલસોયી દીકરીને હસતી અને સામાન્ય રીતે શ્વાસ લેતી જોઈને શ્રમિક માતા-પિતાની આંખોમાં હર્ષના આંસુ આવી ગયા હતા. તેમણે સિવિલ હોસ્પિટલના તમામ ડૉક્ટરો અને સ્ટાફનો હૃદયપૂર્વક આભાર માન્યો હતો.
ગરીબો માટે સાચા અર્થમાં ‘આશાનું કિરણ’
અમદાવાદ સિવિલ હોસ્પિટલે આ સફળતા સાથે સાબિત કરી દીધું છે કે તે માત્ર સરકારી હોસ્પિટલ નથી, પરંતુ રાજ્ય અને દેશના ગરીબ તેમજ મધ્યમ વર્ગના પરિવારો માટે સાચા અર્થમાં 'આશાનું કિરણ' છે. ડૉક્ટરોની આ સેવાભાવના અને તબીબી ચમત્કારને ચારેય તરફથી બિરદાવવામાં આવી રહ્યો છે.





