Ahmedabad Vastral Drainage Pit: અમદાવાદના પૂર્વ વિસ્તાર વસ્ત્રાલમાં વિકાસકાર્ય દરમિયાન સુરક્ષા ધોરણોની અવગણનાનો ગંભીર કિસ્સો સામે આવ્યો છે. ન્યૂ વસ્ત્રાલ વિસ્તારમાં ડ્રેનેજ લાઇનને ઉપર લાવવાના કામ માટે ખોદવામાં આવેલા ખુલ્લા ખાડામાં એક દ્વિચક્રી વાહનચાલક પડી જતાં ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો હોવાનું જાણવા મળ્યું છે. અકસ્માત બાદ સ્થાનિકોમાં ભારે રોષ ફેલાયો છે અને જવાબદાર અધિકારીઓ સામે કાર્યવાહી કરવાની માંગ ઉઠી છે. સ્થાનિકોના જણાવ્યા અનુસાર, વસ્ત્રાલ પોલીસ ચોકીથી માધવ ફાર્મ સુધી નવા રોડનું કામ ચાલી રહ્યું છે. આ દરમિયાન સુંદરમ આવાસ યોજનાના મુખ્ય પ્રવેશદ્વાર નજીક ડ્રેનેજ લાઇન માટે ખાડો ખોદવામાં આવ્યો હતો. જોકે સ્થળ પર કોઈપણ પ્રકારનું બેરિકેટિંગ, રિફ્લેક્ટર, ચેતવણી બોર્ડ અથવા અન્ય સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી નહોતી.
રાત્રિના સમયે સર્જાયો અકસ્માત
મળતી માહિતી મુજબ, રાત્રિના સમયે એક દ્વિચક્રી વાહનચાલક ત્યાંથી પસાર થઈ રહ્યો હતો ત્યારે તેને ખુલ્લો ખાડો દેખાયો નહોતો અને તે સીધો ખાડામાં ખાબકી ગયો હતો. અકસ્માત એટલો ગંભીર હતો કે વાહનચાલકને ગંભીર ઇજાઓ પહોંચી હતી. nઘટનાની જાણ થતાં જ સ્થાનિકોએ તાત્કાલિક 108 ઇમરજન્સી સેવાને જાણ કરી હતી. ત્યારબાદ ઘાયલ વ્યક્તિને નજીકની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. હોસ્પિટલ સૂત્રોના જણાવ્યા અનુસાર તેની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે.
સ્થાનિકોએ AMC સામે વ્યક્ત કર્યો રોષ
અકસ્માત બાદ સ્થાનિક રહેવાસીઓએ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) અને સંબંધિત વિભાગોની કામગીરી સામે સવાલો ઉઠાવ્યા છે. લોકોનું કહેવું છે કે વિકાસકાર્ય દરમિયાન સુરક્ષા ધોરણોનું પાલન કરવું ફરજિયાત છે, છતાં અહીં કોઈપણ પ્રકારની તકેદારી રાખવામાં આવી નહોતી. સ્થાનિકોનું માનવું છે કે જો સમયસર બેરિકેટિંગ અને ચેતવણી બોર્ડ લગાવવામાં આવ્યા હોત તો આ અકસ્માત ટાળી શકાય તેમ હતો.
જવાબદારો સામે કાર્યવાહીની માંગ
આ ઘટનાને લઈને કોંગ્રેસના વસ્ત્રાલ વોર્ડ સમિતિ પ્રમુખ હરેશભાઈ પટેલે પણ તંત્રની કામગીરી સામે પ્રશ્નો ઉઠાવ્યા છે. તેમણે જણાવ્યું હતું કે સ્થાનિક લોકો દ્વારા અગાઉ વોર્ડ કચેરીમાં રજૂઆત કરવામાં આવી હતી, પરંતુ જવાબદારી પ્રોજેક્ટ વિભાગની હોવાનું કહી મામલો ટાળી દેવામાં આવ્યો હતો. તેમણે અકસ્માત માટે જવાબદાર અધિકારીઓ અને કોન્ટ્રાક્ટર સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે. સાથે જ શહેરમાં ચાલી રહેલા તમામ વિકાસકાર્યો દરમિયાન સુરક્ષા ધોરણોનું કડક પાલન થાય તે માટે તંત્રને જરૂરી પગલાં ભરવાની અપીલ કરી છે.
ખુલ્લા ખાડા અને અધૂરા કામો સામે ઉઠ્યા પ્રશ્નો
વસ્ત્રાલમાં બનેલી આ ઘટનાએ શહેરમાં ચાલી રહેલા વિકાસકાર્યોની સુરક્ષા વ્યવસ્થા સામે ફરી એકવાર પ્રશ્નચિહ્ન ઊભું કર્યું છે. સ્થાનિકોનું કહેવું છે કે અનેક વિસ્તારોમાં રોડ, ગટર અને ડ્રેનેજના કામો દરમિયાન ખુલ્લા ખાડા છોડી દેવામાં આવે છે, જે રાત્રિના સમયે વાહનચાલકો અને રાહદારીઓ માટે જીવલેણ સાબિત થઈ શકે છે. હાલ સમગ્ર મામલે સ્થાનિકોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. હવે તંત્ર આ ઘટનાને કેટલું ગંભીરતાથી લે છે અને જવાબદારો સામે શું કાર્યવાહી કરે છે તેના પર સૌની નજર છે.





