Home Gujarat Vadodara Vadodara Aap City President Ashok Oza Arrested In Case

વડોદરા 'આપ' પ્રમુખ અશોક ઓઝાની દુષ્કર્મના આરોપમાં ધરપકડ : બ્લેકમેલિંગ અને ખંડણીના સામસામા આક્ષેપોથી રાજકારણ ગરમાયું

અશોક ઓઝા
Published by: Chintan Chavda
Last Updated: Jun 02, 2026, 07:40 AM IST

વડોદરા શહેર આમ આદમી પાર્ટી (AAP) ના પ્રમુખ અશોક ઓઝા સામે પક્ષની જ એક મહિલા હોદ્દેદારે દુષ્કર્મ અને બ્લેકમેલિંગની ગંભીર ફરિયાદ નોંધાવતા કપુરાઈ પોલીસે તેમની ધરપકડ કરી છે. આ મામલામાં નેતાના પુત્ર, પત્ની અને પુત્રી સહિત કુલ ચાર લોકો સામે ગુનો નોંધવામાં આવ્યો છે. બીજી તરફ, આપ પ્રમુખે પણ મહિલા સામે 20 લાખ રૂપિયાની ખંડણી માંગવાનો વળતો આક્ષેપ કરતી લેખિત અરજી પોલીસને આપી છે.

પીડિતાના ગંભીર આક્ષેપો અને બ્લેકમેલિંગ

પીડિત મહિલાના જણાવ્યા મુજબ, અશોક ઓઝાએ તેના પતિને સારી નોકરી અપાવવાના બહાને પોતાના ઘરે બોલાવી હતી. ત્યાં તેને નશીલો પદાર્થ અથવા દારૂ પીવડાવી તેની ઈચ્છા વિરુદ્ધ શારીરિક સંબંધ બાંધ્યા હતા અને તેની જાણ બહાર અશ્લીલ વીડિયો ઉતારી લીધા હતા. આ વીડિયો સોશિયલ મીડિયા અને તેના પતિને મોકલી વાયરલ કરવાની ધમકી આપીને નેતા વર્ષ 2024 થી માર્ચ-2026 દરમિયાન મહિલાને બ્લેકમેલ કરતા રહ્યા હતા.

આ સમયગાળા દરમિયાન હરણીની કમ્ફર્ટ ઇન હોટલ, આજવા રોડ નિમેટાની હોટલો તેમજ મુંબઈ અને વૈષ્ણોદેવી સુધી મહિલાનો પીછો કરી સતત શારીરિક શોષણ કરવામાં આવ્યું હતું. એટલું જ નહીં, વર્ષ 2026 માં અશોક ઓઝાના પુત્ર આનંદ ઓઝાએ પણ પીડિતાના ઘરે જઈ વીડિયો વાયરલ કરવાની ધમકી આપી દુષ્કર્મ આચર્યું હોવાનો આક્ષેપ છે. આ બાબતે નેતાના પત્ની મોતીબેન અને પુત્રી ખુશી ઓઝાને રજૂઆત કરતા, તેમણે મદદ કરવાને બદલે મહિલાને ધમકાવી અને પૈસાની માંગણી કરી હતી.

આ પણ વાંચો: અમદાવાદમાં 1-2 લાખ નહીં : પૂરા ₹4.25 કરોડનું સોનું અને કીમતી રત્નો ઝડપાયા, તપાસમાં મોટા માથાઓના નામ ખુલવાની શક્યતા!

આપ પ્રમુખનો વળતો પ્રહાર: "20 લાખની ખંડણી માટે ખોટો કેસ કર્યો"

સામે પક્ષે, ધરપકડ પહેલા અશોક ઓઝાએ પોલીસ કમિશનર અને કપુરાઈ પોલીસ સ્ટેશનમાં લેખિત અરજી આપી મહિલા પર ગંભીર આરોપો લગાવ્યા છે. ઓઝાના જણાવ્યા મુજબ, તેમણે માનવતાના ધોરણે મહિલા અને તેના બાળકને રહેવા માટે પોતાનું મકાન વિના ભાડે આપ્યું હતું અને આર્થિક મદદ કરી હતી. હવે મહિલા મકાન ખાલી કરવાનો ઇનકાર કરી રહી છે અને ખાલી કરવાના બદલામાં 20 લાખની ગેરકાયદેસર ખંડણી માંગી રહી છે. વધુ પૈસા પડાવવા માટે જ સ્ત્રી સુરક્ષાના કાયદાનો દુરુપયોગ કરી ખોટા કેસમાં ફસાવવાની ધમકી અપાઈ રહી છે.

પોલીસ કાર્યવાહી

કપુરાઈ પોલીસે પીડિતાની ફરિયાદના આધારે ગુનો નોંધી મુખ્ય આરોપી અશોક ઓઝાની ધરપકડ કરી લીધી છે. જ્યારે ફરાર અન્ય ત્રણ આરોપીઓ (પુત્ર, પત્ની અને પુત્રી) ની શોધખોળ અને આ સમગ્ર હાઈપ્રોફાઈલ મામલાની સત્યતા ચકાસવા કાયદેસરની તપાસ તેજ કરી છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now