Home Gujarat Rajkot Raids On Diamond Store Rajkot Expired Food Seized Injection Pepsi Expired Chocolate Wafers

જો તમે પણ બાળકોને પેપ્સી-ચોકલેટ આપો છો તો સાવધાન! : રાજકોટમાંથી 200 કિલોથી વધુ અખાદ્ય ચોકલેટ-વેફરનો જથ્થો ઝડપાયો

Rajkot Food Raid Expired Chocolate
Published by: Nirali Gohil
Last Updated: Jun 02, 2026, 11:52 AM IST

Rajkot Food Raid: રાજકોટ શહેરમાં ફૂડ સેફ્ટી વિભાગે એવી કાર્યવાહી કરી છે, જેણે વાલીઓમાં ચિંતા વધારી દીધી છે. શહેરના લાતી પ્લોટ વિસ્તારમાં આવેલી એક હોલસેલ દુકાનમાંથી બાળકોને વેચાતી એક્સપાયરી ડેટવાળી ચોકલેટ, વેફર બિસ્કિટ, સોફ્ટ કેન્ડી અને ઇન્જેક્શનમાં ભરેલી પેપ્સીનો મોટો જથ્થો ઝડપાયો છે. તપાસ દરમિયાન 200 કિલોથી વધુ અખાદ્ય સામગ્રી મળી આવતા સમગ્ર જથ્થાનો સ્થળ પર જ નાશ કરવામાં આવ્યો હતો. ખાસ કરીને બાળકોને આકર્ષવા માટે ઇન્જેક્શન જેવા રમકડાંમાં પેપ્સી ભરીને વેચાણ થતું હોવાનું સામે આવતા ફૂડ વિભાગ પણ ચોંકી ઉઠ્યું હતું. આ ઘટનાએ બજારમાં વેચાતી ખાદ્ય વસ્તુઓની ગુણવત્તા અંગે અનેક સવાલો ઉભા કર્યા છે.

ફૂડ સેફ્ટી વિભાગની અચાનક તપાસ

રાજકોટ મહાનગરપાલિકાના સિનિયર ફૂડ સેફ્ટી ઓફિસર કે.જી. સરવૈયાના માર્ગદર્શન હેઠળ કુવાડવા રોડ નજીક લાતી પ્લોટ વિસ્તારમાં આવેલી ડાયમંડ સ્ટોર નામની હોલસેલ પેઢીમાં તપાસ હાથ ધરવામાં આવી હતી.

તપાસ દરમિયાન એક મહિનાથી લઈને ચાર મહિના સુધીની એક્સપાયરી ડેટ ધરાવતી ચોકલેટ, પેપર બિસ્કિટ, સોફ્ટ ચોકલેટ, પેપ્સી અને અન્ય ખાદ્ય વસ્તુઓનો જથ્થો મળી આવ્યો હતો. આ તમામ સામગ્રીને અખાદ્ય જાહેર કરીને તેનો નાશ કરવામાં આવ્યો હતો.

બાળકોને આકર્ષવા ઇન્જેક્શનમાં ભરાતી હતી પેપ્સી

તપાસ દરમિયાન સૌથી ચોંકાવનારી બાબત એ સામે આવી કે બાળકોને આકર્ષવા માટે ઇન્જેક્શનના આકારના પ્લાસ્ટિક પેકમાં પેપ્સી ભરીને વેચાણ કરવામાં આવતું હતું. ફૂડ વિભાગના અધિકારીઓના જણાવ્યા મુજબ, આ પ્રોડક્ટ્સ પણ એક્સપાયરી ડેટની હતી અને બાળકોના સ્વાસ્થ્ય માટે ગંભીર જોખમ ઊભું કરી શકે તેવી હતી. આ મામલે સેમ્પલ એકત્ર કરીને વધુ તપાસ માટે મોકલવામાં આવ્યા છે.

આ પણ વાંચો: રાજકોટમાં ધીરેન્દ્ર શાસ્ત્રીની કથા પહેલાં વિવાદ: પડકાર સામે પડકાર; વિરોધીઓને દરબારમાં આવવાનું આમંત્રણ

ગ્રામ્ય વિસ્તારોમાં પણ થતો હતો સપ્લાય

પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે, ડાયમંડ સ્ટોર દ્વારા માત્ર રાજકોટ જ નહીં પરંતુ આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં પણ આ વસ્તુઓનો હોલસેલ સપ્લાય કરવામાં આવતો હતો. છેલ્લા છ મહિનાથી આ ગોડાઉન કાર્યરત હોવાનું સામે આવ્યું છે. અધિકારીઓ હવે તપાસ કરી રહ્યા છે કે આ એક્સપાયરી પ્રોડક્ટ્સ ક્યાં-ક્યાં સુધી પહોંચી હતી.

માલિકે સ્વીકારી ભૂલ

ગોડાઉનના માલિક નિલેશભાઈ પોપટે જણાવ્યું હતું કે જપ્ત કરાયેલો સ્ટોક ડેડ સ્ટોક હતો અને વેચાણ માટે રાખવામાં આવ્યો નહોતો. તેમણે સ્વીકાર્યું કે એક્સપાયરી જથ્થા પર "Not For Sale"નો ઉલ્લેખ કરવામાં આવ્યો નહોતો, જે તેમની ભૂલ હતી. તેમણે વધુમાં જણાવ્યું કે આ જથ્થો નાશ કરવાનો હતો, પરંતુ તે પહેલા જ ફૂડ વિભાગની તપાસ દરમિયાન મળી આવ્યો હતો.

આ પણ વાંચો:નિવૃત્તિના 24 કલાક પહેલાં ACP સાથે જે થયું તે કોઈએ નહીં વિચાર્યું હોય?: ગૃહ વિભાગએ આપ્યો મોટો આદેશ

વાલીઓ માટે ચેતવણી

આ સમગ્ર ઘટનાએ વાલીઓ માટે ચેતવણીરૂપ સંદેશ આપ્યો છે. બાળકો માટે ખરીદવામાં આવતી ચોકલેટ, વેફર, બિસ્કિટ અને અન્ય ખાદ્ય વસ્તુઓની એક્સપાયરી ડેટ ચકાસવી ખૂબ જ જરૂરી બની ગઈ છે. ફૂડ સેફ્ટી વિભાગે પણ લોકોને અપીલ કરી છે કે, કોઈપણ શંકાસ્પદ અથવા એક્સપાયરી ખાદ્ય વસ્તુ દેખાય તો તાત્કાલિક તંત્રને જાણ કરવી જોઈએ, જેથી આવા બેદરકાર વેપારીઓ સામે કડક કાર્યવાહી કરી શકાય.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now