રાજકોટ શહેર પોલીસના કંટ્રોલ રૂમમાં ACP તરીકે ફરજ બજાવતા વિનાયક જી. પટેલને નિવૃત્તિના માત્ર એક દિવસ પહેલાં ગૃહ વિભાગ દ્વારા નોકરીમાંથી બરતરફ કરવામાં આવ્યા છે. 31 મેના રોજ વયમર્યાદાના આધારે નિવૃત થવાના આ અધિકારી સામે લાંબા સમયથી ચાલી રહેલી ખાતાકીય તપાસ પૂર્ણ થયા બાદ ગૃહ વિભાગે આ કડક નિર્ણય લીધો હોવાનું સામે આવ્યું છે. 30 મેના રોજ જારી કરાયેલા આદેશ બાદ પોલીસ વિભાગમાં ચર્ચાનો માહોલ સર્જાયો છે.
માહિતી મુજબ, વિનાયક પટેલ હાલમાં રાજકોટ શહેર પોલીસના કંટ્રોલ રૂમમાં ACP તરીકે ફરજ બજાવી રહ્યા હતા. તેઓ નિવૃત્તિની તૈયારીમાં હતા, પરંતુ નિવૃત્તિના માત્ર 24 કલાક પહેલાં જ ગૃહ વિભાગે તેમને સેવા પરથી બરતરફ કરવાનો હુકમ જાહેર કર્યો હતો. સામાન્ય રીતે નિવૃત્તિ પૂર્વે અધિકારીઓ સામે ચાલી રહેલી તપાસના કેસોમાં અંતિમ નિર્ણય મહત્વનો માનવામાં આવે છે, ત્યારે આ કાર્યવાહી ખાસ નોંધપાત્ર બની છે.
આ પણ વાંચો: "કેટલાક લોકો અચાનક ચારેબાજુ દેખાય છે, આવી લોકપ્રિયતા વધુ ટકતી નથી" : જાણો 'કોકરોચ પાર્ટી' વિશે ઉપરાષ્ટ્રપતિએ બીજું શું કહ્યું
વડોદરામાં ફરજ દરમિયાનનો વિવાદ બન્યો કાર્યવાહીનું કારણ
સૂત્રોના જણાવ્યા મુજબ, વિનાયક પટેલ જ્યારે વડોદરામાં એચ ડિવિઝનના ACP તરીકે ફરજ બજાવતા હતા ત્યારે મકરપુરા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા જુગારના એક કેસને લઈને તેમની ભૂમિકા સામે ગંભીર પ્રશ્નો ઊભા થયા હતા. આ કેસમાં સંજય ઉર્ફે ભુરો અમૃતલાલ છગાણી નામના આરોપીને પોલીસની કાર્યવાહીથી બચવા માટે મદદરૂપ થવાનો આરોપ તેમની સામે મૂકવામાં આવ્યો હતો.
આક્ષેપ અનુસાર, આરોપીને પોલીસ પકડથી દૂર રહેવા માટે ઘરે ન રહેવાની સલાહ આપવામાં આવી હતી. આ ઘટનાએ તે સમયે પોલીસ તંત્રમાં પણ ચર્ચા જગાવી હતી. આરોપીની તરફેણમાં વહીવટી સ્તરે સહાયતા કરવામાં આવી હોવાની ચર્ચાઓ બાદ મામલો ગંભીર બન્યો અને તેમની સામે ખાતાકીય તપાસ શરૂ કરવામાં આવી હતી.
આ પણ વાંચો: કોકરોચ જનતા પાર્ટીના અભિજીત દિપકેની ભારત વાપસી! : NEET મુદ્દે 6 જૂને દિલ્હીમાં વિરોધ પ્રદર્શનનું એલાન
ખાતાકીય તપાસમાં દોષિત ઠરતા ગૃહ વિભાગનું કડક વલણ
આ મામલે શરૂ કરાયેલી ડિપાર્ટમેન્ટલ ઇન્કવાયરી દરમિયાન વિવિધ પાસાઓની તપાસ કરવામાં આવી હતી. તપાસ પૂર્ણ થયા બાદ તૈયાર થયેલો રિપોર્ટ ગૃહ વિભાગને મોકલવામાં આવ્યો હતો. વિભાગીય તપાસમાં વિનાયક પટેલ સામેના આક્ષેપોને લઈને તેમને દોષિત માનવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે.
તપાસના તારણોના આધારે ગૃહ વિભાગે નિવૃત્તિ પહેલાં જ કાર્યવાહી કરવાનો નિર્ણય લીધો હતો. પરિણામે 31 મેના રોજ નિવૃત્તિ મેળવનાર અધિકારી સામે 30 મેના રોજ બરતરફીનો આદેશ જાહેર કરવામાં આવ્યો. આ નિર્ણયથી તેઓ નિવૃત્તિ બાદ મળતા કેટલાક સેવા લાભો પર પણ અસર પડી શકે છે, જોકે તે અંગે સત્તાવાર વિગતો હજુ જાહેર થઈ નથી.





